બૂટની જોડી

અમેરિકાના અશ્વેત લોકોના નાગરિક હકોની અહિંસક લડતના અગ્રણી નેતા માર્ટિન લ્યૂથર કિંગ (જુનિયર) (ઈ. સ. 1929થી 1978) પર ગાંધીજીનાં લખાણોનો અને એમની અહિંસાની વિચારધારાનો ઘણો પ્રભાવ પડ્યો. એમણે અશ્વેત લોકોના અધિકારો માટે અહિંસક સત્યાગ્રહનું શસ્ત્ર અજમાવ્યું. જાહેર બસમાં રંગભેદ અને અલગતાવાદ આચરવામાં આવતો હતો, એનો એમણે વિરોધ કર્યો અને લાંબા સમય સુધી જાહેર બસવ્યવહારનો બહિષ્કાર પોકારીને માર્ટિન લ્યૂથર કિંગે લડતની આગેવાની લીધી. અમેરિકામાં વિવિધ પ્રદેશોમાં એમણે રંગભેદની નીતિ અને અશ્વેત લોકોના નાગરિક હકો માટે જેહાદ જગાવી. 1973ની 28મી ઑગસ્ટે અઢી લાખથી વધારે લોકોએ અમેરિકાની રંગભેદની નીતિ સામે વૉશિંગ્ટનમાં ઐતિહાસિક કૂચ યોજી. માર્ટિન લ્યૂથર કિંગ ઠેર ઠેર જાહેરસભાઓ ભરીને લોકજાગૃતિ સર્જતા હતા.

એક વાર કોઈ સભામાં રંગભેદમાં માનતા એમના વિરોધીએ એમને નિશાન બનાવીને છુટ્ટો બૂટ ફેંક્યો. માર્ટિન લ્યૂથર કિંગને તે વાગ્યો નહીં, પણ એમના પગ પાસે પડ્યો. સભામાં ખળભળાટ મચી ગયો, પરંતુ સ્વસ્થ માર્ટિન લ્યૂથર કિંગે પોતાનું ભાષણ ચાલુ રાખ્યું ને માર્મિક રીતે કહ્યું,

‘ધન્ય છે એ દેશને કે જે પોતાના સેવકોની નાનામાં નાની બાબતનો ખ્યાલ રાખે છે. મારા જેવા ખુલ્લા પગે ચાલતા સામાન્ય સેવકની પણ ચિંતા કરે છે. આ સભામાં ઉપસ્થિત એવા કોઈ દયાવાન સજ્જને ઉદારતા દાખવી છે, પરંતુ મને અફસોસ એટલો છે કે માત્ર એક જ બૂટ શા માટે આપ્યો ? બે બૂટ હોત તો વધારે સારું થાત !’ માર્ટિન લ્યૂથર કિંગનું વક્તવ્ય સાંભળીને લોકો સ્તબ્ધ બની ગયા. એમણે હસીને કહ્યું, ‘જે સજ્જને મને એક બૂટ આપવાની ઉદારતા દાખવી, તેમને મારી વિનંતી છે કે તેઓ બીજો બૂટ પણ આપે, તો એમની મહેરબાનીથી મને બૂટની જોડી મળી રહેશે.’ માર્ટિન લ્યૂથરની સ્વસ્થતા અને સહૃદયતાથી પ્રસન્ન એવા શ્રોતાજનોએ ‘લોંગ લિવ માર્ટિન લ્યૂથર’ના નારા પોકાર્યા.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑