મારે શી ફિકર ?

ઔદ્યોગિક ક્રાંતિના પ્રણેતા અને વિશ્વમાં શરૂઆતના અગ્રણી મોટર ઉત્પાદક હેન્રી ફોર્ડે (ઈ. સ. 1873થી 1947) જગતને મોટરકારના જથ્થાબંધ ઉત્પાદનનો ‘ઍસેમ્બ્લી પ્લાન્ટ આપ્યો, જે આજે મોટર, ટ્રક અને સ્કૂટરના ઉત્પાદનમાં જ નહીં, પણ રેડિયો, ટેલિવિઝન, ઘડિયાળો, રેફ્રિઝરેટરો વગેરેના નાના-મોટા ઘણા ભાગો ભેગા કરીને એનું જથ્થાબંધ ધોરણે ઉત્પાદન કરવા માટે ‘ઍસેમ્બ્લી લાઇન’ના સિદ્ધાંત તરીકે અમલમાં મુકાય છે.

મોટરકારના જથ્થાબંધ ઉત્પાદનથી અમેરિકાના આર્થિક અને સામાજિક જીવન પર પ્રભાવ પાડનાર આ ઉદ્યોગપતિ સતત ફોર્ડ કારનાં જુદાં જુદાં મૉડલનું ઉત્પાદન કરતા હતા તેમજ ખાણ, સ્ટીલ-પ્લાન્ટ, રબર ઉત્પાદન અને યુદ્ધના માલસામાનના ઉત્પાદનમાં પણ કાર્યરત હતા. એ સમયે અમેરિકાના સામાજિક અને આર્થિક જીવન પર હેન્રી ફોર્ડનો ઘણો પ્રભાવ પડ્યો. આગવી સૂઝ ધરાવનાર ઉદ્યોગપતિએ જહાજખરીદી અને ગ્રંથલેખન પણ કર્યું.

આવા હેન્રી ફોર્ડના અવસાનનાં થોડાં વર્ષ પહેલાં ડેલ કાર્નેગી એની મુલાકાતે ગયા. માનવમનના પારખુ ડેલ કાર્નેગીએ એવી કલ્પના કરી હતી કે આટલાં બધાં ઉત્પાદનો સાથે સંકળાયેલા અને કેટલાય પ્રકારના કારોબાર સંભાળતા હેન્રી ફોર્ડ અત્યંત વ્યસ્ત હશે. કામના બોજથી દબાયેલા હશે, એમના ચહેરા પર ચિંતાની રેખાઓ હશે અને મન સ્ટ્રેસ ધરાવતું હશે.

એ સમયે હેન્રી ફોર્ડની ઉંમર ૭૮ વર્ષની હતી, આમ છતાં એ તદ્દન શાંત, સૌમ્ય અને સ્વસ્થ દેખાતા હતા. ડેલ કાર્નેગીને આ જોઈને ભારે આશ્ચર્ય થયું. એણે કહ્યું કે તમે દેશની કાયાપલટ કરી છે, આટલો વિશાળ કારોબાર સંભાળો છો અને છતાં તમારા ચહેરા પર કેમ કોઈ ચિંતા દેખાતી નથી ?

ચિંતાઓ ? ના, હું તો એમાં દૃઢ વિશ્વાસ ધરાવું છું કે ઈશ્વર જ મારા વ્યવસાયની સઘળી વ્યવસ્થા કરે છે અને એની દેખરેખના અંતે બધાં કાર્યો ઉત્તમ રીતે સંપન્ન થાય છે, પછી મારે એની ચિંતા-ફિકર કરવાની શી જરૂર ?’ ફોર્ડે ઉત્તર વાળ્યો.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑