‘ભગવતીસૂત્ર’ અને ‘આવશ્યકચૂર્ણિ’ જેવા શાસ્ત્રગ્રંથો તેમજ અન્ય કવિઓની રચનામાં આ ચરિત્ર મનોહર રીતે શબ્દબદ્ધ થયું છે. વૈશાલીના ગણરાજા ચેટકની પુત્રી અને કૌશાંબીના રાજા શતાનીકની રાણી મૃગાવતી રાજકુમાર વર્ધમાનના પરિવાર સાથે પારિવારિક સંબંધ ધરાવતી હતી.
સૌંદર્યવતી મૃગાવતીને પામવા માટે સ્ત્રીલોલુપ રાજા ચંડપ્રદ્યોત ચડાઈ લઈને આવ્યો. રાજા શતાનીકનું મૃત્યુ થયું હોવાથી રાણી મૃગાવતી રાજકારભાર સંભાળતી હતી. એ સમયે પ્રભુ મહાવીર કૌશાંબી નગરીમાં આવતાં રાજમાતા મૃગાવતી પોતાના પુત્ર બાળ ઉદયન સાથે ભગવાન મહાવીરના સમવસરણમાં ઉપદેશ શ્રવણ કરવા ગયાં. આ સમવસરણમાં ચંડપ્રદ્યોત પણ પોતાની અંગારવતી વગેરે રાણીઓ સાથે પ્રભુનો ઉપદેશ સાંભળવા આવ્યો હતો. પ્રભુ મહાવીરે વૈરાગ્યયુક્ત માર્મિક દેશના આપી.
ભગવાનની દેશના સાંભળી અનેક વ્યક્તિ દીક્ષિત થઈ. રાજમાતા મૃગાવતીના હૃદયના ઉચ્ચ ભાવ ઊભરાવા લાગ્યા. એણે પ્રભુને કહ્યું, “રાજા પ્રદ્યોતની આજ્ઞા લઈને હું દીક્ષા ગ્રહણ કરવા માગું છું.” ચોતરફ સન્નાટો વ્યાપી ગયો. સમવસરણમાં જ રાજા પ્રદ્યોત પાસે આજ્ઞા માગી. કદાચ એણે મૃગાવતીની વાતનો સ્વીકાર ન કર્યો હોત, પરંતુ સમવસરણમાં પ્રભુનો ઉપદેશ સાંભળવાથી એનું હૃદય અવનવીન, ઉચ્ચ ભાવો અનુભવતું હતું. એણે રાજીખુશીથી રાજમાતા મૃગાવતીને દીક્ષા લેવાની અનુમતિ આપી. આ સાંભળી રાણી મૃગાવતીએ કહ્યું, “તમે મને રાજીખુશીથી દીક્ષાની આજ્ઞા આપી છે, તો હવે મારા પુત્રને તમારો પુત્ર ગણો. તમે એને રાજકાજના પાઠ શીખવજો. તમે એના શિરછત્ર બનો.” ઉજ્જૈનીના ચંડપ્રદ્યોતે આ વાત પણ કબૂલ રાખી.
એક વાર સાધ્વી મૃગાવતીને પ્રભુ મહાવીરની દેશના તન્મયતાથી સાંભળતાં સંધ્યાકાળ થઈ ચૂક્યો, તેનો ખ્યાલ રહ્યો નહીં. ઉપાશ્રયે પાછા ફરવામાં મોડું થવાથી સાધ્વી મૃગાવતીને આચાર્યા ચંદનાએ ઠપકો આપ્યો. મૃગાવતીએ ક્ષમા માંગી. ચિત્તમાં પ્રાયશ્ચિત્તનું ઘમ્મરવલોણું ચાલ્યું. પશ્ચાત્તાપની પાવનગંગામાં સ્નાન કરતી સાધ્વી મૃગાવતીમાં શુભ ભાવના ઉદય પામી. ઘાતી કર્મોનો ક્ષય થતાં એને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. રાત્રિના અંધકારમાં કાળવિષ સર્પ ચંદનાના સંથારા પાસેથી પસાર થતો હતો.
મૃગાવતીએ દિવ્ય દૃષ્ટિથી ગહન અંધકારમાં આ વિષધર સર્પ જોયો અને સર્પના માર્ગમાં આડો પડેલો ચંદનાનો હાથ ખસેડી દીધો.
હસ્તસ્પર્શથી જાગ્રત થયેલાં આચાર્યા ચંદનાએ સફાળા જાગીને કારણ પૂછતાં મૃગાવતીએ ઘોર અંધકારમાં ખૂણામાં છુપાયેલા સર્પને બતાવીને વાત કરી. સંઘઆચાર્યા ચંદનાએ પૂછ્યું, “આ ગહન અંધકારમાં હાથની હથેળી દેખાતી નથી ત્યાં તમને કઈ રીતે સર્પ દેખાયો ?’’
મૃગાવતીએ કહ્યું, “આપની કૃપાથી મને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું છે.” સાધ્વી ચંદનાએ મૃગાવતીને વિનયપૂર્વક નમસ્કાર કર્યાં. ચંદનાના હૃદયમાં શુભ ભાવોનો પ્રાદુર્ભાવ થતાં એને પણ દિવ્ય જ્ઞાન સાંપડ્યું. મૃગાવતી જૈન ધર્મની પ્રાતઃસ્મરણીય સોળ સતીઓમાં સ્થાન પામે છે. હિંદુ, બૌદ્ધ અને જૈન – ત્રણેય સાહિત્યમાં આ જીવનકથા મળે છે.
સાધ્વી ભદ્રામાતા
રાજગૃહી નગરીના ધનાઢ્ય શેઠ ગોભદ્રનાં પત્ની ભદ્રાને શાલિભદ્ર નામનો પુત્ર અને સુભદ્રા નામની પુત્રી હતી. પતિનું અકાળ મૃત્યુ થતાં ભદ્રા પર બહોળા વ્યાપારના સંચાલનની અને સંતાનોના ઉછેરની બેવડી જવાબદારી આવી પડી. પોતાના પુત્ર શાલિભદ્રને માતૃસહજ વાત્સલ્યથી પ્રેરાઈને વેપારની આંટીઘૂંટીઓમાંથી બહાર રાખ્યો. ગોભદ્ર શેઠ મૃત્યુ પામીને દેવલોકમાં ગયા, પરંતુ પુત્રસ્નેહથી પ્રેરાઈને તેઓ રોજ નવ્વાણુ પેટીઓમાં મૂલ્યવાન આભૂષણો અને કીમતી વસ્ત્રો મોકલતા હતા. માતાની વ્યાપારી કુનેહ અને પિતાની દૈવી સહાયથી શાલિભદ્રની આસપાસ સમૃદ્ધિનો સાગર ઊછળવા લાગ્યો.
રૂપ, ગુણ અને શીલ ધરાવતી બત્રીસ કન્યાઓ સાથે આ શાલિભદ્રનાં લગ્ન થયાં. એનો ધનવૈભવ એવો વિપુલ હતો કે રાજગૃહીનો રાજા શ્રેણિક નેપાળના વેપારી પાસેથી એક રત્નકંબલ ખરીદી શક્યો નહોતો, તેવી સોળ રત્નકંબલ રાજગૃહીની ગરિમા જાળવવા માટે ભદ્રામાતાએ ખરીદી લીધી અને પ્રત્યેક મૂલ્યવાન કંબલના બે ટુકડા કરીને બત્રીસ પુત્રવધૂઓને આપી દીધા હતા. વળી શિયાળામાં ઉષ્ણતા અને ઉનાળામાં શીતળતા આપતી આ મૂલ્યવાન રત્નકંબલ ખરબચડી લાગતાં બત્રીસ પુત્રવધૂઓએ તેનો પગલૂછણિયા તરીકે ઉપયોગ કર્યો.
રાજા શ્રેણિક ભદ્રામાતાને ત્યાં આવ્યા અને શાલિભદ્રે જાણ્યું કે શ્રેણિક તો એમના નાથ કહેવાય, ત્યારે અઢળક ધનસમૃદ્ધિ વચ્ચે જીવતા શાલિભદ્રને લાચારીનો અસહ્ય અનુભવ થયો. શાલિભદ્ર પોતાને સ્વામી માનતો હતો, પરંતુ રાજાના આગમને એને પોતાના પરાવલંબીપણાનો અનુભવ થતાં એણે તમામ ભૌતિક સમૃદ્ધિ છોડીને વૈરાગ્યના એકલવાયા પંથે ચાલવાનું નક્કી કર્યું. ભગવાન મહાવીરનું રાજગૃહી નગરીમાં આગમન થતાં શાલિભદ્ર અને તેના બનેવી ધન્ય શેઠે દીક્ષા ગ્રહણ કરી. માતા ભદ્રા અને શાલિભદ્રની પત્નીઓ પણ સાધનાપૂર્ણ જીવન વ્યતીત કરતાં હતાં. આમ એક સમયે જ્યાં રાગનો અબીલ-ગુલાલ ઊછળતો હતો, ત્યાં ત્યાગની શુભ પ્રભા પથરાઈ ગઈ.
શાલિભદ્રે દીક્ષા ગ્રહણ કર્યા પછી આકરી સાધના કરી. સમતા અને સમાધિમાં લીન રહેવા લાગ્યા. એમની કાયા કૃશ બની ગઈ. થોડાક સમય બાદ ભગવાન મહાવીર રાજગૃહી નગરીમાં પુનઃ પધાર્યા. એમની સાથે મુનિ શાલિભદ્ર પણ હતા. મુનિ શાલિભદ્રં ભદ્રામાતા પાસે જઈને ગોચરી વહોરવાનો વિચાર કર્યો. આ માટે એમણે પ્રભુ મહાવીરની અનુમતિ લીધી અને પોતાના ઘેર વહોરવા માટે સાધુ શાલિભદ્ર ધન્ય સાધુ સાથે ગયા.
આખુંય નગર ભગવાન મહાવીરના આગમનના સમાચાર સાંભળીને એમનાં દર્શનાર્થે આતુર બન્યું હતું, ત્યારે ભદ્રામાતાની પ્રભુદર્શનની ઉત્કંઠા કેવી હશે, તે કલ્પી શકાય. ઘરના બારણે ગોચરી માટે આવેલા અત્યંત કુશ એવા મુનિ શાલિભદ્રને એ ઓળખી શક્યાં નહીં અને ભદ્રામાતા સ્વયં પ્રભુના દર્શને જવાની તૈયારી કરતાં હતાં. આથી સાધુ તરફ વિશેષ ધ્યાન આપ્યું નહીં. પરિણામે શાલિભદ્રને આહાર લીધા વિના જ પાછા ફરવું પડ્યું. વળતાં એક ગોવાલણે મુનિ શાલિભદ્રને ભક્તિભાવથી દહીં વહોરાવીને પારણું કરાવ્યું. મુનિ શાલિભદ્ર ભગવાન મહાવીર પાસે આવ્યા અને તેમની આજ્ઞા લઈને રાજગૃહી નગરીના એક પહાડ પર જઈને સંલેખનાવ્રત ધારણ કર્યું.
ભગવાન મહાવીરના સમવસરણમાં આવેલાં ભદ્રામાતા અને તેમના પરિવારને સાધુ શાલિભદ્રની ગોચરીથી માંડીને સંલેખના સુધીની તમામ ઘટનાઓ ભગવાને કહી સંભળાવી.
ભદ્રામાતાને માથે તો વીજળી પડી. મનમાં થયું કે દ્વાર પર મુનિરાજોને જોયા હતા, છતાં એમની ઉપેક્ષા કરીને કેવી ગંભીર ભૂલ કરી ! વળી એ બે મુનિરાજો તે અન્ય કોઈ નહીં પણ અતિપરિચિત એવા પોતાના પુત્ર શાલિભદ્ર અને જમાઈ ધન્ય શેઠ હતા. ભદ્રામાતાનું વાત્સલ્ય અસહ્ય વેદનાથી ખળભળી ઊઠ્યું. એ તત્કાળ પર્વત પર પુત્રનાં દર્શનાર્થે દોડી ગયાં. ઉગ્ર તપશ્ચર્યાથી પુત્રની કૃશ બનેલી કાયા અને ઉગ્ર સાધનામય જીવન જોઈને માતૃહૃદય આકુળ-વ્યાકુળ થઈ જતાં ભદ્રામાતા મૂર્છિત થયાં.
આ સમયે અહીં ઉપસ્થિત સમ્રાટ શ્રેણિકે ભદ્રામાતાને આશ્વાસન આપ્યું. ધર્મની મંગલ ભાવનાઓમાં ચિત્ત ડુબાડવા કહ્યું. ભદ્રામાતાએ પોતાના જીવન તરફ દૃષ્ટિપાત કર્યો અને એમણે પણ વૈભવ છોડીને પોતાની પુત્રવધૂઓ સાથે સંયમ-માર્ગનો સ્વીકાર કર્યો.
તા. 30-11-2023
આકાશની ઓળખ