માણસનાં મૂળ

માર્કસ અને લેનિનના સાચા વારસદાર અને પ્રજાસત્તાક ચીનના સ્થાપક માઓ-ત્સે-તંગ બાળપણમાં દાદીમા સાથે રહેતા હતા. એમનાં દાદીમાને બગીચાનો ભારે શોખ, પરંતુ એકાએક બીમાર પડતાં એમણે બગીચાની સંભાળ લેવાનું કામ માઓને સોંપ્યું. એમણે માઓને કહ્યું, ‘બેટા! આ બગીચાનાં વૃક્ષ-છોડ મારા પ્રાણ સમાન છે એટલે એમને તું ભારે જતનથી જાળવજે.’

બાળક માઓએ વચન આપ્યું કે એ બગીચાનું સંપૂર્ણ ધ્યાન રાખશે. એ પછી થોડા સમય બાદ દાદીમા સ્વસ્થ થતાં બગીચામાં લટાર મારવા ગયાં, તો એમને ઊંડો આઘાત લાગ્યો. એમણે જોયું કે ઘણાં વૃક્ષ અને છોડ સુકાઈ ગયાં હતાં. બગીચો લગભગ ઉજ્જડ જેવો બની ગયો હતો.

દાદીમાએ માઓને પૂછ્યું કે તેં આપેલું વચન કેમ પાળ્યું નહીં, ત્યારે માઓએ કહ્યું, ‘દાદીમા, હું રોજ આ પાંદડાંઓને સંભાળી-સંભાળીને લૂછતો હતો અને એનાં મૂળિયાં પાસે નિયમિત રોટલીના ટુકડા નાખતો હતો, છતાં કોણ જાણે કેમ, એ બધાં સુકાઈ ગયાં !”

દાદીમાએ કહ્યું, ‘બેટા, પાંદડાં લૂછવાથી કે રોટલીના ટુકડા નાખવાથી વૃક્ષ વધતું નથી. તારે તો વૃક્ષનાં મૂળમાં પાણી નાખવું જોઈએ. વૃક્ષ પાસે એટલી શક્તિ હોય છે કે એના મૂળ અને એની આસપાસની ધરતીમાંથી જ પોતાનું ભોજન પ્રાપ્ત કરી લે છે અને વધતાં રહે છે.’

માઓ વિચારમાં પડી ગયો. એણે પૂછ્યું, ‘દાદીમા, માણસનાં મૂળ ક્યાં હોય છે ?”

દાદીમાએ ઉત્તર આપ્યો, ‘મનનાં સાહસ અને હાથના બળમાં આપણાં મૂળિયાં હોય છે. જો એને રોજ પોષણ મળે નહીં, તો આપણે તાકાતવાન બની શકીએ નહીં.’

માઓએ તે સમયે નક્કી કર્યું કે એ પોતાનાં મૂળિયાં મજબૂત કરશે અને સાથોસાથ એના સાથીઓને શક્તિશાળી બનાવશે. આ માઓ-ત્સે-તંગે ચીનને બળવાન અને સમર્થ રાષ્ટ્ર તરીકે વિશ્વના નકશા પર સ્થાન અપાવ્યું.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑