તારી બે ભૂલ !

જાપાનના સુજુકી રોશીએ શિષ્ટાચારપ્રિય જાપાનને ચા પિવડાવવાની કલા શીખવવા માટે ઘણી ખ્યાતિ મેળવી. જાપાનમાં કોઈ મહેમાન ઘેર આવે કે પછી કુટુંબમેળો થાય, ત્યારે ચા પિવડાવવાની આગવી પદ્ધતિઓ જોવા મળતી.

જાપાનમાં શિષ્ટાચારનું શિક્ષણ આપતી સંસ્થાઓ કાર્યરત હતી. સુજુકી રોશી આવી પદ્ધતિઓ શીખવતો કુશળ કલાકાર હતો અને દેશભરમાંથી એની પાસે વિદ્યાર્થીઓ આવતા. વિદેશથી આવતા લોકો પણ જાપાનની આ કલા શીખવા માટે આતુર રહેતા.

જાપાનમાં ચા પિવડાવવાની પદ્ધતિઓના શિક્ષણનું કારણ એની ‘ટી-સેરેમની’ નામની વિશિષ્ટ પ્રણાલિકા હતી.

એક વાર સુજુકી રોશીના એક શિષ્યે પ્રશ્ન કર્યો, ‘જાપાનમાં ચા પીવાની જાતજાતની પદ્ધતિઓ છે. એ પદ્ધતિઓ શીખવનાર તરીકે આપની સર્વત્ર નામના છે, પરંતુ આપે એક બાબતનો હજી વિચાર કર્યો લાગતો નથી.’

સુજુકી રોશીએ કહ્યું, ‘ના, આપણે ટી-સેરેમનીમાં સઘળી બાબતોનો ઊંડો વિચાર કરીએ છીએ. આપણા શિષ્ટાચારમાં સહેજે કચાશ રહે નહીં તેનું ધ્યાન રાખીએ છીએ.’

શિષ્યે પૂછ્યું, ‘જો આ ભવ્ય ‘ટી-સેરેમની’ વારંવાર થતી હોય, તો શા માટે ચાના કપ જાડા કાચના બનાવવામાં આવતા નથી. આ પાતળા કપ વારંવાર તૂટી જાય છે.’

માસ્ટર સુજુકી રોશીએ કહ્યું, ‘તારી બે ભૂલ થાય છે. એક તો એ કે આપણા કપ પાતળા કે નાજુક નથી, પરંતુ તને એ કપ પકડવાની સ્ટાઇલ આવડતી નથી અને તારી બીજી ભૂલ એ કે તું હજી એ વાત સમજી શક્યો નથી કે પર્યાવરણ આપણને અનુકૂળ નહીં થાય, આપણે જ આસપાસના વાતાવરણને અનુકૂળ થવું પડશે.’

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑