જીવનસંઘર્ષની કથા

અશ્વેત શિક્ષક અને ઉપદેશક લોરેન્સ જોન્સ ચર્ચમાં વક્તવ્ય આપતા હતા. પ્રથમ વિશ્વયુદ્ધના એ દિવસો હતા અને ચોતરફ એવી અફવા ફેલાઈ હતી કે જર્મનો અમેરિકાના અશ્વેત લોકોને શાસન સામે ઉશ્કેરી રહ્યા છે. આવે સમયે અશ્વેત એવા લોરેન્સ જોન્સે જીવનલક્ષી વક્તવ્ય આપતાં કહ્યું કે,

‘આ જીવન એ તો સંઘર્ષ છે. દરેક અશ્વેત માનવીએ એ સંઘર્ષ પોતાનાં શસ્ત્રોથી લડી લેવો જોઈએ. એ સંઘર્ષ પર વિજય હાંસલ કરવા માટે સતત મથ્યા કરવું જોઈએ.’

ચર્ચની બહાર કેટલાક ગોરાઓના કાને લોરેન્સ જોન્સના શબ્દો પડ્યા. આ ગોરાઓએ ‘શસ્ત્રો’ અને ‘લડી લેવું’ એ બે શબ્દો સાંભળ્યા અને એમને થયું કે નક્કી, આ લોરેન્સ જોન્સ અશ્વેતોને ઉશ્કેરી રહ્યો છે. જર્મનોની ચાલબાજીને સાથ આપી રહ્યો છે.

બહાર એકઠા થયેલા ગોરાઓએ નક્કી કર્યું કે લોરેન્સ જોન્સના ગળામાં ફાંસલો નાખવો અને એને લટકાવીને જીવતો સળગાવી દેવો. આ સઘળી તૈયારી થઈ ગઈ. લોરેન્સના ગળામાં ફાંસો નાખવામાં આવ્યો, ત્યારે કોઈએ કહ્યું, ‘એને જીવતો સળગાવી દેતાં પહેલાં એની પૂરી વાત તો સાંભળો ?”

ગળામાં ફાંસલા સાથે લોરેન્સે પોતાની વાત કહી. કેટલો બધો સંઘર્ષ ખેડીને એ આગળ વધ્યો એ કહ્યું અને એ ચર્ચમાં અશ્વેતોને કહેતો હતો કે અશ્વેત બાળકોએ આવી રીતે જીવનનો સંઘર્ષ ખેડીને સારા મિકૅનિકો, ખેડૂતો અને શિક્ષકો બનવું જોઈએ.

બન્યું એવું કે જે ગોરાઓ લોરેન્સ જોન્સને જીવતો સળગાવી દેવા ચાહતા હતા, તેઓ જ લોરેન્સ જોન્સને એની ‘પીનેવુડ્ઝ કન્ટ્રી સ્કૂલ’ સ્થાપવા માટે સહાય જાહેર કરવા લાગ્યા. કોઈએ જમીન આપવાની જાહેરાત કરી, તો કોઈએ એને બેંચ આપવાની તો કોઈએ રકમ આપવાની સહાયની ઘોષણા કરી.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑