વિખ્યાત પર્વતારોહક સર ઍડમન્ડ હિલેરી (1919થી 2008)એ યુરોપના આલ્પ્સ પર્વતનાં અનેક શિખરો પર આરોહણો કર્યા પછી હિમાલયનાં અગિયાર જેટલાં શિખરો સર કર્યાં.
એ પછી એમણે વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ પર દૃષ્ટિ ઠેરવી. 1920થી 1952 વચ્ચે એવરેસ્ટ વિજય માટે સાત આરોહણો થયાં હતાં; પરંતુ બધાં જ નિષ્ફળ ગયાં હતાં. 1924માં તો વિખ્યાત પર્વતારોહક જ્યોર્જ લહ્ મેલોરીએ એવરેસ્ટ આરોહણમાં પોતાનો પ્રાણ ગુમાવ્યો હતો.
1951 અને 1952માં હિલેરીએ એવરેસ્ટનો સર્વે કર્યો અને પોતાના નિષ્ફળ અભિયાન પછી થોડાં અઠવાડિયાં બાદ એડમન્ડ હિલેરીને ઇંગ્લૅન્ડની એક સંસ્થાએ વક્તવ્ય માટે બોલાવ્યા.
મંચ પરથી ચાલીને એ સ્ટેજ પર બેઠા, ત્યારે એમણે પાછળ રહેલું માઉન્ટ એવરેસ્ટનું ચિત્ર જોયું. એ જોઈને વિખ્યાત પર્વતારોહક અને માનવતાવાદી હિલેરી બોલી ઊઠ્યા,
‘માઉન્ટ એવરેસ્ટ ! તમે મને પહેલી વખત પરાજિત કર્યો છે, પણ હવે પછી હું તમને પરાજિત કરીશ. કારણ કે તમે જેટલા વિકસવાના હતા એટલા વિકસી ગયા છો, જ્યારે હું હજી વિકસી રહ્યો છું.’
આ ઘટનાના બરાબર એક વર્ષ બાદ 1953ની 29મી મેએ સવારે 11.30 વાગ્યે હિલેરી અને તેનસિંગે દરિયાની સપાટીથી 29028 ફૂટ ઊંચા આ શિખર પર વિજય હાંસલ કર્યો અને અનેક સાહસભર્યાં આરોહણો અને પ્રવાસો કરનાર હિલેરીએ પોતાનો સંકલ્પ સિદ્ધ કર્યો. 1992માં ન્યૂઝીલૅન્ડની પાંચ ડૉલરની ચલણી નોટ પર આ સાહસવીરની છબી અંકિત કરવામાં આવી. આવું બહુમાન મેળવનાર તે પહેલો ન્યૂઝીલૅન્ડવાસી છે. ‘હિમાલયન ટૂર્સ’ દ્વારા શેરપાઓની સુખાકારીનો પ્રયત્ન કરનાર હિલેરીને નેપાળ સરકારે માનદ્ નાગરિકત્વ આપ્યું હતું.