સાંધીને પણ પહેરીશું

સ્થિત-વિદ્યુત(સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી)નો સિદ્ધાંત આપનાર પ્રસિદ્ધ વિજ્ઞાની, પ્રકાશક, સંશોધક અને અમેરિકાની સ્વતંત્રતાનું જાહેરનામું તથા અમેરિકાનું બંધારણ ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવનાર બેન્જામિન ફ્રેન્કલિન બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. પોતાનાં જુદાં જુદાં વ્યાપારી સાહસોમાંથી પૂંજી મેળવીને તેમણે વિદ્યુત અંગે પ્રયોગો કર્યા.

કેટલીક શોધો કર્યા બાદ બેન્જામિન ફ્રેન્કલિને મુત્સદ્દી તરીકે કામગીરી બજાવી. તેમણે ઈ. સ. 1950થી 1770 સુધી લંડનમાં વસવાટ કર્યો, પરંતુ ત્યાં તેઓ અમેરિકી વસાહતોનું પ્રતિનિધિત્વ કરતા રહ્યા.

આ સમયે અમેરિકા આઝાદીની લડત લડી રહ્યું હતું અને બેન્જામિન ફ્રેન્કલિન લંડનમાં રહ્યું રહ્યું એ ક્રાંતિના સક્રિય સમર્થક બની રહ્યા. બ્રિટને ‘સ્ટૅમ્પ ઍક્ટ’ નામનો કાયદો લાગુ કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે અમેરિકામાં આનો પ્રબળ વિરોધ થયો. ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટે આ અંગે એક સમિતિ નીમી અને એ સમિતિમાં અમેરિકાના પ્રતિનિધિ તરીકે બેન્જામિન ફ્રેન્કલિન હતા.

એમને પૂછવામાં આવ્યું કે ‘અમેરિકનો પહેલાં કઈ બાબતમાં ગૌરવ અનુભવતા હતા?”

બેન્જામિન ફ્રેન્કલિન ઇંગ્લૅન્ડના એના પ્રભુત્વ હેઠળના દેશોમાં કપડાંની ઇજારાશાહી લાદવાના પ્રયત્નથી વાકેફ હતા, તેથી એમણે કહ્યું, ‘પહેલાં અમેરિકનો ઇંગ્લૅન્ડનાં ફૅશનેબલ કપડાં પહેરવામાં ગૌરવ માનતા હતા.’

એમને બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો, ‘અમેરિકનો હાલ શેમાં ગૌરવ માને છે ?”

બેન્જામિન ફ્રેન્કલિને કહ્યું, ‘હવે અમે અમેરિકનો અમારા જ દેશનાં કપડાં પહેરવામાં ગૌરવ માનીએ છીએ. અને કદાચ જો નવાં ન મળે, તો સાંધીને પણ પહેરવાનું અમને ગમે છે.’

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑