સ્ટ્રેસનો ઇલાજ

પ્રસિદ્ધ મનોવિજ્ઞાનિક ડૉ. વિલિયમ એલ. સેડલરના ક્લિનિકમાં એક દર્દી આવ્યો. એ સમયે ડૉક્ટર બીજા એક ડૉક્ટર સાથે ચર્ચા કરતા હતા. આ દર્દી એક મોટી કંપનીનો ઑફિસર હતો. એ ખૂબ સ્ટ્રેસમાં રહેતો હતો. કામના બોજથી ખૂબ થાકી ગયેલો અને એના ભારથી મનથી સાવ નંખાઈ ગયેલો હતો.

એ ઑફિસર વિચારતો હતો કે હવે આવી રીતે વધુ લાંબો સમય જીવી શકાય તેમ નથી, મૃત્યુ એ જ જીવનના બોજથી મુક્તિનો ઉપાય છે. આથી એ ડૉક્ટર સેડલરની પાસે સલાહ લેવા આવ્યો હતો.

કંપનીના ઑફિસરે જોયું કે ડૉ. સેડલર એકેએક કામ ખૂબ ઝડપથી પતાવતા હતા. કોઈનો ફોન આવે તો ફોન પર જ એને ઉત્તર આપી દેતા હતા. કોઈનો પત્ર આવે, તો પોતાની સેક્રેટરી પાસે એનો તત્કાળ પ્રત્યુત્તર લખાવતા હતા.

સેડલર પાસે દર્દી આવ્યો, ત્યારે એને કહ્યું, ‘સાહેબ, તમારી કામ કરવાની પદ્ધતિએ જ મને મારી ભૂલનો અહેસાસ કરાવી દીધો. હું કામને વિલંબમાં નાખવામાં માહેર હોવાથી એના બોજથી વધુ ને વધુ ટેન્શનમાં રહેતો હતો. જરા, મને આપના ટેબલનું ખાનું ખોલીને બતાવશો.’

દર્દી તરીકે આવેલા કંપનીના ઑફિસરને ડૉ. સેડલરે જ્યારે પોતાના ટેબલનું ખાનું બતાવ્યું, ત્યારે એમાં કોઈ કાગળો નહોતા. કંપનીના ઑફિસરે પૂછ્યું, ‘ડૉક્ટર ! જે કામ પેન્ડિંગ હોય તેના કાગળો ક્યાં રાખો છો ?’

સેડલરે કહ્યું, ‘હું બધાં જ કામ પતાવી દઉં છું. ટપાલ આવે તો તરત પ્રત્યુત્તર લખાવી દઉં છું, આથી કોઈ કામ બાકી રાખતો નથી.’

કંપનીના ઑફિસરને સમજાયું કે કાગળો સંઘરી રાખવા, તત્કાળ જવાબ આપવાને બદલે પ્રમાદ સેવવો, અધૂરાં કામોનો નિર્ણય આવતીકાલ પર મુલત્વી રાખવો. આ બધી બાબતોને કારણે એને માનસિક તણાવ થતો હતો.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑