ધર્મોનો પોકાર : લાવો પરિવર્તન અને આપો નવી દૃષ્ટિ

વિખ્યાત રશિયન લેખક મેક્સિમ ગૉર્કી રશિયાનાં ગામડાંઓમાં જઈને વિજ્ઞાન અંગે અભિયાન ચલાવતા હતા. વિજ્ઞાનની આશ્ચર્યજનક સિદ્ધિઓથી ગ્રામજનોને અવગત કરાવવા ચાહતા હતા. એક વાર એક ગ્રામસભામાં મેક્સિમ ગૉર્કીએ કહ્યું,

“થોડા સમયમાં વૈજ્ઞાનિક સંશોધનને પરિણામે માનવી આકાશમાં ઊડશે અને છેક પાતાળ લગી આસાનીથી પહોંચી શકશે. દરિયાના પેટાળની અંદર શું ચાલે છે એની રજેરજ માહિતી માનવી મેળવી શકશે. તમને કલ્પના નહીં આવે એવાં કામો માણસ દ્વારા શક્ય બનશે. એ ધરતીના પેટાળની અંદર જઈને, ખાણોની અંદર છેક નીચે સુધી જશે. એના પેટાળમાં શું ચાલે છે એનાં સંકલનો જાણીને આપણને કહેશે.”

આ સાંભળીને એક વૃદ્ધ ગ્રામજને મેક્સિમ ગૉર્કીને પ્રશ્ન કર્યો, “મેક્સિમ ગૉર્કી ! તમે કહ્યું કે માણસ આકાશમાં ઊડશે, માણસ પાતાળ સુધી પહોંચશે. જ્યારે વિજ્ઞાન દ્વારા આટલું બધું અદ્ભૂત થવાનું છે, તો કંઈક એવું નહીં થાય કે આ પૃથ્વી ઉપર માણસે કઈ રીતે જીવવું એ એને કોઈ શીખવે ?”

માણસના જીવનનો મહત્ત્વનો પ્રશ્ન છે આ પૃથ્વી પરનું એનું જીવન. મને ઘણી વાર આપણાં પૌરાણિક કથાનકોમાં ગૂંથાયેલાં રહસ્યો ખૂબ ગમે છે. દક્ષ-મહાયજ્ઞ યોજાયો, ત્યારે એમાં એક વ્યક્તિને નિમંત્રણ નહોતું મળ્યું અને એ હતા શિવ. શિવ એ કલ્યાણનું પ્રતીક છે. કલ્યાણના દેવ છે. યજ્ઞ એ સર્જન કરે એને બદલે આપણે જાણીએ છીએ કે દક્ષયજ્ઞમાં માનવસંહાર થયો. એમ આજે દક્ષ-દક્ષતા – skill Technology – નો એક મહાયજ્ઞ આરંભાયો છે. પણ આપણે એક વસ્તુ ચૂકી ગયા છીએ અને તે છે માણસજાતના કલ્યાણને માટે નિમંત્રણ આપવાનું. આને પરિણામે સમગ્ર માનવજાત ભયના ઓથાર હેઠળ જીવે છે.

અમેરિકામાં આતંકવાદથી ધ્વંસ પામેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરને આજે ‘ઝીરો ગ્રાઉન્ડ’ તરીકે ઓળખવામાં આવે છે. એની નજીક આવેલા યુનાઇટેડ નૅશન્સના ચેપલમાં 2002ની 25મી એપ્રિલે જુદા જુદા ધર્મના વિચારકો, ચિંતકો અને ધર્મોપદેશોની વચ્ચે ‘A Journey of Alisha’એ વિષય ૫૨ મારું વક્તવ્ય હતું. ત્યારે એક મહાનુભાવે મને કહ્યું, કહ્યું, ‘ડૉ. દેસાઈ, મને બહુ ચિંતા થાય છે.’

મેં પૂછ્યું, ‘શેની ?’

તેમણે કહ્યું, ‘સ્વિચની ચિંતા થાય છે. ભગવાનને રોજ પ્રાર્થના કરું છું કે હે પ્રભુ ! આ સ્વિચ કોઈ ન કરે એ જોજો.’

મેં કહ્યું, ‘તમે કોઈ ઇલેક્ટ્રિશિયનના વિષયમાં છો ? આપ તો પાદરી જેવા લાગો છો.’

તેમણે કહ્યું, ‘હા, હું પાદરી છું, પણ હું જાણું છું કે જો આ માણસ અમેરિકાના પ્રમુખ – એક સ્વિચ ‘ઑફ’ની ‘ઑન’ કરી દેશે તો આ ધરતી પરની પા ભાગની મનુષ્યજાતિનું અસ્તિત્વ નષ્ટ થઈ જશે.’

આ માનવજાતે 1945ની છઠ્ઠી ઑગસ્ટે ‘લિટલ બૉય’ નામનો રૂપકડું નામ ધરાવતો અણુબૉમ્બ ફેંક્યો અને નવમી ઑગસ્ટે નાગાસાકી પર બૉમ્બ નાખ્યો. ચાલીસ હજાર નિર્દોષ માનવીઓનો ભોગ લેવાયો. અહીં રચેલા સ્મારક પર લખ્યું કે માનવજાત ફરી કદી બૉમ્બ ફેંકવાની મૂર્ખાઈ નહિ કરે. અને આપણે જાણીએ છીએ કે આજ સુધી સેંકડો વખત બૉમ્બ ફેંકવાની મૂર્ખાઈ કરી છે. ભસ્માસુરને સર્જનારી માનવજાત ભસ્માસુરથી ભસ્મ થાય, તેવી કટોકટી આવીને ઊભી છે. માણસ પોતે વિચારવા લાગ્યો કે હવે આ ધરતી પર જેને Rape of Planet કહેવામાં આવે છે, આ ધરતી ઉપર માણસજાતે જે બળાત્કાર કર્યો છે અને એને પરિણામે એણે કુદરતી સંપત્તિનો એવો વિનાશ કર્યો છે કે આજે કુદરતી આપત્તિ રૂપે એનું વળતર ચૂકવે છે.’

મેક્સિકોના પર્યાવરણવાદી હોમ્સ ઓડિજરની તો ફરિયાદ છે કે, ‘આપણે આ ગ્રહ ૫૨ જીવતા માસ્ટર પીસોને મારી નાખીએ છીએ અને આપણી જ લાઇફ સપોર્ટ સિસ્ટમનો નાશ કરીએ છીએ.’ વનમાંથી રણ તરફ ગતિ કરીએ છીએ. હિમાલયનું વૃક્ષો કાપીને મુંડન કરી નાખ્યું છે. કારખાનાંઓના ધુમાડાને કારણે હવે વરસાદમાં પાણીને બદલે ઍસિડ વરસશે.

દેશની આર્થિક અસમાનતા, વસ્તીવિસ્ફોટ અને પ્રદૂષણ પણ ભાવિને ધૂંધળું કરે. કદાચ તમે ધૂમ્રપાન ન કરતા હો તોપણ મુંબઈના હાજીઅલી વિસ્તાર જેવા વિસ્તારમાં નીકળવાનું થાય, તો લગભગ બે સિગારેટ જેટલો ધુમાડો તમારી અંદર જતો હોય છે. આજના માણસે આવતી પેઢીને યયાતિ સંસ્કૃતિ આપી છે. એ પૌરાણિક કથા કહે છે કે શુક્રાચાર્યના શાપથી વૃદ્ધ બનેલા યયાતિની ભોગવિલાસની ઇચ્છા અપૂર્ણ હોવાથી એને પુનઃ યૌવન પ્રાપ્ત કરવું હતું. એમના પુત્ર એમનું તારુણ્ય આપે તો જ યયાતિની વૃદ્ધાવસ્થા દૂર થાય તેમ હતી. યયાતિએ ચારે પુત્રોને એમનું તારુણ્ય આપીને એમની વૃદ્ધાવસ્થા લેવાનું કહ્યું. ત્રણે પુત્રોએ ના પાડી. સહુથી નાના પુત્ર પુરુએ પોતાનું તારુણ્ય આપ્યું અને પિતાની જરા પોતે લીધી. એ તારુણ્ય વડે યયાતિએ દેવયાની સાથે યથેચ્છ વિષયસુખ ભોગવ્યું એમ આપણા ગ્રંથો કહે છે. આજે યયાતિ યૌવનને ભોગવવા માટે અર્થાત્ પોતાનાં સુખોને માટે આવતી પેઢીને જરા આપી રહ્યો છે. આજે માનવી પોતાના સ્વાર્થ ખાતર આવતી પેઢીને વિનાશ આપી રહ્યો છે.

થોડાં વર્ષો પૂર્વે ભાગ્યે જ લોકો ઋતુની વાત કરતા. એમ કહેવાતું કે જો ઋતુની વાત તમારે સાંભળવી હોય તો ઇંગ્લૅન્ડ જવું, ભારતમાં નહીં. આજે આપણે ત્યાં પણ કહીએ છીએ કે ઋતુઓ કેવી અનિયમિત થઈ ગઈ છે ! કેવું બધું બદલાઈ ગયું છે ! પૃથ્વીનું વધતું તાપમાન કે ઓઝોન લેયરમાં થતા ફેરફારોથી ત્રાટકનારા ભયની બીક માનવજાતને માથે સવાર છે. આગામી પચાસ વર્ષમાં આ પૃથ્વી ૫૨ globle warning એટલું થશે કે માણસજાતનું જીવન અશક્ય બની જશે. અને ત્યારે એકવીસમી સદીના આ ચિત્રમાં માણસ ક્યાં ? ધર્મ ક્યાં ? અને અધ્યાત્મ ક્યાં ?

ધર્મની પરંપરાને વિવેક દૃષ્ટિએ જોવી જોઈએ. ક્યારેક ધર્મના મૂળભૂત સિદ્ધાંતો અને એના વ્યાવહારિક રૂપમાં ઘણો ભેદ જોવા મળે છે. આ અંગે મને એક દૃષ્ટાંતનું સ્મરણ થાય છે. એકાએક દારુણ યુદ્ધ ફાટી નીકળ્યું અને આકાશમાં ચોમેર બૉમ્બ ઝીંકનારાં વિમાનો ચકરાવા લેવા લાગ્યાં. ભૂમિ ૫૨ માણસો, પશુઓ અને પક્ષીઓ બૉમ્બના સર્વનાશથી બચવા માટે જીવ હથેળીમાં લઈને નાસતાં હતાં, ત્યારે એક દીવાલ પર બે બેફિકરાં ગીધ કશાય ઉચાટ કે ચિંતા વગર બેઠાં હતાં.

નિરાંતે વાતો કરતાં આ ગીધ પર એક પક્ષીની નજર પડી અને એણે ઉતાવળે ગીધ પાસે જઈને ધમણિયા શ્વાસે કહ્યું :

‘અરે, ચાલો ભાગી છૂટો. યુદ્ધ ફાટી નીકળ્યું છે. માનવ દાનવ બનીને એકબીજાનાં લોહી માટે તરસ્યો બન્યો છે. માનવીઓની લડાઈમાં વિના કારણે આપણે ખુવાર થઈ જઈશું. ચાલો નાસો. હજીયે ઊગરી જવાની તક છે.’

પક્ષીની આ વાત સાંભળીને પેલાં વૃદ્ધ અને અનુભવી ગીધ ખડખડાટ હસી પડ્યાં અને ઠાવકા અવાજે બોલ્યાં, ‘અરે, દયાવાન, માનવીની લડાઈ એ અમારે માટે તો સ્વાદિષ્ટ મીઠાઈ છે. આવું યુદ્ધ થાય એ તો અમારે માટે સોનેરી અવસર. માનવીનું યુદ્ધ અને તેનું મોત એટલે અમારે માટે મહેફિલ, મિજબાની અને જ્યાફતના દિવસો.’

બીજા વૃદ્ધ ગીધે ચીપી-ચીપીને કહ્યું, ‘તેં અમારાં શાસ્ત્રો ક્યાંથી વાંચ્યાં હોય ? અમારાં શાસ્ત્રોમાં તો લખ્યું છે કે ગીધ પર કૃપા વરસાવવા માટે જ ઈશ્વર માનવીને યુદ્ધમાં ધકેલે છે. યુદ્ધ અને માનવીનો મેળ ઈશ્વર ગીધને માટે જ સર્જે છે.’

વર્ષોના અનુભવી ગીધને ભાગી નીકળવાની સલાહ આપનાર વીલા મોઢે પાછો ફર્યો. બંને ગીધ યુદ્ધની મોજ માણવા પાંખો ફેલાવીને આકાશમાં અહીંતહીં આનંદભેર ઘૂમવા લાગ્યાં. જમીન પર બેસીને મીઠા ભોજનનાં સ્વપ્નાં સેવવા લાગ્યાં. પરંતુ એવામાં જ બૉમ્બ પડ્યો અને એના અવશેષ પણ શેષ ન રહ્યા. પરિવર્તનને પારખી નહીં શકનાર અને ભવિષ્યને ઓળખી નહીં શકનારની સ્થિતિ પેલા ગીધ જેવી થાય છે. જે માત્ર ભૂતકાળના દોર પર ચાલે છે તે વર્તમાનમાં વિસંવાદ જ સર્જે છે. થયેલા પરિવર્તનને ઓળખવા માટે સતત ગતિશીલ દૃષ્ટિ જોઈએ. ભવિષ્યનો વિચાર નહીં કરનારી દૃષ્ટિ વર્તનમાનમાં સ્થિતિસ્થાપક રહે છે.

તા. 14-12-2023

આકાશની ઓળખ

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑