અમેરિકાની ધરતી પર વિરલ તપસાધના કરનારી પ્રથમ શ્રાવિકા

જૈન ધર્મમાં તપશ્ચર્યાનું આગવું મહત્ત્વ છે. ભગવાન મહાવીરસ્વામીએ એમના સાડાબાર વર્ષના સાધનાકાળમાં મુખ્યત્વે ઊભા ઊભા કાયોત્સર્ગ મુદ્રામાં 4,166 દિવસ ઉપવાસ કર્યા હતા. તપની આરાધના દ્વારા કર્મક્ષય થાય છે અને એટલે જ મોક્ષમાર્ગમાં તપની આરાધનાને સર્વોપરી ગણવામાં આવે છે. કરોડો ભવનાં સંચિત કર્મ તપશ્ચર્યાથી નષ્ટ થાય છે, એનાથી આત્માની શુદ્ધિ થાય છે અને ઇચ્છાનિરોધથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. અમેરિકાની ધરતી પર એક ગૌરવભરી ઘટના સર્જાઈ ગઈ. 28મી ઑક્ટોબરે જ્યોતિબહેન ગાંધીએ વિદેશમાં ઉદાહરણરૂપ બને એવી તપશ્ચર્યા કરી.

આપણે જાણીએ છીએ કે સાચા સાધકમાં ઉત્કટ ધર્મભાવના હોય તેને ક્યારેય કોઈ પરિસ્થિતિનો કે પ્રતિકૂળતાઓનો અવરોધ અટકાવી શકતો નથી. જ્યોતિબહેન ગાંધીની જીવનસાધના જોઈએ તો જણાશે કે વાત્સલ્યભર્યા કુટુંબની જવાબદારી, વ્યવસાયે ડૉક્ટર તરીકેની વ્યસ્ત કામગીરી અને શ્રીસંઘની સેવા કરવાની તત્પરતા એ ત્રિવેણીસંગમ એમણે એમના જીવનમાં સિદ્ધ કર્યો છે.

ડૉ. જ્યોતિબહેન રજનીભાઈ ગાંધીના જીવનનો પ્રારંભ જ ઊંડી ધર્મભાવના સાથે થયો. તેમનાં બાનાં માસી(પૂ.લાવણ્યશ્રીજી મહારાજ)એ સંસારનો ત્યાગ કર્યો હતો. વળી નાની વયે જ જ્યોતિબહેન જૈન પાઠશાળામાં જતાં અને મુંબઈના ચોપાટી પર આવેલા કલ્યાણ પાર્શ્વનાથ મંદિરમાં નિયમિત પૂજા કરતાં હતાં. એ પછી અમેરિકામાં આવ્યાં અને અહીં 1974થી ગુરુદેવ ચિત્રભાનુના જૈન ઇન્ટરનેશનલ મેડિટેશન સેન્ટરમાં નિયમિતપણે પ્રવચન સાંભળવા જતાં અને સંવત્સરી પ્રતિક્રમણ કરતાં. એ પછી 1981માં ન્યૂયૉર્કમાં એલ્મહર્સ્ટમંદિરની ઇમારત ખરીદવામાં આવી અને તે સમયે ગુરુદેવ ચિત્રભાનુજીએ મેનહટનમાં એમના કેન્દ્રની પ્રવૃત્તિઓ બંધ કરવાની યોજના બનાવી હતી. તેથી ભગવાન શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા એલ્મહર્સ્ટ મંદિરમાં સ્થાનાંતરિત કરવામાં આવી. પરંતુ એલ્મહર્સ્ટ મકાનનું નવીનીકરણ ચાલતું હતું, તેથી ભગવાનની પ્રતિમાને અસ્થાયી રૂપે જ્યોતિબહેન અને રજનીભાઈના ઘરમાં રાખવામાં આવી.

એ પછી એ મંદિરનો જીર્ણોદ્ધાર પૂર્ણ થતાં એ પ્રતિમા મંદિરમાં પાછી લાવવામાં આવી, ત્યારે જ્યોતિબહેન અને રજનીભાઈએ અનુભવ્યું કે એમના ઘરના કોઈ મોવડીની હૂંફાળી છત્રછાયા ચાલી ગઈ છે. આને પરિણામે એમણે ગૃહદેરાસર બનાવવાનું નક્કી કર્યું. ભારતમાંથી 24 તીર્થંકરોની 9” ઇંચની આરસપહાણની અને ૨૯” ઇંચની શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિઓ લાવ્યા અને એ પછી જ્યોતિબહેનના ઘેર એ મૂર્તિઓની ગુરુદેવ ચિત્રભાનુજીના માર્ગદર્શન હેઠળ અને ત્રણસો સાધર્મિક ભાઈઓની હાજરીમાં અમેરિકામાં પ્રથમ અઢાર અભિષેક પૂજા કરી હતી. પોતાના ઘરમાં ગૃહદેરાસર હોવાથી જ્યોતિબહેન ધર્મસૂત્રના વાચન અને અભ્યાસ સહિત ધર્મપ્રવૃત્તિમાં વધુ સમય પસાર કરવા લાગ્યાં. એમના પતિ રજનીભાઈનો આમાં જીવંત સાથ અને સહકાર મળતો રહ્યો.

1984ના જાન્યુઆરીમાં રજનીભાઈ ગાંધી ન્યૂયૉર્ક જૈન સેન્ટરના પ્રમુખ તરીકે ચૂંટાયા. એ પછી ન્યૂયૉર્કના દેરાસરમાં ‘જૈના’ના બીજા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું અને એમના ઘેર પ્રથમ જૈન પાઠશાળા કૉન્ફરન્સનું આયોજન પણ થયું. આ સમયે અમેરિકાનાં જુદાં જુદાં જૈન કેન્દ્રોમાંથી મહેમાનો આવ્યા હતા. જ્યોતિબહેને અન્ય લોકોનો સહયોગ લઈને ધાર્મિક વર્ગો શરૂ કર્યા. બાળકોને ધર્મ અને સંસ્કૃતિની ઓળખ આપવા તેમજ જિનાલયની પ્રવૃત્તિમાં સામેલ કરવા માટે મહાવીરજયંતીએ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કર્યું. આ સમયે પોતાની તબીબી પ્રૅક્ટિસની સાથોસાથ એમણે નવપદ ઓળી આરાધના પૂર્ણ કરી. જ્યોતિબહેન અને એમનાં બંને સંતાનો નિશા અને નીલ સાડાપાંચ વર્ષ સુધી જ્ઞાનપંચમીની આરાધના પૂર્ણ કરી અને એ જ ધર્મભાવનાના વાતાવરણમાં 1987માં એમના પુત્ર નીલે સફળતાપૂર્વક અઠ્ઠાઈ તપની આરાધના કરી.

જ્યોતિબહેને 1987માં વર્ધમાન તપ ઓળી આરાધના(વિધિ)ની શરૂઆત કરી હતી. આ આરાધનામાં, એક આયંબિલથી માંડીને 100 આયંબિલ સુધીની આયંબિલોની ચડતી સંખ્યા હાથ ધરાય છે. જો કોઈ વ્યક્તિ સતત આયંબિલ કરે છે તો તેને પૂર્ણ થતાં લગભગ 15 વર્ષો લાગશે. આ તપમાં કુલ 5050 આયંબિલ અને 100 ઉપવાસ કરવાના હોય છે. આયંબિલશાળા ઉપલબ્ધ નહીં હોવાથી જાતે જ બનાવીને ઘેર ખાવાનું હોય છે.

જ્યોતિબહેને ઉપધાન તપની આરાધના પણ પૂર્ણ કરી. 2009માં પૂજ્ય આચાર્ય વિજય હર્ષવદનસૂરિજીના માર્ગદર્શન હેઠળ પ્રથમ 18 દિવસ અને 2010માં આચાર્ય પૂજ્ય વિજય પૂર્ણચંદ્રસૂરિજીના માર્ગદર્શન હેઠળ 29 દિવસની આરાધના પૂર્ણ કરી હતી. ન્યૂયૉર્કના જૈન સેન્ટરમાં એમણે જુદા જુદા હોદ્દાઓ પર રહીને ધર્મપ્રવૃત્તિ કરી. જેમાં 1996થી 1999 એમ ચાર વર્ષ પ્રમુખ તરીકે કામગીરી બજાવી. આ બધા સમય દરમિયાન દેરાસરમાં મુલાકાતી, વિદ્વાનોનાં પ્રવચનો, પર્યુષણઆરાધના, ચૈત્ય પરિપાટી યાત્રા, દિવાળી અને પાઠશાળાની પ્રવૃત્તિ સાથે સતત જોડાયેલાં રહ્યાં અને 1996માં અમેરિકાનાં દેરાસરોમાં સૌપ્રથમ નવપદ ઓળી આરાધના આ દેરાસરમાં શરૂ કરાવી. 2019માં જ્યોતિબહેન ગાંધી અને રજનીભાઈ ગાંધીને 1981થી 2005 એટલે કે પચીસ વર્ષો સુધી તન, મન અને ધનથી ન્યૂયૉર્કનાં જૈન સેન્ટરની પ્રવૃત્તિઓ કરવા માટે ‘જૈન રત્ન’નો ઍવૉર્ડ જૈન સેન્ટર ઑફ અમેરિકા (ન્યૂયૉર્ક) દ્વારા આપવામાં આવ્યો હતો.

2010માં ન્યૂ હાઇડ પાર્કમાં ન્યૂયૉર્કનું બીજું દેરાસર શરૂ થયું, તેમાં પણ રજનીભાઈ અને જ્યોતિબહેને સહયોગ આપ્યો અને અત્યારે શ્રી રજનીભાઈ ગાંધી એ ન્યૂયૉર્ક હાઈડ પાર્ક વિસ્તારમાં આવેલા દેરાસરના અધ્યક્ષ છે. ધાર્મિક પ્રવૃત્તિ સાથે સમાજસેવાની પ્રવૃત્તિમાં પણ બંને સક્રિય છે અને જ્યોતિબહેનનાં બહેન ડૉ. દક્ષા પટેલ અને એમના પતિ ડૉ. અનિલ પટેલ દક્ષિણ ગુજરાતના રાજપીપળા નજીકના એક નાના ગામમાં તબીબી સંભાળ, બાળકોનું શિક્ષણ અને વિકાસ, મહિલા આરોગ્ય અને અન્ય સામાજિક સમસ્યાઓમાં મદદ કરે છે. આ રીતે આદિવાસીઓ અને અન્ય વંચિત સમુદાયોની સેવામાં કાર્ય કરતી ગુજરાતની આ એક અગ્રણી સેવા સંસ્થા ARCHને જ્યોતિબહેન અને રજનીભાઈ ‘Friednds of ARCH’ નામની સખાવતી સંસ્થા સ્થાપીને ભંડોળ મોકલે છે. છેલ્લાં 35 વર્ષથી આ પ્રવૃત્તિ ચાલે છે અને ‘ફ્રૅન્ડ્ઝ ઑફ આર્ચ’એ પાંચ કરોડ રૂપિયાનું કોર્પસ ફંડ સેટઅપ કર્યું છે અને છેલ્લાં 35 વર્ષમાં આ સંસ્થાને બે મિલિયન ડૉલરથી પણ વધુ દાન મેળવી આપ્યું છે.

2013માં જ્યોતિબહેન ગાંધી તબીબી પ્રૅક્ટિસમાંથી નિવૃત્ત થયાં અને પોતાનો સઘળો સમય વ્યક્તિગત આધ્યાત્મિક વિકાસ પર પસાર કરે છે. સાથોસાથ રજનીભાઈ ગાંધી પણ નિવૃત્ત થઈને અનેકવિધ સામાજિક પ્રવૃત્તિમાં જોડાયેલા રહે છે. મહત્ત્વની વાત તો એ છે કે 2023ની 28મી ઑક્ટોબરે જ્યોતિબહેન એકસોમી વર્ધમાન તપની ઓળી પૂરી કરી છે અને આમ 5050 આયંબિલ અને 100 ઉપવાસ પૂર્ણ કરીને સમગ્ર જિનશાસનની શાન વધારનાર અમેરિકાની ધરતી પરનાં આ પ્રથમ શ્રાવિકાની ધર્મભાવના, અધ્યાત્મપરાયણતા અને માનવસેવા આજે ઉદાહરણરૂપ ગણાય છે.

તા. 9-11-2023

આકાશની ઓળખ

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑