સ્થિરવાસનું સરનામું

ગ્રીસના તત્ત્વચિંતક ડાયોજિનિસ તત્ત્વવેત્તા સૉક્રેટિસના શિષ્ય એન્ટિસ્થેનિસના શિષ્ય હતા. એમણે સ્વાવલંબી જીવન જીવવાનો આગવો માર્ગ બનાવ્યો. દિવસે ફાનસ લઈને ઍથેન્સ શહેરની શેરીઓમાં ઘૂમતા હતા અને કહેતા કે દિવસે ફાનસના અજવાળે પ્રમાણિક માણસને શોધવા નીકળ્યો છું.

એક વાર તત્ત્વવેત્તા ડાયોજિનિસ પાસે ઉતાવળે આવેલા એક યુવાને પ્રશ્ન કર્યો, ‘મને જલદી કહો, ધર્મ એટલે શું ?”

ડાયોજિનિસે કહ્યું, ‘અરે ભાઈ, એમ ઉતાવળે ધર્મની વ્યાખ્યા થઈ શકે નહીં.’

આગંતુકે કહ્યું, ‘પણ હું બહુ ઉતાવળમાં છું. મને પાંચેક મિનિટમાં ધર્મની વ્યાખ્યા સમજાવો.’

ડાયોજિનિસે અકળાઈને યુવાનને કહ્યું, ‘જેમ તમે ઉતાવળમાં છો એમ હું પણ ઉતાવળમાં છું. આટલા ઓછા સમયમાં ધર્મ વિશે સમજાવવું મુશ્કેલ છે, માટે તમારું સરનામું આપો તો હું તમને લેખિત રૂપે ધર્મની વ્યાખ્યા મોકલી આપીશ.’

આગંતુકે કાગળ અને પેન લીધાં, સરનામું લખ્યું અને ડાયોજિનિસને આપ્યું. ત્યારે ડાયોજિનિસે પૂછ્યું, ‘આ તારા સ્થાયી નિવાસનું સરનામું છે ને ? અહીંથી બીજે ક્યાંય જતો નથી ને !’

‘એવું બને છે કે ક્યારેક હું બીજે સ્થળે જાઉં છું. લાવો એનું પણ સરનામું તમને આપી દઉં.’

એ સમયે ડાયોજિનિસે કહ્યું, ‘મામલો સ્થાયીનો છે, અસ્થાયીનો નહીં. જ્યાં તમારો સ્થિરવાસ હોય તે કહો. નહીં તો હું પત્રવ્યવહાર કેવી રીતે કરી શકીશ ?’

ડાયોજિનિસની એકની એક વાત સાંભળીને યુવાને અકળાઈને પોતાની જાતને બતાવતાં કહ્યું, ‘જુઓ, હું અહીંયાં રહું છું. કંઈ કહેવું હોય તો કહો, નહીં તો આ ચાલ્યો.’

ડાયોજિનિસ બોલ્યા, ‘બસ ભાઈ, આ જ તો ધર્મ છે. ધર્મનો અર્થ છે પોતાનામાં રહેવું, પોતાની જાતને ઓળખવી અને આત્મચિંતન કરવું. આ જ એની વ્યાખ્યા છે.’

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑