આગવો અભિગમ

અમેરિકાના ફિલાડેલ્ફિયા રાજ્યના ઑટોમોબાઇલ શો-રૂમના સેલ્સમૅન એડૉલ્ફ સેલ્ત્ઝે મોટરકારના વેચાણની નવી જવાબદારી સ્વીકારી, ત્યારે કંપનીનું મોટરકારનું વેચાણ સાવ ઘટી ગયું હતું અને એના સેલ્સમૅનોમાં ભારે અસંતોષ પ્રવર્તતો હતો. એમાં નવી વ્યક્તિની પધરામણી સહુને નવા પ્રશ્નો સર્જનારી લાગી.

એડૉલ્ફ સેલ્ત્ઝે ધૂંધવાયેલા સેલ્સમૅનોની મિટિંગ બોલાવી અને તદ્દન ભિન્ન અભિગમ દાખવ્યો. એડૉલ્ફ સેલ્ત્ઝે પોતે શું કરવા માગે છે અને કર્મચારીઓએ શું કરવાનું છે, એવું આદેશાત્મક કશું કહેવાને બદલે એણે શું કરવું જોઈએ એ વિશે સેલ્સમૅનોની અપેક્ષા પૂછી.

આથી ઉશ્કેરાયેલા સેલ્સમૅનો શાંત પડ્યા અને પછી એડૉલ્ફ સેન્ઝે પોતે શું કરવું જોઈએ એ વિશે પોતાના વિચારો અને મુદ્દાઓ ૨જૂ કર્યા.

એડૉલ્ફ સેલ્ત્ઝે બ્લૅકબૉર્ડ પર આ બધું લખતા ગયા અને પછી કહ્યું, “તમે મારી પાસેથી જે અપેક્ષા રાખો છો, તેને હું સંતુષ્ટ કરીશ. હવે તમે મને એ કહો કે મારે તમારી પાસેથી કંપની માટે કેવી અપેક્ષા રાખવી?”

પછી તો સેલ્સમૅનોએ કહ્યું, “અમારે કંપની પ્રત્યે વફાદાર, પ્રમાણિક અને સમર્પિત બનવું જોઈએ. નવો અભિગમ દાખવીને સંઘભાવનાથી કાર્ય કરવું જોઈએ.”

આમ નવા ઉત્સાહ અને પ્રેરણા સાથે મિટિંગ પૂરી થઈ. આ બધા ગુણોને સાકાર કરવા માટે કેટલાક સેલ્સમૅનોએ તો દિવસના ચૌદ કલાક કામ કરવાની સામે ચાલીને ખાતરી આપી અને પરિણામે મોટરોના વેચાણમાં ખૂબ વધારો થયો.

પોતાની આ કાર્યપદ્ધતિ વિશે એડૉલ્ફ સેલ્ત્ઝે કહ્યું કે મારા સાથીઓએ મારી સાથે કરેલા વચનને હું જીવીશ ત્યાં સુધી બરાબર પાળીશ અને તેઓ પણ એમના નિશ્ચયોને વળગી રહેવા માટે કટિબદ્ધ છે. પહેલાં એમની ઇચ્છા પૂછીને મેં હકીકતમાં તો એમનામાં રહેલી કાર્યશક્તિને જાગ્રત કરી છે.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑