સત્તા એમની દાસ હતી, સેવાના એ પોતે દાસ હતા !
યજ્ઞનો દેવતા ઓલવાઈ ગયો છે. બુઝાયેલા ઈંધણનો ભંગાર કાળા ધુમાડા કાઢતો પડ્યો છે.
અંધકાર પોતાનું સામ્રાજ્ય પ્રસરાવવાનો હોય, ત્યારે ચહેરા પર પોતાનો આસમાની બુરખો નાખે છે.
અને કોઈ પણ દેશની પીછેહઠ થવાની હોય, ત્યારે તે દેશના રાજકારણી પુરુષોના મન પર બેજવાબદારી અને અનૈતિકતાનો બુરખો નાખે છે.
આ દેશનો ભવ્ય ઇતિહાસ એ કહે છે અને કહી રહ્યો છે.
આજના કાર્યકરોને લોકશાહીનાં મંદિરના પૂજારી થવું નથી, પણ કોઈ પણ ભોગે સત્તાના સિંહાસનને મેળવવાની એમણે ભારે હોંશ છે. એક અર્થમાં કહીએ તો સહુને સત્તાની બલા ગળે વળગી છે. સત્તા માટે સિદ્ધાંત ટકે શેર વેચાતી ભાજી જેવો બન્યો છે. સત્ય, અહિંસા અને સમન્વયની બાધાઓ અને શપથો એક પછી એક સરી ગયા. સત્તાની મોજીલી ખુરશી મેળવવા કે જાળવવા ગમે તેનો સાથ લેવા તૈયાર છે. વિચારોના મેળનો સત્તા ખાતર મેળ મેળવી દેવાય છે. સત્તાને કાજે તો ગંગા અને ગટરનું સમાધાન થાય છે.
જૂની નાતમાં જેમ તડાં થતાં અને એ તડાંના ગોરમહારાજને ‘વર મરો કે કન્યા મરો’ પણ પોતાના લાડુના હિમાયતી અને હિતચિંતક રહેતા, એમ આજે કયાં તડાંમાં લાડુ મળે છે, એની તપાસ રાખે છે ને લાગ મળતાં જ એ નાતમાં પેસી જાય છે. ગઈકાલે વિરોધી તરીકે તીખી ગાળો આપનારાનું આજે એકાએક ખોળિયું બદલાઈ જાય છે ! સાવ નવો અવતાર થાય છે !
પહેરણ કરતાંય વધુ ઝડપથી પક્ષ બદલાય છે ! આમાં નથી જોવાનો સિદ્ધાંત, નથી નિરખાતું સત્ય કે નથી પળાતી નીતિ !
આજ કોઈ ગાંધી નથી !
આજ નથી કોઈ સરદાર ! નહેરુ કે શાસ્ત્રીજીનું નામ ભુલાઈ ગયું ! આ બધા તો દીવાનખાનું શણગારવાની રૂપાળી છબીઓ બની ગયા છે. જેનાં નામે તૂત હાંકી શકાય તેવી વિભૂતિઓ બની ગયા છે.
ગાંધીજીના સમયના રાજકારણમાં જગતનાં ભલામાં પોતાનું ભલું જોવાતું. આજે દેશના વડાપ્રધાન દુનિયામાં દેશને ઇજ્જત અપાવી રહ્યા છે. સ્વયંને બદલે સર્વનો વિચાર કરે છે. જ્યારે બીજા રાજકારણીઓ તો પોતાના પગને કાંટા ન વાગે એની પૂરતી તકેદારી રાખે છે. પારકો ભલે શૂળીએ ચડે !
આવે સમયે શ્રીકૃષ્ણદાસ જાજુ જેવા લોકસેવકની યાદ આવે છે. સત્તા એમની દાસ હતી, સેવાના એ પોતે દાસ હતા. આજે જેના માટે રાત-દિવસ તલસે છે, ઉધમાત થાય છે, એવાં મુખ્યપ્રધાનપદ કે નાણાપ્રધાનપદને એમણે ઠુકરાવી દીધું હતું.
શ્રીકૃષ્ણદાસ જાજુનું જીવન આજના જમાનાને જરૂ૨ આશ્ચર્યકારક લાગે ! અભ્યાસમાં તેજસ્વી એવા શ્રીકૃષ્ણદાસ જાજુએ બેચલર ઑફ લૉની પરીક્ષામાં સુવર્ણચંદ્રક અને સ્કૉલરશિપ બંને હાંસલ કર્યાં હતાં. ૧૯૨૧માં મહાત્મા ગાંધીજીના અસહકારના આંદોલનનો નાદ સાંભળ્યો. શ્રીકૃષ્ણદાસે વકીલાતની પ્રૅક્ટિસ છોડી દીધી. પોતાનું જે કંઈ દેવું હતું, તે બધું ચૂકવી દીધું અને બાકીની જે રકમ હતી તે જાહેર સંસ્થાઓને આપી દીધી. એમણે પોતાના જીવનનું સમર્પણ કર્યું. એમના આ નિઃસ્વાર્થ સમર્પણને કારણે લોકો એમને ‘તપોધન’ કહેતા હતા અને વર્ષામાં શ્રીકૃષ્ણદાસ જાજુ સાથે જમનાલાલ બજાજ જોડાયા અને ગાંધીજીનાં આંદોલનને મોટો વેગ મળ્યો.
શ્રીકૃષ્ણદાસ જાજુએ આઝાદીના લડવૈયાની ખુમારીથી સમાજસુધારણા, રચનાત્મક કાર્યો અને રાજકીય ક્ષેત્રે નવા આયામો સર્જ્યો. શિક્ષણ, જાતિ-સમાનતા, ખાદી અને ગૌસેવા જેવાં કાર્યોમાં એમણે જીવ રેડી દીધો.
પોતાના જીવનમાં કુટુંબ, શાળા અને કૉલેજ પાસેથી દેશસેવાનાં મુલ્યો મળ્યાં હતાં. આથી એમણે ૧૯૯૦માં મા૨વાડી વિદ્યાર્થી ગૃહની સ્થાપના કરી. ૧૯૧૨માં મારવાડી હાઈસ્કૂલની સ્થાપના કરી અને જમનાલાલ બજાજ સાથે મારવાડી શિક્ષણમંડળની સ્થાપના કરી.
ઈ. સ. ૧૯૩૭માં મધ્યપ્રદેશનાં મુખ્યપ્રધાન ડૉ. ખરે હતા. એમણે કૉંગ્રેસના હાઈકમાન્ડને પૂછ્યા વિના અંગ્રેજગવર્નરની સલાહથી પોતાના પ્રધાનમંડળમાં ફેરફારો કર્યા. આ બનાવથી કૉંગ્રેસના નેતાઓ ખૂબ નારાજ થયા. એ વખતના કૉંગ્રેસ પાર્લમેન્ટરી બોર્ડના અધ્યક્ષ શ્રી વલ્લભભાઈ પટેલે ડૉ. ખરેને આદેશ આપ્યો કે તમારે મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપવું. નવા મુખ્યપ્રધાનની વરણી કરવા માટે વર્ધાના નવભારત વિદ્યાલયના હૉલમાં પ્રદેશ કૉંગ્રેસના ધારાસભ્યોની સભા રાખવામાં આવી.
આ સમયે ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ પટેલને કહ્યું કે ડૉ. ખરેની જગ્યાએ ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના અધ્યક્ષ અને અનુભવી રચનાત્મક કાર્યકર્તા શ્રીકૃષ્ણદાસ જાજુને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન તરીકે પસંદ કરવા.
સરદાર પટેલે તત્કાળ મહાત્માજીનું એ માર્ગદર્શન સ્વીકારી લીધું. ગાંધીજીએ જાજુને સેવાગ્રામ આશ્રમમાંથી બોલાવીને તેમની સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો, પણ આશ્ચર્યજનક રીતે શ્રીકૃષ્ણદાસ જાજુએ એ સ્વીકારવાની અશક્તિ બતાવી. એમણે નમ્રતાથી કહ્યું,
‘બાપુ, હું તો કૉંગ્રેસ પક્ષનો સામાન્ય સભ્ય પણ નથી !’
‘એનો વાંધો નહીં. તમે છ માસમાં કોઈ પણ જગ્યાએથી ચૂંટાઈ શકશો.’
‘પણ મને રાજ્ય ચલાવવાનો જરા જેટલોય અનુભવ નથી. બાપુ મને રાજકારણમાં ન નાખો !’
ગાંધીજીએ ફરી વાર આગ્રહપૂર્વક કહ્યું, ‘જાજુજી અમારે હવે એવા મુખ્ય પ્રધાનની જરૂર છે, જેમના પર લોકોને પૂરો એતબાર હોય અને કૉંગ્રેસને વિશ્વાસ હોય. કૉંગ્રેસ તમને સર્વાનુમતે ચૂંટી કાઢવા રાજી છે, પછી તમને શો વાંધો છે ?’
બાપુના આટલા આગ્રહ છતાં શ્રીકૃષ્ણદાસ જાજુ મુખ્ય પ્રધાનપદ સ્વીકારવા તૈયાર ન થયા. બીજા સાથીઓએ પણ પ્રયાસ કર્યો, ત્યારે એમણે કહ્યું, ‘બાપુ, મને આમાં ન નાખો. આ જવાબદારી ઉપાડવાની મારી શક્તિ નથી.’
ગાંધીજીએ ગંભીરતાથી કહ્યું, ‘જાજુજી, તમારે હિંમત હારવી ન જોઈએ. ભગવાનનું નામ લઈને આ કામ સંભાળી લે. નિર્બળના બળ રામ છે.’
શ્રીકૃષ્ણદાસ જાજુ ગળગળા થઈ ગયા. કશો જ ઉત્તર ન આપી શક્યા. એમણે વિચારવાને સમય માગ્યો અને લાંબા વિચારને અંતે એમણે ના જ પાડી !
શ્રીકૃષ્ણદાસ જાજુને આ પ્રસંગ વિશે શ્રી શ્રીમન્નારાયણજીએ પૂછ્યું કે આ પદ સ્વીકારવામાં તમે કઈ મુશ્કેલી અનુભવી હતી ?
શ્રી કૃષ્ણદાસ જાજુએ જવાબ વાળ્યો.
‘મુખ્યપ્રધાનનું પદ ધારાસભ્યો પર આધાર રાખે છે. ધારાસભ્યોનો ટેકો મેળવવા માટે એમને રાજી રાખવા માટે એમની વાજબી-ગેરવાજબી વાતય સ્વીકારવી પડે. આમ કરવાની મારામાં શક્તિ નથી. મુખ્યપ્રધાનપદ ટકાવી રાખવા કશુંય ગેરવાજબી કરવું મારા માટે શક્ય નહોતું. આથી લાંબા વિચારને અંતે મેં ના પાડી દીધી !’
આથીય વધુ લલચાવે એવું શ્રીકૃષ્ણદાસ જાજુને બીજું આમંત્રણ આવ્યું.
કેન્દ્રના નાણાપ્રધાન પણ્મુખમ ચેટીએ પણ રાજીનામું આપ્યું. પં. જવાહરલાલ નહેરુએ શ્રીકૃષ્ણદાસ જાજુને નાણાપ્રધાન થવા આગ્રહભર્યું નિમંત્રણ મોકલાવ્યું.
પણ સેવાને વરેલા એમ સત્તાની માયામાં ફસાય તેવું ન હતું. એમણે આ જવાબદારી સ્વીકારી નહીં. એમણે આ અંગે કહ્યું,
ભારતના નાણાપ્રધાને માત્ર ભારતની નાણાનીતિ જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય નાણાનીતિ સારી પેઠે જાણવી જોઈએ. એમાં એ કુશળ હોવો ઘટે. જો એ આંતરરાષ્ટ્રીય નાણાનીતિમાં કુશળ ન હોય, તો એના હાથે દેશની સેવાને બદલે કુસેવા જ થાય.’
આ સમયે શ્રી શ્રીમન્નારાયણજીએ આ સાચા ગાંધીવાદી સેવકને કહ્યું, ‘તમારા જેવાને આંતરરાષ્ટ્રીય નાણાનીતિની જાણકારી મેળવવામાં ચાર- છ મહિના લાગે, ત્યાં સુધી તમે સેક્રેટરીઓની મદદથી કામ લઈ શકો.’ આનો જવાબ વાળતાં જાજુજીએ કહ્યું,
જે વાતની મને જાણકારી ન હોય, એના માટે બીજા પર આધાર રાખીને કામ કરાવવામાં ઘણું જોખમ રહેલું છે. સેક્રેટરીએ ધરેલા કાગળો ૫૨ સમજ્યા વિના સહી કરવાનું કામ મારા માટે શક્ય ન હતું, આથી મેં જવાહરલાલ નહેરુની ક્ષમા માગી.
સમય જતાં ફરી શ્રી કૃષ્ણકાંત જાજુને રાજ્યપાલનું પદ સ્વીકારવાનું કહેવામાં આવ્યું, પણ સત્તાના સ્થાન કરતાં એમને સેવા વધુ પસંદ હતી. એ એમની ભૂદાન અને સર્વોદયની રચનાત્મક પ્રવૃત્તિમાં જ અંત સુધી ડૂબ્યા રહ્યા.
આજે રાજકારણ એ સત્તાશોખી મલ્લોનું કુસ્તી દંગલ બની રહ્યું છે, ત્યારે પ્રજાના ઘડતર કે ચણતર માટે પાયાની ઈંટ બનેલા શ્રીકૃષ્ણદાસ જાજુનું સ્મરણ ચિત્તમાં જાગી ઊઠ્યું !
ઈંટ અને ઇમારત
11-4-2024