વાઘ કરતાં ખતરનાક

ચીનના મહાન ચિંતક અને ધર્મસ્થાપક કૉન્ફ્યૂશિયસે (ઈ. સ. પૂર્વે 551થી ઈ. સ. પૂર્વે 479) બાવીસમા વર્ષે પોતાના ઘરમાં પાઠશાળા સ્થાપી અને શિષ્યોને પ્રાચીન સાહિત્ય, સંસ્કૃતિ અને વિવિધ કલાઓનો અભ્યાસ કરાવવા લાગ્યા.

સત્યના ઉપાસક એવા કૉન્ફ્યૂશિયસ મિતભાષી અને મન, વચન અને કર્મમાં એકતા ધરાવતા હતા, એથીય વિશેષ ઈશ્વર કે પરલોક જેવી પરોક્ષ વસ્તુઓની પાછળ પડવાને બદલે આ લોકને સુધારીએ તેમ કહેતા. આ ભૂમિ પર સદાચાર દ્વારા નંદનવન વસાવીએ એ એમનું સૂત્ર હતું.

કૉન્ફ્યૂશિયસ એક વાર પોતાના શિષ્યો સાથે જંગલમાંથી પસાર થતા હતા, ત્યારે એમને કાને કોઈ આક્રંદ કરતી સ્ત્રીનો અવાજ પડ્યો. કૉન્ફ્યૂશિયસે એક શિષ્યને તપાસ કરવા માટે એ સ્ત્રીની પાસે મોકલ્યા ત્યારે તે સ્ત્રીએ કહ્યું,

‘આ જંગલમાં વાઘે આતંક મચાવી દીધો છે. થોડા દિવસ પહેલાં મારા સસરાને વાઘે ફાડી ખાધા અને એ પછી મારા પતિને પણ વાઘે ફાડી ખાધા.’

શિષ્યે ગુરુ કૉફ્યૂશિયસને આ વાત કરી, ત્યારે કૉન્ફ્યૂશિયસે એ સ્ત્રીને કહ્યું, ‘આટલા બધા ભય અને દુઃખમાં જીવો છો શા માટે ? એના કરતાં બીજી જગાએ રહેવા કેમ જતાં રહેતાં નથી ?’

આ સાંભળીને સ્ત્રીએ કહ્યું, ‘આપની વાત સાચી છે. પરંતુ અહીંનો રાજા અત્યંત દયાળુ છે, સહેજે જુલમી નથી, રાજના કર્મચારીઓ પ્રમાણિક છે, સહેજે લાંચિયા નથી. અહીંના વેપારીઓ બમણા ભાવે કશું વેચતા નથી, આથી વાઘનો ભય હોવા છતાં મને અહીં રહેવું ગમે છે.’

કૉન્ફ્યૂશિયસે પોતાના શિષ્યો તરફ ફરીને કહ્યું, ‘કેવી સમજવા જેવી વાત છે. માણસો જુલ્મી રાજા અને ભ્રષ્ટાચારી અમલદારોને વાઘ કરતાંય ખતરનાક ગણે છે.’

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑