દેશબંધુત્વ લાજે !

મહાન તત્ત્વજ્ઞાની અને મહાત્મા ગાંધીજીની વિચારધારા પર પ્રભાવ પાડનાર સૉક્રેટિસે (જન્મ ઈ. સ. પૂર્વે 479, અવસાન ઈ. સ. પૂર્વે 311) ગ્રીસના ઍથેન્સ મહાનગરના સૈન્યમાં પ્રભાવક કામગીરી બજાવી હતી. કડકડતી ઠંડીમાં જ્યારે બીજા સૈનિકો બૂટ-મોજાં પહેરીને બહાર નીકળતા, ત્યારે સૉક્રેટિસ ખુલ્લા પગે બીજાના જેટલી ઝડપે જ કૂચ કરતો હતો. એ દિવસો સુધી ભૂખ્યો રહી શકતો અને થાકવાનું તો નામ જ લેતો નહીં. આવા સૉક્રેટિસે પેલોપોનીસીયન યુદ્ધમાં ભાગ લીધો. આ યુદ્ધ સત્યાવીસ વર્ષ સુધી ચાલ્યું. ઍથેન્સ તરફથી સૉક્રેટિસે એમ્ફીપોલિસ, ડેલિયમ, પીટિડીઆ એવાં ત્રણ યુદ્ધોમાં ભાગ લીધો હતો.

એક યુદ્ધમાં ઍથેન્સ પીછેહઠ કરી રહ્યું હતું, ત્યારે બધા સૈનિકો યુદ્ધભૂમિ છોડીને નાસી રહ્યા હતા. આ યુદ્ધમાં ઍથેન્સનો વીર સૈનિક ઝેનોફન ઘાયલ થઈને યુદ્ધભૂમિ પર પડ્યો હતો. ભાગતા સૈનિકોમાંથી કોઈને ઝેનોફન તરફ નજર નાખવાની ફુરસદ નહોતી, પરંતુ સૉક્રેટિસે ઘાયલ ઝેનોનને પોતાની પીઠ પર ઊંચકી લીધો અને એ પછી ઍથેન્સ નગર તરફ દોડવા લાગ્યો. સૉક્રેટિસના એક સાથી સૈનિકે સૉક્રેટિસને કહ્યું પણ ખરું, દુશ્મન દળો પાછળ આવી રહ્યાં છે. જો એમના હાથમાં તું ઝડપાઈ જઈશ, તો જીવતો બચવાનો નથી, માટે આ ઝેનોનને છોડીને દોડવા માંડ.’

સૉક્રેટિસે કહ્યું, એ મારે માટે શક્ય નથી.’

ત્યારે સૈનિકે એનું કારણ પૂછ્યું અને સૉક્રેટિસે જવાબ વાળ્યો, ‘જુઓ, આપણે યુદ્ધ ખેલવા નીકળ્યા છીએ. સૈનિકને કદી મોતનો ભય હોય નહીં, એટલે મને શત્રુસેના ઝડપી લેશે અને મારું મૃત્યુ થશે એ બાબતની મને પરવા નથી. બીજી વાત એ કે દેશને ખાતર લડવા નીકળેલા આપણે માટે દેશ સર્વોપરી હોય છે. જો હું મારા સાથી અને આપણા વીર દેશબંધુ ઝેનોફનને મારા જીવ બચાવવાના સ્વાર્થને ખાતર ઘાયલ દશામાં છોડીને નાસી છૂટું, તો મારું દેશબંધુત્વ ક્યાં રહે ? મારી ઍથેન્સ તરફથી વફાદારી લજવાય. તમે જાવ, હું એને લઈને જ આવીશ.’

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑