દેવું ચૂકવી દીધું

અમેરિકાના સોળમા પ્રમુખ અબ્રાહમ લિંકન સામાન્ય માનવીની વાસ્તવિક સ્થિતિને બરાબર પારખતા હતા. તેઓ સ્વયં એક નિરક્ષર અને ગરીબ છોકરામાંથી આપબળે આગળ વધીને અમેરિકાના પ્રમુખ બન્યા હતા. વળી એક વાર નહીં, પણ બે વાર પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. એમનું જીવન નિરંતર યુદ્ધ જેવું પસાર થયું. એ સમયે અમેરિકામાં ચાર ચાર વર્ષ સુધી દક્ષિણ અને ઉત્તરનાં લશ્કરો વચ્ચે આંતરવિગ્રહ ચાલ્યો અને એ સમયે પ્રમુખ અબ્રાહમ લિંકનને આ કાંટાળો તાજ પોતાના શિરે ધારણ કરવો પડ્યો.

એક વાર સૈન્યનું નિરીક્ષણ કરવા આવેલા અબ્રાહમ લિંકન સમક્ષ વિલિયન સ્કોટ નામના યુવાનને હાજર કરવામાં આવ્યો. એના પર એવો આરોપ હતો કે એ ચોકી કરવાને સ્થળે ઊંઘી ગયો હતો અને તેથી તેને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી હતી.

લિંકનના કરુણાભર્યા હૃદયને આવું ક્યાંથી પસંદ પડે ? એટલે એમણે એ યુવાનને કહ્યું, ‘તું મારું બિલ ચૂકવી આપીશ, તો તને ઠાર કરવામાં નહીં આવે.’

આ વાત સાંભળીને સૈનિક વિલિયમ સ્કોટ વિચારમાં પડી ગયો. એણે કહ્યું, ‘હું મારી સઘળી મિલકત ગિરવે મૂકીને આપને વધારેમાં વધારે છસો ડૉલર આપી શકું તેમ છું.’ ત્યારે લિંકને હસીને કહ્યું, ‘ના, તારે તારું દેવું સૈનિક તરીકેની તારી ફરજ બજાવીને ચૂકવવું પડશે.’

આ વાતને છ મહિના વીતી ગયા અને એક ખૂંખાર લડાઈમાં લિંકનના સૈનિકો નદી ઓળંગતા હતા, ત્યારે ઘણા સૈનિકોને તરતાં આવડતું નહોતું. વિલિયમ સ્કોટ તરવાનું જાણતો હતો, તેથી એણે જાનના જોખમે છ સૈનિકોને નદીની પાર ઉતાર્યા. એ સાતમા સૈનિકને તરતો તરતો નદીપાર લાવતો હતો, ત્યાં દુશ્મનની ગોળી એના માથા પર વાગી અને એણે જળસમાધિ લીધી. લિંકન પાસેથી મૃત્યુદંડમાંથી ક્ષમા પામેલા વિલિયમ સ્કોટે પોતાનું બલિદાન આપીને પ્રમુખનું દેવું ચૂકવ્યું !

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑