અમૃત સમાન ગ્રંથ

રાજચિકિત્સક બુઝોઈ નવી નવી ઔષિધઓ પર સંશોધન કરતા હતા અને ઔષધશાસ્ત્ર અને વૈદકશાસ્ત્ર વિશે લખાયેલા ગ્રંથોનો ઊંડો અભ્યાસ કરતા હતા. એક વાર ઈરાનના બાદશાહ ખુસરોના રાજચિકિત્સક બુઝોઈએ એવું વાંચ્યું કે ભારતમાં દ્રોણાચલ પર્વત પર સંજીવની નામની ઔષધિ છે, જે મૃત વ્યક્તિને જીવતી કરી દે છે. વળી જો સ્વસ્થ વ્યક્તિ એ ઔષધિનું સેવન કરે, તો તે હંમેશાં સ્વસ્થ અને યુવાન રહે છે.

આ વાંચીને બુઝોઈ રોમાંચિત થઈ ગયા અને બાદશાહ ખુસરોની અનુમતિ લઈને ભારતમાં આવીને સંજીવની ઔષધિની શોધ શરૂ કરી. કેટલાંય જંગલો અને પર્વતો ઘૂમી વળ્યા, પણ ક્યાંય એ સંજીવની મળી નહીં.

એક દિવસ એક વૃક્ષના છાંયડામાં આરામ કરતા હતા, ત્યારે એક પંડિતજી ત્યાં આવ્યા અને બુઝોઈને જોઈને પૂછ્યું, ‘આપના દેખાવ પરથી આપ પરદેશી લાગો છો ? કયા દેશમાંથી આવો છો અને શા કારણે આવ્યા છો ?’

બુઝોઈએ કહ્યું, ‘હું ઈરાન દેશના રાજા ખુસરોનો રાજચિકિત્સક છું અને મેં સાંભળ્યું છે કે આ દેશમાં થતી સંજીવની જડીબુટ્ટી અમૃત સમાન છે, પરંતુ એ જડીબુટ્ટીની મેં ઘણી શોધ કરી, પણ એ ક્યાંય મળી નહીં.’

આ સાંભળીને પંડિતજીએ હસતાં હસતાં કહ્યું, ‘અરે પ્રધાનમંત્રી, એ સંજીવની ઔષધિ તો માત્ર હનુમાનજી જ શોધી શક્યા હતા. આજે એ સંજીવની ઔષધિ ન મળે, પરંતુ તમને અમૃત જરૂર મળે. અમારે ત્યાં અમૃત સમાન ‘પંચતંત્ર’ નામક ગ્રંથ છે. એ ગ્રંથને યોગ્ય રીતે સમજે અને આચરે, તો એને અમૃત પ્રાપ્ત થાય છે. એનું જીવન અમૃતમય બને છે અને એ જીવે છે ત્યાં સુધી સકારાત્મક વિચારોથી સમૃદ્ધ રહે છે.’

બુઝોઈ પંડિતજીથી પ્રભાવિત થયા અને સંજીવની ઔષધિને બદલે અમૃત સમાન ‘પંચતંત્ર’ની એક પ્રત લઈને સ્વદેશ પાછા ફર્યા.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑