મેઘધનુષના રંગો

બોરધીલ્ડ ડાહલે એના જીવનનાં લગભગ પચાસ વર્ષ અંધારી દુનિયામાં ગાળ્યાં. એણે એક આંખની રોશની ગુમાવી દીધી હતી અને બીજી આંખ પર થયેલા ઊંડા ઘાને કારણે એ પોણી ઢંકાયેલી રહેતી અને માત્ર બીજી આંખમાં આવેલા નાના કાણાથી એ માત્ર ડાબી બાજુનું જ જોઈ શકતી.

આથી કંઈ પણ વાંચવું હોય, તો એને એ આંખની છેક નજીક રાખવું પડતું અને મહામુશ્કેલીએ થોડુંક વાંચી શકતી. ખેલકૂદના મેદાન પર જતી, ત્યારે મેદાન પર આંકેલી લીટીઓ એ જોઈ શકતી નહોતી, પછી રમવું કઈ રીતે ?

ડાહલ આ સ્થિતિથી મૂંઝાઈ નહીં. બધા રમીને જતા રહે પછી એ જમીન પર બેસીને અને ભાંખોડિયાભેર ચાલીને મેદાન પર આંકેલી એ લીટીઓ બરાબર જોતી અને મનમાં યાદ રાખી લેતી. એ પછી ધીરે ધીરે પ્રૅક્ટિસ કરવા લાગી અને બન્યું એવું કે ડાહલ એ રમત ખેલવા લાગી અને એમાં કામયાબ થવા લાગી.

આંખની સાવ નજીક રાખીને પુસ્તક વાંચવું પડતું. ક્યારેક તો એની પાંપણ પાનાંને અડી જતી, આમ છતાં એણે યુનિવર્સિટીની બે-બે પદવી હાંસલ કરી. પહેલી પદવી મિનેસોટા યુનિવર્સિટીમાંથી મેળવી અને એ પછી કૉલંબિયા યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઑફ આર્ટ્સની પદવી મેળવી.

સમય જતાં કૉલેજમાં અધ્યાપિકા બની. એ છેક બાવન વર્ષની થઈ ત્યારે એના જીવનમાં એક ચમત્કાર સર્જાયો. જાણીતા ક્લિનિકમાં એની આંખનું ઑપરેશન થયું અને એને ચાલીસ ટકા જેટલું દેખાવા લાગ્યું. બસ, પછી તો એની દુનિયા આનંદથી ઊભરાઈ ગઈ. સાબુના પરપોટાને પ્રકાશની વિરુદ્ધની દિશામાં રાખીને જોવા લાગી અને એમાં રચાતાં નાનાં નાનાં મેઘધનુષના રંગો આનંદભેર નીરખવા લાગી. બરફ વચ્ચે ઊડતી ચકલીને જોઈને આનંદથી નાચી ઊઠતી અને નાની નાની સુંદરતાઓનો અનુભવ મેળવીને પોતાની જિંદગીને આનંદથી ભરપૂર માણવા લાગી.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑