મરેલા કૂતરાને લાત

રોબર્ટ હટકિન્સ નામના યુવકે પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવી. અમેરિકાની પ્રસિદ્ધ યેલ યુનિવર્સિટીમાંથી એ સ્નાતક થઈને બહાર નીકળ્યો, પરંતુ આ ગરીબ છોકરાને કોણ નોકરીએ રાખે ? આથી એણે હોટલમાં વેઇટરની નોકરી સ્વીકારી. એ પછી ભંગાર ભેગો કરનારા કબાડી તરીકે કામ કર્યું. ક્યાંક ટ્યૂટર તરીકે ભણાવવા લાગ્યો તો પછી સાબુના સેલ્સમૅન તરીકે પણ એ ઠેર ઠેર ફરવા લાગ્યો. પરંતુ પોતાના પ્રયત્નોમાં કોઈ કચાશ રાખી નહીં અને એનું ચમત્કારિક પરિણામ એ આવ્યું કે માત્ર આઠ જ વર્ષમાં આ તેજસ્વી વિદ્યાર્થી ઘણું ઊંચું પદ પામ્યો.

અમેરિકાની ચોથા ક્રમની જાણીતી યુનિવર્સિટી શિકાગો યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ તરીકે માત્ર ત્રીસ વર્ષની ઉંમરે નિયુક્ત થયો.

અખબારોએ એની આ સિદ્ધિને ‘યુવા-ચમત્કાર’ ગણાવી. એને વિશે પ્રશંસાના લેખો પ્રસિદ્ધ થયા, પણ સાથોસાથ એને વિશે ટીકાઓ પણ થવા લાગી. કોઈએ એની વયને જોઈને કહ્યું કે, ‘એ તો સાવ બાળક જેવો છે. એને ક્યાંથી શિક્ષણની ગતાગમ પડે.’ કોઈએ એના શિક્ષણવિષયક ખ્યાલોનું વિશ્લેષણ કરીને એ સાવ વાહિયાત હોવાનું જાહેર કર્યું.

ટીકાની દોડમાં અમેરિકાનાં મોટાં અખબારો પણ જોડાયાં અને એમણે આ યુવાનની ઠેકડી ઉડાડી. આ સમયે રોબર્ટ હટકિન્સના પિતાને એમના એક નજીકના મિત્રએ કહ્યું, ‘જુઓ, તમારા દીકરાની કેવી દશા થઈ છે ! નાની ઉંમરમાં આટલી મોટી સિદ્ધિ મેળવી એ સાચું. પરંતુ એને વિશે અખબારોમાં કેટલી બધી ટીકાઓ, આક્ષેપો અને અભિપ્રાયો પ્રગટ થાય છે. એનાથી ખૂબ દુ:ખ થાય છે અને હૃદય બેચેન બની જાય છે.’

રોબર્ટ હટકિન્સના પિતાએ કહ્યું, ‘સાવ સાચી વાત છે તમારી. એના પર બેફામપણે ટીકા-ટિપ્પણીનો વરસાદ વરસે છે, પણ એક વાત યાદ રાખવી જોઈએ કે આ દુનિયામાં કોઈ માણસ મરેલા કૂતરાને લાત મારતો નથી.’

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑