ગુમાવેલા વાત્સલ્યનું સ્મરણ

ન્યાયાધીશે ચુકાદો આપતાં યુવાનને દસ વર્ષની સખત કેદની સજા કરી. આ ચુકાદો આપતી વખતે ન્યાયાધીશના ચહેરા પર વેદનાની રેખાઓ અંકિત થયેલી હતી, કારણ કે તેઓ આ યુવાનને એના બાલ્યકાળથી જાણતા હતા. એના પિતા સમગ્ર દેશમાં સર્વોચ્ચ કાયદા-નિષ્ણાત હતા અને તેથી આ ન્યાયાધીશ એમનો સંપર્ક અને આદર રાખતા હતા.

ન્યાયાધીશે યુવાનને પૂછ્યું, “તને તારા પિતા યાદ આવે છે ખરા ?”

યુવાને કહ્યું, “નામદાર, મને એ બરાબર યાદ છે.”

ન્યાયાધીશે પૂછ્યું, “હવે, એક બાજુ તું સજા ભોગવવા જઈ રહ્યો છે. બીજી બાજુ તારા પિતા એક વિખ્યાત કાયદાવિદ હતા. તે બંને બાબતનું તને સ્મરણ થતું હશે. આ ક્ષણે તને તારા પિતા વિશે શો વિચાર આવે છે ?”

અદાલતના ખંડમાં શાંતિ છવાઈ ગઈ. ન્યાયાધીશને યુવાન પાસેથી અણધાર્યો ઉત્તર મળ્યો.

એણે કહ્યું, “મને એનું તીવ્ર સ્મરણ થાય છે કે જ્યારે જ્યારે હું મારા પિતા પાસે સલાહ માટે દોડી જતો ત્યારે એમણે તેઓ કાયદાનું જે પુસ્તક લખતા હોય, તેમાંથી માથું ઊંચું કરીને કહેતા, ‘ચાલ, ભાગી જા છોકરા, હું હમણાં કામમાં વ્યસ્ત છું.’

માનનીય ન્યાયમૂર્તિશ્રી, આપને મારા પિતાશ્રી એક મહાન કાયદાશાસ્ત્રી તરીકે યાદ છે, જ્યારે હું એમને મેં ગુમાવેલા વાત્સલ્યને માટે સ્મરું છું. જેટલી વાર એમની પાસે ગયો, તેટલી વાર જાકારો પામ્યો છું. ક્યારેક હડધૂત થયો છું.”

ન્યાયાધીશ વિચારમાં પડ્યા અને બોલી ઊઠ્યા, “ઓહ ! બાળકોને બીજી બધી બાબત કરતાં આપણો સમય વધુ જોઈએ છે અને એ માત્ર ગુણવત્તામાં જ નહીં, પણ ભરપૂર મંત્ર મહાનતાનો પ્રમાણમાં.”

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑