અનુભૂતિ બની પ્રતીતિ

થિયેટરોથી ઊભરાતા અમેરિકાના પ્રસિદ્ધ બ્રાંડવમાં નિર્માતા ફ્લોરેન્સ ઝીગફેલ્ડ નાટ્યજગતમાં એક જાદુગર તરીકે જાણીતા હતા. તેઓ તદ્દન સામાન્ય સ્ત્રી કે પુરુષને કુશળ અભિનેતા કે અભિનેત્રીમાં પરિવર્તિત કરી શકવાની અપ્રતિમ કલા ધરાવતા હતા.

સાવ સામાન્ય વસ્ત્રોવાળી અને સાધારણ દેખાવ ધરાવતી સ્ત્રીમાં પણ અભિનયની સતત તાલીમ અને પરિશ્રમથી અસાધારણ ફેરફાર કરી શકતા. રસ્તે કોઈની નજરે પણ ન ચડે એવી સ્ત્રીને આ નિર્માતા એને અતિ સુંદરતા અને પ્રબળ આકર્ષકતા સાથે રંગભૂમિ પર રજૂ કરી શકતા. સહુને આશ્ચર્ય થતું કે લોરેન્સ ઝીગફેલ્ડ કઈ રીતે આવું પરિવર્તન સર્જે છે ?

ફ્લોરેન્સ ઝીગફેલ્ડનો એક સિદ્ધાંત હતો કે પ્રત્યેક વ્યક્તિને આત્મસન્માન આપવું. એનો આત્મવિશ્વાસ વધારવો. પોતાની જાતને સાવ સામાન્ય માનતી વ્યક્તિને એની જાત વિશેની સામાન્યતાની દૃઢ અને બંધિયાર માન્યતામાંથી બહાર લાવવી. એના મનમાં પલાંઠી મારીને આસન જમાવી બેઠેલી લઘુતાગ્રંથિને દૂર કરવી. જીવન વિશેના નૅગેટિવ અભિગમને પૉઝિટિવ બનાવવો અને એમની સુષુપ્ત શક્તિ પ્રગટ થાય, તે માટે અવિરત પ્રયાસ કરવો.

આવા માનસિક અભિગમની સાથે વ્યવહારુ દૃષ્ટિ પણ અપનાવતા હતા. અઠવાડિયે માત્ર ત્રીસ ડૉલર મેળવતી યુવતીઓનું મહેનતાણું એમણે ૧૭૫ ડૉલર કર્યું ! નવોદિત કલાકારોની શક્તિનાં ભારોભાર વખાણ કરવા લાગ્યા.

નાટકના પ્રથમ પ્રયોગ વખતે એ મુખ્ય કલાકારોને શુભેચ્છાના તાર મોકલતા અને રંગમંચ પર કામ કરતી યુવતીઓની ‘અમેરિકન બ્યુટી’ તરીકે પ્રશંસા કરીને એમનામાં રહેલા આત્મવિશ્વાસને જગાડતા, એટલું જ નહીં, પણ તેઓ આગવી નાટ્યકલા ધરાવતા પ્રતિભાવાન કલાકાર છે એવી અનુભૂતિ કરાવતા. આને પરિણામે કલાકાર જીવ રેડીને અભિનય કરતો તથા ફ્લોરેન્સ ઝીગફેલ્ડની શાબાશીને યોગ્ય પુરવાર થવા પ્રયત્ન કરતો. આ અનુભૂતિ કલાકારની પ્રતીતિ બની જતી હતી.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑