દેશમાં ખળભળાટ મચાવનાર કિસ્સો ખડખડાટ હાસ્યમાં ફેરવાઈ ગયો

ઇતિહાસના પાને નોંધાયેલી અનોખી ઘટના

દેશની એકેએક વ્યક્તિની નજ૨ ચોથી જૂન પર મંડાયેલી છે અને સહુ વિચારે છે કે એ દિવસે ચૂંટણીનાં પરિણામો કેવા કેવા રંગ ખીલવશે ? અધ્ધર જીવે, સરવા કાને અને આતુર આંખે કેવો ઇતિહાસ સર્જાશે એનો સહુ કોઈ વિચાર કરે છે, ત્યારે ઇતિહાસની એક અનોખી ઘટનાનું સ્મરણ થાય છે.

ઈ. સ. 1877ના નૂતન વર્ષનો એ પ્રથમ દિવસ. હિંદુસ્તાન પર અંગ્રેજ હકૂમતનો દોર કાયમ થઈ ચૂક્યો હતો. ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામની વિફળતાએ કેટલાંય નવાં પરિમાણો સર્જ્યાં હતાં. ભારત પર હકૂમત ધરાવતી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વિદાય આપીને બ્રિટનની મહારાણી ક્વીન વિક્ટોરિયાનું રાજ્ય સ્થપાયું હતું. હિંદના રાજાઓમાંથી પ્રતિકારનો ભાવ સમાપ્ત થઈ ગયો હતો. વેપારીના લેબાસમાં આવીને દેશ પર હકૂમત જમાવનારા અંગ્રેજોએ હિંદને પોતાની હાટડીમાં વેચવાનો માલ બનાવી દીધો હતો !

આ સમયે ભારત પર વાઇસરૉય લૉર્ડ લિટનનો કારભાર ચાલતો હતો. દેશમાં ક્યાંય પણ બ્રિટિશ સરકારનો વિરોધ લાગે તો તેને એ નિર્દયતાથી કચડી નાખતો હતો. 1876થી 1878 સુધીમાં ભારતમાં પડેલા ભયાવહ દુકાળ સમયે એણે અમાનવીય વર્તનની પરાકાષ્ઠા બતાવી. આવા વાઇસરૉય લિટનના સમયે ઈસુના નૂતન વર્ષના પ્રથમ દિવસે બંજ૨ અને બેહાલ બનેલી હિંદની પ્રાચીન પાટનગરી દિલ્હી નવા દોરદમામથી ઝળહળી ઊઠી હતી. હિંદની પારાવાર જાહોજલાલી જગતને બતાવવાનો બ્રિટિશ સરકારનો ઇરાદો હતો. જરી-કસબના તંબુઓ અને મખમલી શમિયાણાઓથી એની ઓતરાદી દિશાનું વિશાળ મેદાન શોભી રહ્યું.

હિંદનાં નામાંકિત નરનારીઓ અહીં એકઠાં મળ્યાં હતાં. ત્રીસ કરોડ પ્રજાજનોના રાજાઓ, અમીર-ઉમરાવો અને અધિકારીઓ ખડે પગે હાજરાહજૂર હાજર હતા.

સમારંભ જેવો-તેવો ન હતો. શાહી ઠાઠ અને વૈભવી દોરદમામથી ભરેલો હતો. અડસઠ હજાર આમંત્રણપત્રિકાઓ પાઠવવામાં આવી હતી. સિત્યોતેર રાજાઓ, ત્રણસો અમીર-ઉમરાવો અને બારસો મોભાદાર સિવિલ સર્વન્ટ તહેનાતમાં હાજર હતા. મોખરે અંગ્રેજ વાઇસરૉય લૉર્ડ લિટન પોતાની સરકારી વફાદારી બતાવતો પેશે ખિદમત હતો.

પાટનગરમાં ઇતિહાસમાં અજોડ એવો દરબાર ભરાતો હતો. ઢંઢેરાઓ વંચાતા હતા. ઇનામ-અકરામની લહાણી થતી હતી. વફાદારોને વર્ષાસનો અપાતાં. વિદેશી સલ્તનતના રાજાધિરાજોને તોપોની સલામી અપાતી હતી.

આકાશના હૃદયને થરથરાવતી એકસોને એક તોપો શાહી તખ્તના માનમાં ગર્વભેર ગર્જતી હતી. ચોતરફ આનંદ, ઉત્સાહ અને હર્ષનું વાતાવરણ થનગનતું હતું.

હીરા-મોતી અને ફૂલ-ગજરાઓથી શણગારેલી દિલ્હીની શેરીઓમાંથી મદઝરતા હાથીઓ પર અંગ્રેજ હકૂમતનું મહાન બાદશાહી સરઘસ પસાર થઈ રહ્યું હતું. નિયમ મુજબ રાજવીઓના હાથીઓ ચાલતા હતા. નક્કી કર્યા મુજબના રંગોની પતાકાઓ એમના હોદ્દા પર ફરફરી રહી હતી. ચારે તરફથી જયનાદ સંભળાતા હતા. વિદેશીઓની વાહ વાહ કરવામાં કોઈ પાછી પાની કરતું નહોતું.

આનંદ-પ્રમોદ અને એન-ચેનની બંસી બધે બજી રહી હતી. ભારતનો સત્તાધીશ વાઇસરૉય લૉર્ડ લિટન મણિમુક્તાથી શણગારેલા હાથીના હોદ્દા પરથી ખુશનુમા વાતાવરણનું વિહંગાવલોકન કરી રહ્યો હતો. એના મુખ પર સ્મિત ફરકી રહ્યું હતું.

પણ આ શું ?

અચાનક એની મોટી આંખોના ખૂણા લાલ કેમ થયા ?

એનો ખુશિમજાજ ચહેરો તીરની પણછની જેમ કેમ ખેંચાઈ ગયો ? એવું તે શું થયું ? મહારાણીના આ પ્રતિનિધિને અણગમતું કાર્ય કોણે કર્યું ? જેનો સુર્ય કદી આથમતો નથી એવી અંગ્રેજ સરકાર સામે કોણે બેઅદબી કરી ? જેની સામે આંખ માંડવાની કોઈ હિંમત ન કરી શકે, એને કોણે અપમાનિત કર્યો.

એ લાલ આંખ હિંદના રાજવીઓના હાથીઓની હાર પર સ્થિર થઈ હતી. શાહી સવારી સમયે એક ઊંચા દરજ્જાના માનવંત રાજવી પોતાનો હાથી સરઘસથી જુદો તા૨વીને પોતાના નિવાસસ્થાન તરફ ઝડપથી હંકારી જતા જોવામાં આવ્યા. શિરસ્તાનો આવો ભંગ કેમ ચલાવાય ? સાત સાગરને ઓળંગીને આવેલો આ સામર્થ્યવાન વાઇસરૉય એ કેમ સહન કરી શકે ? આ તો અંગ્રેજ સરકાર સામે જાહેર બગાવત કહેવાય ! તેઓ પોકારી ઊઠ્યા –

આવી રીતે શાહી સવારી છોડી જવાનો મતલબ શું? આ તો નામદાર મહારાણીનું અપમાન કરતું મહાઅપકૃત્ય કહેવાય !’

ડાહ્યા દીવાનના ક્રોધનો પાર ન રહ્યો. પણ એણે શાંતિથી સવારી પૂરી થવા દીધી.

પરંતુ પછી તંબુમાં આવીને ‘બેસતો રાજા અને આવતી વહુ’ના ન્યાયે કાર્યની પૂરી તપાસ અને ઇન્સાફની તમામ સત્તા માટે વાઇસરૉયે ઇંગ્લૅન્ડ તાર કર્યો. આ તારના સમાચારે ચોતરફ હાહાકાર પ્રવર્તી ગયો. તા૨નો સાર હતો,

‘મહારાજા બેવફા અથવા ઉદ્ધત હોવા જોઈએ, કારણ કે તે સિવાય તેઓ હિંદુસ્તાનના તમામ રાજા-મહારાજાની હાજરીમાં અને માનવંતા બ્રિટિશ તાજના પ્રતિનિધિઓ સમક્ષ ના. મહારાણીને આ રીતે અપમાનિત ક૨વાની હિંમત કરે નહીં. બ્રિટિશ અમલની અમરકીર્તિને ખાતર મહારાજા ૫૨ દાખલો બેસાડવાની ખાસ જરૂ૨ છે.’

તારના જવાબમાં બ્રિટનના તાજ તરફથી ઘટતાં પગલાં લેવાની સંપૂર્ણ સત્તા વાઇસરૉયને સુપ્રત કરી. સત્તા મળતાં જ લૉર્ડ લિટને તપાસ શરૂ કરી. મહારાજાના તંબુ ઉપર ખાનગી રીતે લશ્કરી જાપતો મુકાયો અને બ્રિટિશ તાજને અપમાનવાનો તેમની પાસે સાફ સાફ ખુલાસો માંગ્યો.

અંગ્રેજ સરકારના ગુસ્સા આગળ પેલા મહારાજા નરમ પડી ગયા. એમણે પોતાનો ખુલાસો જાહેર કરતાં કહ્યું, ‘હું બ્રિટિશ તાજને સંપૂર્ણ વફાદાર રાજવી છું. તાજને અપમાન કરવાની ઇચ્છાથી કે ગુસ્સાથી હું સરઘસમાંથી અધવચ્ચેથી ચાલી ગયો ન હતો, કિંતુ અનિવાર્ય કારણને લીધે મને સરઘસ છોડી જવાની ફરજ પડી હતી.’

મહારાજાના આ ખુલાસાએ તો હિંદના હાકેમના ગુસ્સામાં બળતામાં ઘી હોમ્યું. આનાથી બેઅદબીનું સાચું કારણ મળ્યું નહીં. તરત જવાબ મોકલ્યો,

‘અલબત્ત, તમારે અનિવાર્ય કારણ હશે, પણ તમને ખબર નથી કે જે કાર્યક્રમનો તમે ભંગ કર્યો, જે બ્રિટિશ તાજની અવગણના કરી, અધવચ્ચેથી સવારીની અદબનો સરેઆમ ભંગ કર્યો. એના કરતાં બીજું મોટું કારણ શું હોઈ શકે ?’

હાકેમની લાલ આંખ તણખા વેરવા લાગી. એને લાગ્યું કે એક તો મહારાજાએ અપમાન કર્યું, હવે એ એવો ઉદ્ધત અવગણનાભર્યો બચાવ કરે છે ? હાકેમે ચોવીસ કલાકમાં જ અનિવાર્ય કારણનો સાચેસાચો ખુલાસો જણાવવાના છેલ્લો સંદેશો પાઠવી દીધો.

મહારાજાના તંબૂની આસપાસ લશ્કરી પહેરો વધુ મજબૂત બન્યો. હવે કોઈ ઉપાય ન રહ્યો. શંકરનું ત્રિનેત્ર ખૂલવાની તૈયારી થઈ હોય, તેમ લાગ્યું.

મહારાજા તો ભારે મૂંઝાયા. નાછૂટકે એમણે ફૉરેન સેક્રેટરી પર પત્ર લખ્યો,

‘જો કૃપાની રાહે મને રૂબરૂ મુલાકાત આપવામાં આવશે તો હું ઘણો જ સંતોષકારક ખુલાસો આપી શકીશ. મારી વર્તણૂક ૫૨ જે આક્ષેપો મુકાયા છે, તેમાંથી મારી જાતને મુક્ત કરી શકીશ. મારી બ્રિટનની મહારાણી અને બ્રિટિશ સામ્રાજ્ય તરફની વફાદારી પુરવાર કરી શકીશ.’

આ પત્ર પર ઊંડી અને સાર્વત્રિક વિચારણા કરવા માટે વાઇસરૉયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ભેગી મળી. લાંબી વિચારણાને અંતે મહારાજાને એક આખરી તક આપવાનો ઠરાવ કર્યો.

ખાનગી બેઠક ગોઠવાઈ, ગોરા હાકેમની સાથે એમની કાઉન્સિલના સભ્યો ઉપસ્થિત રહ્યા. ફૉરેન સેક્રેટરી પોતાના પૂરા દોર-દમામમાં હાજર હતા. મહારાજા અંગ્રેજ વાઇસરૉય પાસે આવ્યા. વાઇસરૉયે કાન માંડ્યા. જે અનિવાર્ય કારણસર શાહી સરઘસમાંથી અધવચ્ચેથી ચાલ્યા જવું પડ્યું એનો ખુલાસો કર્યો.

અને !

ક્ષણ વારમાં તો વાઇસરૉયનો તંગ ચહેરો અનેરા હાસ્યથી ખળભળી ઊઠ્યો. એનો ગુસ્સો ઊડી ગયો એ હસવું રોકી શક્યો નહીં અને પોતાના અધિકારીની હાજરીમાં હસતાં હસતાં બેવડ વળી ગયા.

એ મહારાજા સામે જોતા જાય અને હસતા જાય, હસવું વધતું ચાલ્યું. જેમ એ હસવું ખાળવાનો પ્રયત્ન કરે, તેમ હાસ્ય વધતું જ ગયું.

માંડ માંડ વાઇસરૉયે મહારાજાએ આપેલો ખુલાસો જાહેર કર્યો. બધા પોતાનું હસવું ખાળી શક્યા નહીં. મહારાજા સાથે હાથ મિલાવીને બ્રિટિશની સરકારને અનિવાર્ય કારણના ભેદ જણાવવા સરકારી કચેરી તરફ ચાલ્યા. છતાં વારે વારે વાત યાદ આવી જતાં હસી પડાતું હતું.

શું હતો એ અનિવાર્ય કારણનો ભેદ ?

વાત એમ હતી કે જ્યારે શાહી સવારી પસાર થતી હતી ત્યારે મહારાજાને હાજત લાગી હતી. આથી એકદમ હાથી ફેરવીને તંબુમાં લઈ જવા સિવાય એમની પાસે બીજો કોઈ ઉપાય રહ્યો ન હતો !

થોડી વારમાં ઇંગ્લૅન્ડ તરફ તાર ગયો. ‘મહારાજાની બેઅદબી સબબના બનાવનો સંતોષકારક નીવેડો આવી ગયો છે.’

આમ ખૂબ ચર્ચાયેલા ઇતિહાસના એક મહત્ત્વના બનાવ પર છેવટનો પડદો પડ્યો !

ઈંટ અને ઇમારત

30-5-2024

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑