
ક્યારેય તમે તમારા શરીર અને મનનો સંવાદ સાંભળ્યો છે ખરો ? એને વિશે કશુંય વિચાર્યું છે ખરું ? સિતાર અને તબલાની આ અનોખી સંગતને માણી છે ખરી ? શરીર કહે છે કે, ‘મારે ભોજનની જરૂ૨ છે.’ અને ત્યાં તત્કાળ મન બોલી ઊઠે છે કે, ‘ગમે તેટલો ડાયાબિટીસ હોય પણ આજે તો ભોજનમાં દૂધપાક હોવો જોઈએ.’ શરીર ઇચ્છે છે કે આ ગરમીથી થોડી રાહત મળે તો સારું અને મન ઇચ્છે છે કે ઍરકંડિશન્ડ તો જોઈએ જ. એના વિના ક્યાંય, ક્યારેય ચાલે નહીં.
આમ શરીર માત્ર ભૂખ કે તાપથી બચવાનો વિચાર કરે છે, પરંતુ મન એમાં એક આકાંક્ષા ઉમેરી દે છે. શરીરની માગણી સાથે મન દ્વારા આકાંક્ષાના વિશેષણનું એમાં ઉમેરણ થાય છે. શરીર તો માત્ર પોતાનો ભાવ મૂકીને અટકી જાય છે, પણ મન એ ભાવને ઇચ્છા, એષણા, અપેક્ષામાં રૂપાંતરિત કરે છે. શરીર એની સઘળી વાત કહી દે છે, પણ મનની વાત તો સાવ અધૂરી હોય તેમ મન સતત નવી નવી ઇચ્છાઓ કરતું રહે છે, આકાંક્ષાઓ સર્જતું રહે છે. માનવીના મને ઇચ્છેલી જે વસ્તુની પ્રાપ્તિ શક્ય બને પછી પણ એ જ મન એનાથી આગળ અશક્યની પ્રાપ્તિનો વિચાર કરે છે. આ આકાંક્ષાઓનો ક્યાં આરો કે ઓવારો હોય છે ! બસ, મન એક પછી એક કામનાઓ પાછળ દોડતું જાય અને એના ગુલામની જેમ માણસનું જીવન એમાં વ્યતીત થતું જાય.
પોતાની કામનામાં નિષ્ફળ જતાં મન દુ:ખ અનુભવે છે. આથી ઘણી વાર દુઃખ આવતું નથી, પરંતુ માણસે એનું સ્વયં સર્જન કર્યું હોય છે. ગરીબ કરતાં પણ અમીરોને કામનાનું વધુ દુઃખ હોય છે. કોઈ સિદ્ધિનું સ્વપ્ન આંખમાં આંજીને વ્યક્તિ દોડ્યા જ કરે છે. કવિ મનોજ ખંડેરિયાએ કહ્યું છે તેમ,
આંખમાં સ્વપ્ન ઘાસની લીલાશનું લઈ,
દોડે છે ઝંખનાનાં હરણ ક્યાંથી ક્યાં સુધી.”
પોતાની કામનાઓ સિદ્ધ કરવા માટે વ્યક્તિ રાતદિવસ એક કરતી હોય છે. પોતાની ઇચ્છા સંતોષાય નહીં, તો એ હતાશ બનીને આત્મહત્યાના માર્ગે પણ જતી હોય છે. આ જગત એક એવી હૉસ્પિટલ છે કે જ્યાં દરેક દર્દી પોતાનો પલંગ બદલવા આતુર છે. આવી કામના સાથે આશા જોડાયેલી હોય છે. તમારી કામના પૂર્ણ થાય, પરંતુ આશા તો અતૃપ્ત જ રહેવાની.
સ્વામી રામતીર્થ જાપાનના પ્રવાસે ગયા હતા, ત્યારે એમણે માત્ર એક વેંત જેવડાં દેવદારનાં વૃક્ષો જોઈને આશ્ચર્ય અનુભવ્યું. ભારતમાં તો દેવદારનાં વૃક્ષો ખૂબ ઊંચાં હોય, તો અહીં સાવ નાનાં કેમ ? એની તપાસ કરતાં એમને જાણ થઈ કે દેવદારનાં વૃક્ષોનાં મૂળિયાં સતત કાપી નાખવામાં આવે છે. આને પરિણામે આ દેવદાર સહેજે ઊંચાં થતાં નથી. આવી જ રીતે કામના કે અપેક્ષાઓ આપણા જીવનવૃક્ષનાં મૂળિયાં સતત કાપતાં હોય છે. કામના હોય કે એક ભવ્ય બંગલો હોય અથવા અદ્યતન માંડલની મોટરકાર હોય, પરંતુ એ બંગલો અને કાર મળ્યા પછી પણ આનંદપ્રાપ્તિ થતી નથી. તમારાં દુ:ખોમાં કશો ફ૨ક દેખાતો નથી. કારણ કે આ બંગલો અને કારમાંથી તમે જે સુખ મેળવવા ઇચ્છતા હતા, એ સુખ તો એમાં હતું જ નહિ. વિશાળ બંગલો બનાવીને અને અદ્યતન કાર લઈને તમારી કામના તૃપ્ત કરી, પણ તમારી સુખ-આનંદ કે પ્રસન્નતા મેળવવાની આશા વણપૂરી રહે છે, આથી માણસનાં મોટા ભાગનાં દુ:ખો એની કામનાથી સર્જાતાં હોય છે. જો તે અપેક્ષાઓ અને કામનાનો ત્યાગ કરે તો તેના જીવનમાં દુ:ખ ક્યાંય હોતું નથી.
ઘણી વાર આપણે જીવનના કષ્ટને દુઃખમાં ફેરવી નાખતા હોઈએ છીએ. માણસ જેને દુઃખ કહે છે, એના મૂળમાં ક્યારેક એના સ્વયંના દુર્ગુણોમાં રહેલા હોય છે. માણસ અત્યંત કંજૂસ હોય કે અત્યંત ઉડાઉ હોય, તો એનો આ દુર્ગુણ જ એના જીવનમાં દુઃખનું કારણ બને છે. કંજૂસ હોય તો એ ભોગવી શકતો નથી અને ઉડાઉ હોય તો એ જાળવી શકતો નથી. એના દુર્ગુણો જ આ પરિણામ આપે છે અને એ એને દુઃખ તરીકે ઓળખે છે. કેટલાકને આડેધડ શૉપિંગ કરવાની એટલી બધી આદત હોય છે કે પછી શૉપિંગ એ એનો દુર્ગુણ બની જાય છે અને એની જીવનપદ્ધતિ અતિ ખર્ચાળ બની જાય છે, પછી એ માણસ દુ:ખ સાથે ખર્ચાળ જીવનની ફરિયાદ કરતો હોય છે. હકીકતમાં એમાં એના દુર્ગુણો કારણરૂપ હોય છે. કારણની પરંપરા શોધો તો ખ્યાલ આવે કે આ દુઃખ અને કષ્ટ ભિન્ન છે. કષ્ટ એ અભાવ સાથે સંકળાયેલું હોય છે. જ્યારે દુઃખ એ આપણા ભાવ સાથે સંકળાયેલું હોય છે.
આનો અર્થ એ કે વ્યક્તિ પોતાનાં પૂર્વકર્મોને કારણે દુઃખ પામતો હોય છે. કર્મની આ સત્તા ભગવાન કૃષ્ણ કે ભગવાન મહાવીરને પણ આપત્તિ લાવનારી બની હતી. ભગવાન કૃષ્ણ પોતાની જ દૃષ્ટિ સમક્ષ નાશ પામતા યાદવ કુળને જુએ છે અને એકાકી સ્થિતિમાં શિકારીના બાણથી વીંધાઈને મૃત્યુ પામે છે. ભગવાન મહાવીરના કાનમાં કાષ્ઠશૂળ ભોંકવામાં આવી, એનું કારણ એમનાં ગત જન્મોનાં કર્મો હતાં. આ રીતે વ્યક્તિએ એના જીવનમાં આવતાં દુઃખનું પૃથક્કરણ કરવું જોઈએ. જો એ યોગ્ય રીતે પૃથક્કરણ કરે તો એને ખ્યાલ આવે કે આ દુઃખનો નિર્માતા એ પોતે છે કે કોઈ અન્ય છે. વ્યક્તિ દારૂ પીએ, એ માટે એને પૈસાની જરૂ૨ પડતાં એ ચોરી કરે, દારૂના નશામાં પોતાની પત્ની અને બાળકોને માર મારે, નોકરી ગુમાવે અને પછી આ બધાંનાં દુઃખો માટે એ નસીબને કે ઈશ્વરને દોષ આપે તે કેવું ? ગુટખા ખાઈને પેટ ભરનારની પહેલાં ભૂખ જાય, પછી દાંતમાં સડો પેસે અને અંતે કૅન્સરનો ભોગ બને અને પછી હૉસ્પિટલમાં પડ્યા પડ્યા એમ વિચારે કે જિંદગીમાં એટલાં બધાં દુઃખો છે કે એને ભૂલવા માટે ગુટખા ખાવા જરૂરી છે ! આમ વ્યક્તિ જાતે દુઃખને વહોરી લાવે છે અને પછી એ દુઃખનો દોષ બીજા પર ઓઢાડે છે, આથી જેને આપણે દુઃખ માનીએ છીએ એ ખરેખર દુઃખ ન પણ હોય.
મનુષ્યજીવનનું એક મોટું દુઃખ એની ભયની લાગણી છે. માનવી એના બંગલામાં સુરક્ષિત બેઠો હોય, તેમ છતાં ભયથી ફફડતો હોય છે. રાત્રે કોઈ અવાજ થતાં એના મનમાં ભયની કંપારી છૂટે છે. એને ડગલે અને પગલે ભય લાગતો હોય છે. નિર્ધન હોય ત્યારે ભૂખમરાનો ભય હોય છે અને ધનવાન હોય ત્યારે લક્ષ્મીરક્ષાનો ભય હોય છે. કાળાં નાણાં કઈ રીતે છુપાવવાં તેની ચિંતાનો કે ઇન્કમટૅક્સની ‘રેડ’નો ભય હોય છે. વ્યવસાયમાં ઊંચો હોદ્દો ધરાવતો હોય, તો એને એ હોદ્દો જાળવી રાખવા માટે રાતદિવસ આકરી મથામણ કરવી પડે છે. માથે હકાલપટ્ટીનો ભય હોય છે. એને ભય હોય છે કે જો આવી ઊંચા પગારની નોકરી જશે, તો આવી બીજી કોઈ નોકરી મળશે નહીં, આથી નોકરી ગુમાવવાના ભય સાથે એ ‘સ્ટ્રેસ’થી જીવતો હોય છે. કોઈને ભય હોય છે કે જો એ કોઈ આંદોલનમાં ભાગ લેશે, તો શાસકો એને હેરાન-પરેશાન કરશે. આમ, માણસ ભિન્ન ભિન્ન પ્રકારના ભયથી પીડાતો હોય છે. ભયથી એનું જીવન કુંઠિત બને છે અને એનું ચિત્ત વિક્ષુબ્ધ રહ્યા કરે છે.
કેટલાક ભય કાલ્પનિક હોય છે. કેટલાકને પોતાના શત્રુ કે દુશ્મનનો સતત ભય રહેતો હોય છે અને સવારે પથારીમાં આંખ ખોલે ત્યારે એને પહેલો વિચાર પરમાત્માને બદલે પોતાના દુશ્મનનો આવતો હોય છે. કોઈ પણ ઘટના બની હોય, તો એની પાછળ એના દુશ્મનનું કાવતરું હશે એવી સતત શંકા તે સેવતો હોય છે.
વૃદ્ધાવસ્થામાં પણ વ્યક્તિનું જીવન ઘણું ભયપીડિત હોય છે, એને ભય લાગે છે કે જો પૅરાલિસિસ થઈ જશે, તો શું થશે ? એને ડર હોય છે કે યાતનાભર્યું મૃત્યુ આવશે તો શું થશે ? અખબારમાં એકાકી વૃદ્ધોની હત્યાઓ વાંચીને એ વૃદ્ધ ભયભીત બનીને જીવતા હોય છે. આ ભયમાં એકલતાનું ઉમેરણ થતાં કેટલાક કાલ્પનિક ખ્યાલો ઊભા થાય છે અને પછી ‘કોઈ માણસ મારી હત્યા કરવા માટે ફરે છે’ કે ‘કોઈએ મારા પર મંત્ર-તંત્ર કે મેલી વિદ્યાની અજમાયશ કરી છે’ એવો ભય એને સતત રહેતો હોય છે.
આપણા દેશમાં તો બાળપણથી જ બાળકને પોલીસ, શિક્ષક, ભૂત, પ્રેત અને ડાકણનો ભય દેખાડવામાં આવે છે. આને પરિણામે મનને ભયની આદત પડી જાય છે અને પછી એ આ ભયની આસપાસ જીવતો હોય છે. બાળકોમાં ભૂતપ્રેતનો ભય ઘણો વ્યાપકપણે જોવા મળે છે અને છતાં માતાપિતા કે શિક્ષણ આ અંગે કોઈ જાગૃતિ સેવતાં નથી.
માણસ સાહસથી ગભરાઈને સલામતી શોધવા લાગ્યો છે અને આવી સલામતીની શોધે જ એને બિનસલામત બનાવ્યો છે. સરમુખત્યારો સહુથી વધુ અંગરક્ષકોના પહેરા હેઠળ જીવતા હોય છે, કારણ કે એમને બજારમાં કે બગીચામાં અથવા સભામાં કે સત્તાસ્થાને બધે જ પ્રતિક્ષણ ભય દેખાતો હોય છે. દુઃખની હજી વિશેષ ચિકિત્સા કરીએ તો જ એના અસલી સ્વરૂપને ઓળખી શકીએ.
4-6-2023
જાણ્યું છતાં અજાણ્યું