જાદુઈ દવા

અમેરિકામાં મનોચિકિત્સક તરીકે આલ્ફ્રેડ એડલરની ઘણી મોટી ખ્યાતિ હતી. એમ કહેવાતું કે એમની પાસે જનારો મનોરોગી થોડા જ દિવસમાં રોગમુક્ત થઈને સ્વસ્થ બની જતો.

કોઈ દર્દી આવીને ડૉક્ટરને કહેતો કે એના મનને ચારે બાજુથી હતાશા ઘેરી વળી છે, તો કોઈ કહેતો કે એ કદી બહાર ન નીકળી શકે એવા ડિપ્રેશનમાં ડૂબી ગયો છે. કોઈ દર્દીની એવી ફરિયાદ હોય કે મારી જિંદગી એટલી બધી બેચેન અને બહાવરી બની ગઈ છે કે મારા મનને ક્યાંય ચેન પડતું નથી, શું કરવું તે સૂઝતું નથી તેથી હાથપગ વાળીને ઘરમાં સૂનમૂન બેસી રહું છું.

પ્રણયભંગ થનાર કે ધારેલી સિદ્ધિ નહીં મેળવનાર પણ એમની પાસે આવતા અને એ જ રીતે આત્મહત્યા કરવાનો વિચાર કરનારા પણ આવતા.

આલ્ફ્રેડ એડલરની ખૂબી એ હતી કે તેઓ આ પ્રકારના દર્દીઓને એક જ વાત કરતા, તમે જો મારું માનો, તો માત્ર ચૌદ દિવસમાં તદ્દન રોગમુક્ત બની જશો.’

દર્દીઓ ડૉક્ટરના ઉત્સાહને જોતા અને કહેતા, ‘એવી તે કઈ જાદુઈ દવા તમારી પાસે છે કે અમારો આ વર્ષો જૂનો રોગ ચૌદ દિવસમાં દૂર થઈ જશે.’

આલ્ફ્રેડ એડલર કહે, ‘દવા સાવ સાદી છે. બસ, તમે રોજ સવારે ઊઠો ત્યારે એક જ વિચાર કરો કે આજે મારે ઓછામાં ઓછા એક માણસને આનંદિત કરવો છે. એક એવું સત્કર્મ કરો કે જેનાથી અન્યના ચહેરા પર ખુશી આવે.’

ડૉક્ટર આલ્ફ્રેડ એડલરે પોતાના પુસ્તકમાં એવાં અનેક દૃષ્ટાંતો આપ્યાં છે કે જેમાં આ ઉપચારથી અનેક લોકોના જીવનમાંથી હતાશા, નિરાશા કે આત્મહત્યાના વિચારે વિદાય લીધી હોય. જીવન જીવવાનો નવો ઉત્સાહ જાગ્યો હોય.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑