કટાક્ષથી ઉત્તર

નાટ્યલેખક, વિવેચક અને વીસમી સદીના અગ્રણી વિચારક જ્યોર્જ બર્નાર્ડ શૉ(ઈ. સ. 1857થી ઈ. સ. 1950)ને 1925માં નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવેલા. તેમણે રોકડ રકમનો અસ્વીકાર કર્યો હતો. એમને મુક્ત ચિંતક, મહિલા અધિકારોના પુરસ્કર્તા અને સમાજની આર્થિક સમાનતાના હિમાયતી તરીકે ઓળખવામાં આવ્યા. તેઓ એમના હાજરજવાબીપણા માટે પ્રસિદ્ધ હતા. તેઓ કોઈ પણ વ્યક્તિના કટાક્ષનો એવો પ્રત્યુત્તર આપતા કે સામેની વ્યક્તિ તદ્દન નિરુત્તર બની જતી.

એક વાર તેઓ એક હાસ્યલેખકને મળવા ગયા. એ હાસ્યલેખકે એમનો ઉષ્માપૂર્ણ અતિથિસત્કાર કર્યો. ઘણા લાંબા સમય સુધી બંનેએ અલકમલકની વાતો કરી અને અંતે બર્નાર્ડ શૉએ એ હાસ્યલેખક સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યો.

બર્નાર્ડ શૉએ કહ્યું, ‘આપણા બંનેના હાસ્યમાં ઘણી પ્રભાવક લાક્ષણિકતાઓ છે. જો આપણે બંને સાથે મળીને એક પુસ્તક લખીએ, તો એમાં હાસ્યની બેવડી મજા આવે.’

જ્યોર્જ બર્નાર્ડ શૉનો આ પ્રસ્તાવ બીજા હાસ્યલેખકને સ્વીકાર્ય નહોતો, આથી એણે એનો ઇન્કાર કરવા વિચાર્યું, પરંતુ એમ થયું કે સીધેસીધો આ પ્રસ્તાવ ઠુકરાવીશ, તો યોગ્ય નહીં ગણાય. વળી પોતે હાસ્યકાર છે એ સિદ્ધ કરવા માટે જવાબ તો કટાક્ષપૂર્ણ જ આપવો જોઈએ. એણે કહ્યું,

‘મિ. શૉ, તમારા પ્રસ્તાવ વિશે વિચારતાં મને એમ લાગે છે કે શું ક્યારેય ઘોડા અને ગધેડાને એકસાથે જોડી શકાય ખરા ?’

જ્યોર્જ બર્નાર્ડ શૉએ તત્કાળ ઉત્તર આપ્યો, ‘મિત્ર, તમને મારો પ્રસ્તાવ પસંદ પડ્યો નહીં, તેનો કંઈ વાધો નહીં, પરંતુ મને કશાય કારણ વગર માણસમાંથી ઘોડો કેમ બનાવી રહ્યા છો ?’

બર્નાર્ડ શૉનો ઉત્તર સાંભળી વ્યંગ્યકાર છોભીલો પડી ગયો.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑