માતાનું વહાલ અને દાસત્વમાંથી મુક્તિ

જૈન ધર્મનો ઇતિહાસ અનેક સાધ્વીજી મહારાજની આત્માની આરાધનાથી ઊજળો છે, પણ આપણે એ સાધ્વીજીની જીવનકથાથી અજ્ઞાત હોવાને કારણે એ મહાન સાધ્વીઓનાં ચરિત્રોને ભાગ્યે જ સમાજ જાણે છે, ત્યારે આજે ભગવાન મહાવીરના સમયની બે સાધ્વીઓ – જેમાં એક છે એમનાં માતા એવાં દેવાનંદા અને બીજાં છે ભગવાન મહાવીરનાં પ્રથમ શિષ્યા અને શ્રમણી સંઘનાં પ્રવર્તિની સાધ્વી ચંદનબાળા. એમનાં ચરિત્રોમાંથી કયો ભાવ પ્રગટ થાય છે તે જોઈએ.

શતાબ્દીઓ વીતી ગઈ હોવા છતાં આજે પણ ચંદનબાળાનું ચરિત્ર પ્રેરણાની દીવાદાંડીરૂપ છે. જૈન ઇતિહાસની સોળ મુખ્ય સતીઓમાં મહાસતી ચંદનબાળા આગવું સ્થાન ધરાવે છે. ચંદનબાળા જ્ઞાનવતી, ગુણવતી અને તપસ્વિની તો હતી જ, પરંતુ દીક્ષા ગ્રહણ કર્યા પછી ભગવાન મહાવીર દ્વારા પ્રવર્તિત સાધ્વી-સંઘની પ્રથમ સાધ્વી બની અને ૩૬૦૦૦ સાધ્વીઓના સંઘની સાધ્વીપ્રમુખા બની.

ચંપાનરેશ મહારાજ દધિવાહન અને મહારાણી ધારિણીની પુત્રી વસુમતી એટલે કે ચંદનબાળા એમનાં માતા પાસેથી ત્યાગ, સહિષ્ણુતા અને ધર્મનિષ્ઠાની ઉચ્ચ ભાવનાઓ પામ્યાં હતાં. માતા ધારિણી ખુદ ઉચ્ચ કોટિની વિદુષી, વિચારક અને ધર્મનિષ્ઠ સન્નારી હતી. બાળપણના સંસ્કારોને પરિણામે આત્મકલ્યાણ માટે આતુર રાજકુમારી વસુમતીએ અવિવાહિત રહેવાનો નિર્ણય કર્યો. વસુમતીના ઉચ્ચાશયોને જાણતાં માતા-પિતાએ પુત્રીને એના વ્રતમાં દૃઢ રહેવાની સહર્ષ અનુમતિ આપી. કૌશાંબીના રાજા શતાનીકે આક્રમણ કર્યું અને ચંદનબાળાને દાસી રૂપે વેચવામાં આવી. આ સમયે ધનવાહ શેઠે ચંદનબાળાને સમુચિત મૂલ્ય આપીને વેશ્યાના હાથમાં જતી બચાવી લીધી. ચંદનબાળાનું અનુપમ સૌંદર્ય, નિષ્ઠાપૂર્ણ સેવા અને સાહજિક વિનય એવાં હતાં કે કોઈ પણ એને આદર આપે, પરંતુ પુરુષ તરફથી મળતો આવો આદર વિધિની વિચિત્રતાને કારણે દ્વેષનું કારણ બન્યો. ધનવાહ શેઠ પુત્રીની પેઠે ચંદનબાળાને રાખતા હતા.

એક વાર બહારગામ ગયેલા ધનવાહ શેઠ પાછા આવ્યા ત્યારે એમના પગ ધોવડાવવા જતાં ચંદનબાળાનો ચોટલો પડી ગયો. મેલા પાણીમાં પડતી દાસી ચંદનાના વાળની લટને અટકાવવા એને પકડીને ધનવાહ શેઠે ઊંચી કરી. આ સમયે ધનવાહ શેઠની પત્ની મૂલા શેઠાણીએ આ દૃશ્ય નિહાળ્યું અને એના હૃદયમાં ઈર્ષાની આગ ભભૂકી ઊઠી. ધનવાહ શેઠ બહારગામ ગયા ત્યારે મૂલા શેઠાણીએ ચંદનાનું માથું મૂંડાવી નાખ્યું. એના પગમાં બેડીઓ નાખી અને એને ભોંયરામાં ધકેલી દીધી. ત્રણ દિવસ સુધી એ ભૂખી-તરસી રહી. ધનવાહ શેઠ પાછા આવ્યા. એમને સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવતાં એમણે તત્કાળ લુહારને બોલાવવાનો વિચાર કર્યો. આ સમયે સૂપડામાં ઢોરને ખવડાવવા માટે અડદના બાકળા રાખ્યા હતા તે ભૂખી ચંદનાને ખાવા આપ્યા.

ભગવાન મહાવીર આ કૌશાંબી નગરીમાં આવ્યા પછી ઘોર અભિગ્રહ કર્યો હતો. પહેલો દ્રવ્યથી એવો અભિગ્રહ હતો કે આહાર રૂપે અડદ-બાકળા સ્વીકા૨વા અને તે પણ સૂપડાના ખૂણામાં હોય તો જ ગ્રહણ કરવા. ક્ષેત્રથી એવો અભિગ્રહ હતો કે જેનો એક પગ ઉંબરાની અંદર અને એક પગ ઉંબરાની બહાર હોય તેની પાસેથી તે સ્વીકારવા. કાળથી એવો અભિગ્રહ હતો કે ભિક્ષા લેનારાઓનો સમય અર્થાત્ બપોરના ભોજનનો સમય પસાર થઈ ગયા બાદ મળે તો સ્વીકારવું. વળી ભાવથી એવો અભિગ્રહ હતો કે એ કોઈ રાજકુમારી હોય અને વળી તે દાસત્વને પામેલી હોય ! એના પગમાં બેડી હોય, માથું મુંડાવેલું હોય, આંખમાં આંસુ હોય, અઠ્ઠમ તપ કર્યું હોય અને વળી એ પવિત્ર સતી સ્ત્રી હોય. આવી સ્ત્રી વહોરાવે તો જ વહોરવું. પાંચ મહિના અને પચીસ દિવસ બાદ ભગવાન મહાવીર ચંદનબાળા પાસેથી ભિક્ષા લે છે. સહુને સચ્ચાઈનો ખ્યાલ આવે છે. એની હાથકડી અને પગની બેડીઓ તૂટી જાય છે. પહેલાં જેવી સુંદર કેશરાશિ થઈ જાય છે. ભગવાને જેવી ભિક્ષા ગ્રહણ કરી કે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. રાજા શતાનીક અને મૂલા શેઠાણીએ પોતાનાં દુષ્કૃત્યો માટે ક્ષમા માગી.

ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળ્યા પછી દીક્ષિત બનેલી ચંદનબાળા ભગવાનની પ્રથમ શિષ્યા અને શ્રમણી સંઘની પ્રવર્તિની બની. માનવજાતિને યોગ્ય પથ દર્શાવતી ચંદનબાળાએ દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ કરી.

સાધ્વી દેવાનંદા

સાધ્વી દેવાનંદાના ચરિત્રમાં એક બાજુ દુષ્કર્મનું ફળ અને કર્મની ગતિ જોવા મળે છે, તો બીજી બાજુ માતાનું અનુપમ વાત્સલ્ય અને વૈરાગ્યની ઉદાત્ત ભાવના માર્મિક રીતે પ્રગટ થાય છે. ભગવાન મહાવીરનો ચૌદમો ચાતુર્માસ બ્રાહ્મણકુંડની નજીક આવેલા બહુસાલ ઉદ્યાનમાં હતો. ભગવાન મહાવીરના આગમનના સમાચાર સાંભળીને બ્રાહ્મણકુંડ ગામનો પ્રતિષ્ઠિત નાગરિક કોડાલગોત્રીય બ્રાહ્મણ ઋષભદત્ત અને એમની પત્ની દેવાનંદા રથમાં બેસીને બહુસાલ ઉદ્યાનમાં આવ્યાં હતાં. એમણે વિધિપૂર્વક વંદન કરીને ભગવાનની દેશનાનું શ્રવણ કર્યું. આ સમયે દેવાનંદા ભગવાન મહાવીર સામે એકીટશે નીરખી રહ્યાં હતાં. એમનો અસીમ આનંદ એમની કાયાના કચોળામાં સમાતો નહોતો. એમના દેહની રોમરાજિ પુલકિત બની ઊઠી હતી. ચાતક ચંદ્રને નીરખી રહે એમ ભગવાન મહાવીરને નિહાળતાં દેવાનંદાનું માતૃવાત્સલ્ય ઊભરાતાં એમના ઉરમાંથી દૂધની ધારા વહી નીકળી.

આ દશ્ય નિહાળી રહેલા જ્ઞાની ગૌતમને અપાર આશ્ચર્ય થયું. એમણે ઉત્સુકતાથી ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો, “ભગવાન ! આ બ્રાહ્મણ નારી દેવાનંદાનું શરીર આપના દર્શનને કારણે આટલું બધું પુલકિત કેમ થઈ ગયું ? એની આંખોમાંથી હર્ષનાં આંસુ અને ઉરમાંથી દૂધની ધારા કેમ વહી નીકળ્યાં ?’

ભગવાન મહાવીરે ઉત્તર આપ્યો, “ગૌતમ ! દેવાનંદા મારી માતા છે. હું એનો પુત્ર છું. દેવાનંદાના શરીરમાં જે ભાવ પ્રગટ થયો તેનું કારણ મારા તરફનો પુત્રસ્નેહ છે.”

શા માટે પ્રભુ મહાવી૨ દેવાનંદાના પુત્ર બનવાને બદલે ત્રિશલાનંદન બન્યા ? પૂર્વજન્મમાં દેવાનંદા અને ત્રિશલા દેરાણી-જેઠાણી હતાં. એક વાર જેઠાણીએ દેરાણીના રત્નજડિત અલંકારોની પેટી છુપાવી દીધી હતી. આને પરિણામે ત્રિશલાના પૂર્વજન્મમાં રહેલો દેરાણીનો આત્મા અપાર સંતાપ પામ્યો હતો. જેઠાણીએ જ આભૂષણોની પેટી સંતાડી દીધી છે એવી ખાતરી હોવા છતાં દેરાણીની વિનંતીને એણે ઠુકરાવી દીધી. આ દુષ્કર્મને કારણે ઉગ્ર લાભાંતરાય કર્મનું ઉપાર્જન થયું. પૂર્વે જેઠાણી તરીકે કરેલા અશુભ કર્મનો બદલો વાળવો પડયો. જગતના ઉદ્ધારક એવા પરમાત્મા મહાવીરના ગર્ભને ૮૨ દિવસ બાદ ગુમાવવાની ઘટના બની.

હકીકતમાં પ્રાણતકલ્પ દેવલોકમાંથી ભગવાન મહાવીરનો જીવ અવીને દેવાનંદાની કુક્ષિમાં અષાઢ સુદ ૬ના દિવસે ગર્ભરૂપે ઉત્પન્ન થયો. દેવાનંદાએ ચૌદ સ્વપ્નો જોયાં. એના પતિ ઋષભદત્ત બ્રાહ્મણે કહ્યું કે આ સ્વપ્નનો મર્મ એ છે કે એની કૂખે સર્વગુણસંપન્ન મહાપ્રભાવશાળી પુત્રરત્નનો જન્મ થશે. આનંદવિભોર બનેલી દેવાનંદાના શરીરની કાંતિ અને લાવણ્ય વધુ ને વધુ તેજ ધારણ કરતાં ગયાં. 82 દિવસ બાદ દેવાનંદાએ પૂર્વે જોયેલા સ્વપ્નને કોઈ ચોરી જતું હોય તેવો અનુભવ કર્યો.

વાસ્તવમાં ભગવાન મહાવીરનો ગર્ભ દેવાનંદાની કુક્ષિમાં આવ્યો હતો. મરીચિના ત્રીજા ભવમાં કરેલા કુળાભિમાનને કારણે આવું બન્યું હતું. દેવરાજ ઇન્દ્રે આ ઘટના જોઈ. એમણે હિરણેગમૈષી દેવને બોલાવ્યા અને કહ્યું કે તમારે તમારી શક્તિથી અસાધ્ય એવું કાર્ય કરવાનું છે. દેવાનંદાની કુક્ષિનો ગર્ભ ત્રિશલાની કૂખમાં મૂકવાનો છે અને ત્રિશલાનો ગર્ભ દેવાનંદાના ઉદરમાં મૂકવાનો છે. આ ગર્ભપરિવર્તન એવી રીતે થવું જોઈએ કે બંને માતાઓને લેશમાત્ર પીડા કે વેદના ન થાય. દેવરાજ ઇન્દ્રની આજ્ઞા પ્રમાણે હિરણેગમૈષી દેવે ગર્ભપરિવર્તન કર્યું.

પોતાના પૂર્વજન્મની આ કરુણ ઘટનાઓ જાણતાં દેવાનંદાને વૈરાગ્ય ઉત્પન્ન થયો. ઋષભદત્ત અને દેવાનંદા બ્રાહ્મણ હોવા છતાં જીવ-અજીવ, પુણ્ય-પાપ આદિ તત્ત્વોનાં જાણકાર અને પાર્શ્વનાથ પરંપરામાં શ્રદ્ધા ધરાવનારા શ્રમણોપાસક હતા. ભગવાન મહાવીરે એમની માતા દેવાનંદા અને પિતા ઋષભદત્તને ઉપદેશ આપ્યો અને બન્નેની દીક્ષાની ભાવના જોઈ એમને સાધુતાના પંથે વાળ્યા. દેવાનંદાએ સાધ્વી ચંદનબાળાની નિશ્રામાં રહીને સંયમધર્મની આરાધના કરી. અગિયાર અંગોનું અધ્યયન કર્યું. વર્ષો સુધી તપ કરીને અને વ્રતપાલન કરીને એણે કર્મક્ષય કર્યો અને મોક્ષની પ્રાપ્તિ કરી. જૈન આગમ ‘ભગવતી સૂત્ર’માં આલેખાયેલી ઋષભદત્ત અને દેવાનંદાની જીવનકથામાં માનવજીવનના સ્થૂળથી માંડીને સૂક્ષ્મ આધ્યાત્મિક ભાવો સુધીની ઘટના જોવા મળે છે.

તા. 23-11-2023

આકાશની ઓળખ

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑