કૅનેડાના પ્રસિદ્ધ ચિકિત્સક અને શિક્ષણશાસ્ત્રી સર વિલિયમ સ્લર (1849થી 1919) મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે એમના માથા પર ચિંતાનો મોટો બોજ એ હતો કે તેઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ વ્યવસાયમાં ક્યાં ઠરીઠામ થશે ? કઈ રીતે એમની આજીવિકા ચાલશે ? એમનું ભવિષ્ય શું ?
આ સમયે એમણે એમના કબાટમાંથી થોમસ કાર્લાઇલનું એક પુસ્તક કાઢીને આ સૂત્ર વાંચ્યું, ‘આપણું મુખ્ય કામ દૂરસુદૂરના ઝાંખા પ્રકાશને જોવાનું નથી, પરંતુ આપણું કામ તો હાથવગા દીવડાને કામમાં લેવાનું છે.’
આ વાક્ય વાંચતાં જ સર વિલયમ ઓસ્કરના ચિત્ત પરનો સઘળો ભાર ઊતરી ગયો.
એમણે વિચાર્યું કે બહુ દૂર-દૂરના ભવિષ્યની ચિંતા કરીને દુ:ખી થવા કરતાં અત્યારની પરિસ્થિતિનો મુકાબલો કરીને આનંદ માણવો જોઈએ, આથી એમણે એક નવો શબ્દ શોધ્યો, ડે ટાઇટ કમ્પાર્ટમેન્ટ’.
આ શબ્દનો અર્થ એટલો કે દિવસના ટાઇટ કમ્પાર્ટમેન્ટમાં જીવો. રોજના દિવસને
જાણો અને જીવો. એમાં ભૂતકાળનો કોઈ બોજ કે ભવિષ્યકાળની કોઈ ચિંતા દાખલ થવા દેશો નહીં, બલ્કે ભૂતકાળને ભૂલી જાઓ અને ભવિષ્યકાળની ધારણા કરવાનું છોડી દો અને આજના દિવસને રળિયામણો ગણીને જીવવાનું રાખો. આ વિચારને પરિણામે વિલિયમ સ્તર કૅનેડાના વિશ્વવિખ્યાત ચિકિત્સક બન્યા. 1873 સુધીમાં લોહીમાંના નહીં ઓળખાયેલા ગઠનકોશો(પ્લેટલેટ્સ)ને એમણે શોધી કાઢ્યા. ફિલાડેલ્ફિયા ક્લિનિકલ મેડિસિનના અધ્યક્ષ બન્યા. કેટલાંય ઉચ્ચ પદ પામ્યા અને મેડિકલ શિક્ષણમાં પણ એમણે ક્લિનિકલ એક્ઝામિનેશનના ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપ્યું. એમના ગ્રંથો વિશાળ જ્ઞાનના ઉત્તમ નમૂનારૂપ બની રહ્યા, આમ છતાં તેઓ સ્વીકાર કરતા કે હું બીજી સામાન્ય વ્યક્તિઓ જેવો જ છું, માત્ર મારી જીવવાની પદ્ધતિમાં ‘ડે-ટાઇટ કમ્પાર્ટમેન્ટ’ને હું અનુસરું છું.