
પરમનો સ્પર્શ પામવા ઇચ્છતા સાધકના ચિત્તમાં હવે પ્રશ્ન જાગે કે પહેલાં સિદ્ધિનું લક્ષ રાખવું અને પછી સાધના કરવી કે પહેલાં સાધના કરવી અને જે કંઈ મળે તે સ્વીકારવું ? પહેલાં પ્રાર્થના અને પછી પ્રાપ્તિ કે પહેલાં પ્રાપ્તિનું આયોજન અને પછી એ સિદ્ધ ક૨વા માટેની પ્રાર્થના ? સાધના હોય કે પ્રાર્થના, પરંતુ એનું પહેલું પગથિયું એ છે કે પરમ તત્ત્વ તમારી પાસે જે ઇચ્છે અને વિશેષ તો જેનો સર્વથા ત્યાગ કરવાનું કહે તે તમે ત્યજી શકશો ખરા ? જીવનભર સ્વયંસ્વીકૃત કાર્યોમાં ગળાડૂબ રહ્યા. પોતાની ઇચ્છાઓ, અપેક્ષાઓ, સંકલ્પો અને આગ્રહો – એ જ સર્વ કાર્યનું એકમેવ કેન્દ્રબિંદુ હતું. હવે પરમના આદેશને કારણે એ ત્યજવાની તાકાત તમારામાં છે ખરી ? આ સંદર્ભમાં શ્રી કુમારપાળ દેસાઈનું ચિંતન જોઈએ. આપણે જાણીએ છીએ કે ‘શ્રીમદ્ ભગવદગીતામાં કહ્યું છે કે મનના સંકલ્પ છોડ્યા વિના કોઈ યોગી થઈ શકતું નથી. વ્યક્તિ સદૈવ પોતાના મનના સંકલ્પથી દોરાઈને ચાલતી હોય છે. હવે એ સંકલ્પ છોડવા શક્ય છે ખરા ?
ભૌતિક સંકલ્પોને આધ્યાત્મિક ભાવોમાં પરિવર્તિત કરવા માટે એક મોટી છલાંગ મારવી પડે છે. આ છલાંગ એવી છે કે જ્યાંથી તમે છલાંગ મારો છો ત્યાંનું સઘળું સંપૂર્ણપણે ત્યજી દેવું પડે છે. ભૌતિકતા માટેની લાલસા અને આકર્ષણ છોડીને આધ્યાત્મિકતાના ગગનમાં ઉડ્ડયન કરવા માટે પાંખો ખોલીને ઊંચે જવાનું છે. વ્યક્તિગત જીવનમાં અવારનવાર પરમનો સ્પર્શ થતો હોય છે, પણ ઝબકારો થાય અને બુઝાઈ જાય એવો એ ક્ષણિક ઝબકારો હોય છે. પ્રિયજનના મૃત્યુની ઘટના બને અને સંસારત્યાગનો ભાવ એકાએક જાગે છે; કોઈ સંતનો સત્સંગ થાય અને એ સમયે આધ્યાત્મિક જીવન જીવવાની ખેવના થાય છે; પરંતુ આ બધું પવનની વેગીલી લહેરની માફક આવીને વહી જાય છે. એ ક્ષણિક હોય છે અને એ વિરલ ક્ષણને સાચવીને જીવનપર્યંત જાળવનારા વિરલા હોય છે. જે એ ક્ષણને પકડી લે છે એ જ અધ્યાત્મ તરફ ગતિ કરે છે અને એ જ વ્યક્તિ પરમના અણસા૨ને આત્મસાત્ કરી શકે છે. અખા ભગતને એક અનુભવ થયો અને એના ઝબકારે સમગ્ર જીવન પલટાઈ ગયું. પણ આપણે તો જીવનમાં ઈશ્વરને બહાના તરીકે કે પ્રસિદ્ધિના માધ્યમ તરીકે રાખીને આપણા અહમના પોષણ-સંવર્ધનનું કાર્ય કરીએ છીએ.
કોઈ વ્યક્તિ એમ કહે કે મેં કોઈએ નથી કર્યું તેટલું તપ કર્યું’, અથવા તો ‘મેં ધર્મનું અજોડ આચરણ કર્યું’ ત્યારે એના પ્રચ્છન્ન અહંકારને જોઈને ઈશ્વર હસતા હશે ! કોઈ એમ કહે કે ‘તમે આટલું તપ કર્યું,’ ત્યારે સ્વાભાવિક રીતે જ વ્યક્તિને અહંકાર આવે અથવા તો કોઈ એમ કહે કે ‘તમે આટલા વિપુલ પ્રમાણમાં દાન કર્યું’, તો સ્વાભાવિક રીતે જ દાનનો અહંકાર આવે; પરંતુ જૈનદર્શનમાં વ્યક્તિ એના ઉત્તરમાં કહે છે કે આ બધું તો ‘દેવ, ગુરુ, ધર્મ પસાયે’ થયું છે. ‘તમે કેમ છો ?’ એમ પૂછીએ તો એમ કહે કે ‘દેવ, ગુરુ, ધર્મ પસાયે’ અમે આનંદમાં છીએ. આનો અર્થ એ કે અમે કશું કર્યું નથી. જે કંઈ કર્યું છે તે દેવ, ગુરુ અને ધર્મને કારણે છે. અમારાં સઘળાં સુકૃત્યો દેવ, ગુરુ અને ધર્મને સમર્પિત છે. એમની કૃપા વડે જ આ સઘળું શક્ય બન્યું છે. પોતાના ધર્મકાર્ય પાછળ સ્વ-શક્તિ કરતાં દેવ અને ગુરુ પ્રત્યેની ભક્તિ અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધા કારણભૂત છે. એના વિના કશુંય શક્ય નહોતું.
આવું સર્વસ્વનું સમર્પણ આદિકવિ ભક્ત નરસિંહ મહેતાના જીવનમાં પ્રગટ થાય છે અને એ જ ગુરુ તેગબહાદુરની વીરતામાં દૃશ્યમાન છે. આનો અર્થ જ એ કે ઈશ્વરની ઇચ્છા જાણવી અને પછી એમાં લીન થઈ જવું. એ સચરાચરમાં વ્યાપ્ત છે. જગતનું કોઈ પણ સ્થળ એના વિહોણું નથી. વળી જે ઈશ્વર બ્રહ્માંડમાં સર્વત્ર વ્યાપ્ત છે, તે જ ઈશ્વર જીવમાત્રમાં રહેલો છે. ઈશ્વરની વ્યાપકતાનો અનુભવ કરનાર જ ઈશ્વર પ્રતિ પૂર્ણ સમર્પિત થઈ શકે છે, આથી જ ‘ઈશાવાસ્યોપનિષદમાં કહ્યું છે :
ईशावाश्यमिदं सर्वं यत्किंचित्जगत्यां जगत्
तेन त्यक्तेन भुंजीथा: मा गृधः कस्यचिद्धनम् ।।
માનવીનાં કર્મોની દુનિયા પણ જોવા જેવી છે. ક્યારેય કોઈ નિરાંતની ક્ષણે આપણે આપણાં કર્મોનું – કાર્યોનું શાંત ચિત્તે અવગાહન કર્યું છે ખરું ? કાર્ય માનવીને માત્ર સપાટી પર રાખે છે. કાર્ય વિશેનો વિચાર જ એના હેતુ કે મર્મ સુધી લઈ જાય છે. મોટા ભાગની વ્યક્તિઓ કાર્યની સપાટી પર સતત તરતી કે બાથોડિયાં ભરતી હોય છે. એક પછી એક કાર્યની અવિરત પરંપરા સર્જે છે. કાર્ય વિના એ બેચેન બને છે. કાર્ય એ જ એના જીવનનો પ્રાણવાયુ. પરંતુ એ કાર્ય પાછળના મર્મ, હેતુ કે પ્રયોજન વિશે ભાગ્યે જ વિચારતી હોય છે.
સતત ફરતા ચગડોળની માફક એની કાર્યશીલતા ગતિ કરતી હોય છે. એ ચગડોળ થંભે તો જ એ આખા ચગડોળને ધારણ કરતા વચ્ચેના થાંભલાને જોઈ શકે છે. પ્રવૃત્તિના ચગડોળમાં ઘૂમતો માનવી પ્રવૃત્તિના પ્રયોજનને ભાગ્યે જ યાદ કરે છે અને યાદ કરે ત્યારે પણ એ કાર્યનો પોતાના ઊર્ધ્વ જીવન સાથેના અનુબંધનો કોઈ વિચાર કરતો નથી. આ કાર્ય મારા જીવનના ઉચ્ચ પ્રયોજનને કઈ રીતે ઉપકારક બનશે કે પરમાત્મા પ્રત્યેની ગતિમાં કેટલું સહાયક બનશે એનો સ્વપ્નેય ખ્યાલ કરતો નથી.
જિંદગીભર સપાટી પરનાં સ્થૂળ કાર્યો કરીને થાકી ગયેલા, હારીને હતાશ થયેલા, જીવતા છતાં નિષ્પ્રાણ માનવીઓનો કોઈ સુમાર નથી. એમના કાર્યનું ચક્ર થંભે અને એમાંથી નિવૃત્ત થવાની પરિસ્થિતિ જાગે, ત્યારે જીવનમાં ધરતીકંપ સર્જાતો હોય છે. ગઈ કાલ સુધી જે મહાસાગરમાં રાતદિવસ મહાલતા હતા, એ આખોય પ્રવૃત્તિનો મહાસાગર નિવૃત્ત થતાં અંતર્ધાન થઈ જાય છે, પછી કરવું શું ? બૅંકમાં નોકરી કરતો ક્લાર્ક કે કંપનીના ઊંચા હોદ્દે રહેલા સેક્રેટરી કે સરકારી ખાતાના ઉચ્ચ અમલદારની નિવૃત્તિ પછીના દિવસનો વિચાર કરજો. એનું આખું જગત શૂન્ય થઈ જાય છે. નિષ્કર્મણ્યતા એને ઘેરી વળે છે અને એ અનુભવે છે કે અત્યાર સુધી નજ૨ સામે જે રંગીન, આકર્ષક ચલચિત્ર જોતો હતો તે આખુંય રંગીન ચલચિત્ર એકાએક અદૃશ્ય થઈ ગયું છે. આજ સુધી ઘર અને સમાજમાં આદર-સન્માન મળતાં હતાં, તે અનાદર અને ઉપેક્ષામાં પલટાવા લાગ્યાં છે.
પોતાનાં કર્મોનો હિસાબ કરનારી વ્યક્તિ પૂર્વકર્મના ચોપડા તપાસશે તો એને ખ્યાલ આવશે કે કેટલાંક કર્મ કે કારસ્તાન વ્યક્તિ પોતાની પત્ની અને પરિવારને માટે થઈને કરે છે. કેટલાંક કાર્ય મિત્રો અને પરિચિતોને ગમે તે પ્રકારનાં અને તેમને ખાતર કરે છે. ઘણા સાથી કાર્યકર્તાઓમાં પોતાનો આગવો પ્રભાવ પડે એવાં કાર્યો પણ કરતા હોય છે. આ રીતે આ બધાં કર્મો અન્ય વ્યક્તિ-અપેક્ષિત હોય છે અને તેથી એ અન્યલક્ષી અને બાહ્ય હોય છે. પોતાના આત્માના કલ્યાણ ખાતર કરેલાં કર્મની વાત તો દૂર-સુદૂરની ગણાય, પણ માત્ર નિજાનંદ ખાતર કરેલાં કર્મો કેટલાં તે પણ વિચારવું જોઈએ.
એક અન્ય પરિસ્થિતિનો પણ વિચાર કરવો જોઈએ. આપણાં ઘણાં કાર્યોની મૂળ પ્રેરણા સવૃત્તિને બદલે વૃત્તિ હોય છે. એ વૃત્તિને કારણે રાવણના પરાજય માટે રામને લંકા પર વિજય મેળવવા જવું પડ્યું અને કૌરવોને હરાવવા પાંડવોને કુરુક્ષેત્રની રણભૂમિ પર મહાભારત ખેલવું પડ્યું.
તમારી આસપાસના કોઈ એક માણસને ‘સૅમ્પલ’ તરીકે રાખીને જુઓ. એનાં કાર્યોનો વિચાર કરો અને પછી એ કાર્યો પાછળની એની વૃત્તિનો વિચાર કરો. આમ કરશો તો ખ્યાલ આવશે કે કેટલીક વાર કોઈ વ્યક્તિના આચાર, વિચાર અને ઉચ્ચારણની પાછળ દ્વેષ અને ઈર્ષ્યા કારણભૂત હોય છે. કોઈ પણ અભિપ્રાય આપતી વખતે આ જ વૃત્તિ સપાટી પર તરી આવે છે. જો તમને એના પ્રત્યે દ્વેષ હશે તો એની સારી વાત સ્વીકારવા પણ રાજી નહીં થાઓ. એની સિદ્ધિની ઈર્ષ્યા હશે તો તમારા અવાજમાં ઉમળકાને બદલે થોડી ઉપેક્ષા હશે. શક્ય હોય તો એ યશસ્વી સિદ્ધિ મેળવનારની ક્ષતિ કે સિદ્ધિની અર્થહીનતા કહેવા લાગશો. કેટલાંક કામ વ્યક્તિ કટુતાથી કરતી હોય છે, તો કેટલાંક તિરસ્કારથી કરતી હોય છે. ક્યારેક કોઈ કામ વેર કે બદલાની ભાવનાથી તો કોઈ દુશ્મનાવટને કારણે કરે છે.
મોટા ભાગનાં કાર્યોની પાછળ વ્યક્તિની દુવૃત્તિ કાર્યરત હોય છે. કાર્યના ઉદ્દીપનનું નિમિત્ત આ વૃત્તિ હોય છે અને એ વ્યક્તિને કાર્યગામી બનાવે છે અને એ પ્રમાણે વ્યક્તિ આચરણ કરે છે. દુર્યોધન, શકુનિ, દુઃશાસનના પ્રત્યેક કાર્યની પાછળ એમની આ વૃત્તિ રહેલી છે. મંથરાના કાર્યની પાછળ એની ચડવણી કરવાની વૃત્તિ જ કારણભૂત હતી અને દશરથના પતનની પાછળ એમની કામવૃત્તિ જવાબદાર હતી.
ચાલો, હવે મૂળમાં ઘા કરીએ અને આ મૂળ છે કાર્ય પાછળનું પ્રયોજન તપાસવાની જાગૃતિ; ગંગાના મૂળમાં રહેલી ગંગોત્રીની ખોજ. જો વ્યક્તિ પોતાનું પ્રયોજન પહેલાં જોશે તો એના જીવનમાંથી ઘણી વ્યર્થ, નકામી ને બિનજરૂરી પળોજણ દૂર થઈ જશે. જો એ કાર્યની પાછળનો હેતુ સવૃત્તિ હોય, તો એ સવૃત્તિનાં બીજમાંથી સેવા અને કરુણાનું વટવૃક્ષ ખીલશે. કાર્ય પાછળનો સહેતુ એ ‘સ્વ’ને માટે અને અન્યને માટે સુખદાયી નીવડે છે, માટે પહેલાં હેતુની તપાસ કરો, પ્રયોજનની જાણ મેળવો અને પછી કાર્ય કરો.
13-8-2023
જાણ્યું છતાં અજાણ્યું