એ કેવી વ્યથાભરી વિડંબના કહેવાય કે જે રાજગૃહી નગરીની બહાર આવેલા ઉદ્યાનમાં ભગવાન મહાવીરે 14 વખત ચાતુર્માસ ગાળ્યાં હતાં અને એ રાજગૃહી નગરીની વૈભારગિરિની તળેટીમાં રચાયેલા સમવસરણમાં ભગવાન મહાવીરની માલકોશ રાગમાં સર્વ કલ્યાણકારી ઉપદેશધારા વહી હતી, એ પ્રદેશમાં વર્તમાન સમયે ચોતરફ પ્રાણીઓનો નિર્દયતાથી શિકાર થતો હતો. કારમી ગરીબી અને ભૂખમરાથી લોકો બેહાલ હતા. અધૂરામાં પૂરું અજ્ઞાનનો અંધકાર એ પ્રદેશનાં લોકોને ઘેરી વળ્યો હતો. કાળના વારાફેરા અને ઇતિહાસનાં પરિવર્તનોએ આ પાવન અને અહિંસક ભૂમિને ભેંકાર અને ભયાવહ બનાવી દીધી હતી.
આ સમયે ક્રાંતદ્રષ્ટા ઉપાધ્યાયશ્રી અમરમુનિજીની આ પ્રદેશ પુનઃ પ્રભુ મહાવીરની અહિંસાની ભૂમિ બને તેવી ભાવનાને એમના શિષ્યા મહાસતીજી ચંદનાજીએ સાકાર કરવાનું બીડું ઝડપ્યું અને એમણે આ વિચારના પ્રસારનો પ્રારંભ કૉલકાતામાં આવેલા ‘વીરાયતન બાલિકા સંઘથી કર્યો. નારીશક્તિના દૃઢ વિશ્વાસનું આ સૂચક હતું. એ પછી ધીરે ધીરે વીરાયતનના જનસમૂહ સાથે પોતાની ભાવનાનો તાર જોડતા ગયા. એમણે જોયું કે આ પ્રદેશમાં સૌથી વધુ લોકો નેત્રરોગથી પીડિત છે. આંખોની સારવારના અભાવે એમને અંધાપો આવે છે. આવે સમયે આધ્યાત્મિક અજવાળાંનો ઉપદેશ આપવાને બદલે એમણે ગરીબ અને નિઃસહાય લોકોની આંખોનાં અજવાળાંનો વિચાર કર્યો. એમના મનમાં ‘શ્રી સ્થાનાંગસૂત્ર’ નામના આગમના આઠમા અધ્યાયના એ સૂત્રનું સ્મરણ ચાલતું હતું. ‘પિત્તળસ મિતાણ વેચાવવ્યરળયા! પ્રભુત્તુયવં મતિ ।’‘રોગીઓની સેવા માટે સદા તત્પર રહેવું જોઈએ’ અને 1974ની શરદપૂર્ણિમાએ 250 જેટલાં આંખોની બીમારી ધરાવનારાઓની નિઃશુલ્ક ચિકિત્સા કરી અને મોતિયાનાં ઑપરેશન કર્યાં.
એક સમયે એમનો વિરોધ કરનારી આદિવાસી પ્રજામાં ધીરે ધીરે મહાસતી ચંદનાશ્રીજીની સેવાભાવનાના સ્પર્શે સદ્ભાવના જગાડી. પોતાના ગુરુ અને જીવનદર્શન આપનાર ઉપાધ્યાયશ્રી અમરમુનિજીના 80મા જન્મદિવસે ‘શ્રી બ્રાહ્મી કલામંદિર’ નામના જૈન ધર્મના બોધક પ્રસંગોનું મ્યુઝિયમ ઊભું કર્યું. આ બ્રાહ્મી નામાભિધાનમાં પણ એક સંકેત રહેલો છે. બ્રાહ્મી એ ભગવાન ઋષભદેવની પુત્રી હતી અને ૧૪ ભાષાની જાણકાર હતી. એણે રચેલી બ્રાહ્મી લિપિ વિશ્વની પ્રાચીન લિપિઓમાંની એક છે.
નેત્રચિકિત્સાના કાર્યને સ્થાયી રૂપ આપવા માટે ‘નેત્રજ્યોતિ સેવા મંદિર’ની સ્થાપના કરી અને ધીરે ધીરે આસપાસના લોકોની શ્રદ્ધા જાગતાં તેઓ એમના પૂજ્ય ગુરુમાતા શ્રી સુમતિ કુંવરજી મહારાજનાં વ્યાખ્યાનોમાં આવવા લાગ્યા અને એને પરિણામે હજારો લોકોએ શરાબ, શિકાર અને માંસાહારનો ત્યાગ કર્યો. 1987ની 26મી જાન્યુઆરીએ એક વિશિષ્ટ ઘટના એ બની કે ઉપાધ્યાય મુનિશ્રી અમરમુનિજીએ સાધ્વીજી ચંદનાજીને આચાર્યપદથી અલંકૃત કર્યાં. અગાઉ માત્ર સાધુઓ સુધી જે પદ સીમિત હતું, તે પદ એક સાધ્વીને આપીને નારીશક્તિનું મહિમાગાન થયું. એ પછી તો આચાર્યાશ્રી ચંદનાશ્રીએ વિદેશની ધરતી પર જઈને ભારતીયોને આહ્વાન કર્યું,
‘તમારી માતૃભૂમિની સંસ્કૃતિ અને સંસ્કારોને ઉત્તમ વ્યવહાર દ્વારા વિદેશમાં સર્વત્ર ફેલાવો અને અહીંની ટૅક્નૉલૉજી અને સંપન્નતાથી તમારા દેશની સેવા કરો.’
ધીરે ધીરે અનેક દેશોમાં વિરાયતનની વિદ્યાપીઠની સ્થાપના થઈ અને તેના દ્વારા સંસ્કૃતિ અને સ્વાધ્યાયનાં કાર્યો શરૂ કર્યાં. એમના કાર્યનો મુખ્ય મંત્ર છે : શિક્ષા, સેવા અને સાધના. શિક્ષાથી બૌદ્ધિક તાકાત આવે અને એમાં પણ એમણે મૂલ્યલક્ષી શિક્ષણ ઉમેરીને શિક્ષણના નવા આયામો સર્જ્યા. સેવાથી પરમાર્થવૃત્તિ જાગે અને સાધનાથી ભીતરનું આત્મબળ કેળવાય. આ ત્રણ સિદ્ધાંતોને લઈને વીરાયતનનું બીજ ધીરે ધીરે વૃક્ષ અને પછી વટવૃક્ષ બની ગયું.
આજે તો નેપાળ, અમેરિકા, ઇંગ્લૅન્ડ, કૅનેડા, થાઇલૅન્ડ, કોરિયા જેવા વીસ દેશોમાં વીરાયતનના સાધ્વીસંઘ દ્વારા રચનાત્મક કાર્યો ચાલે છે. સેવા દ્વારા માનવ-કરુણાનું કામ કરે છે, શિક્ષા દ્વારા જીવનઉત્થાન સાધે છે અને સાધના દ્વારા આધ્યાત્મિક પ્રગતિના પંથે દોરી જાય છે. આ સંસ્થાએ સહુને વ્યસનમુક્તિ, રોગચિકિત્સા અને શુદ્ધ શાકાહારી જીવનના સંસ્કાર આપ્યા છે. આચાર્યાશ્રી ચંદનાજી(તાઈ મા)નાં ચિત્તમાં ગાંધીજીનાં એ વાક્યો હતાં કે, ‘સાચી શિક્ષા એ છે કે જેના દ્વારા આપણે આપણી જાતને, આપણા આત્માને, આપણા ઈશ્વરને અને સત્યને ઓળખી શકીએ છીએ’ અને એ રીતે શ્રી તાઈ માએ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનાં સમગ્ર વિકાસને લક્ષમાં રાખીને શિક્ષણ દ્વારા તેજસ્વી અને આત્મનિર્ભર સમાજરચનાનું કાર્ય કર્યું.
ધર્મને માત્ર ઉપદેશ ગ્રંથોમાં કે વાણીમાં સીમિત કરવાને બદલે જ્યારે જ્યારે માનવજીવન ૫૨ પ્રાકૃતિક મુશ્કેલીઓ આવી, ત્યારે એમણે માનવતાનો સાદ સાંભળીને દૃષ્ટાંતરૂપ રાહતકાર્યો કર્યાં છે. એ જોઈને ‘શ્રીમદ્ ભગવદગીતા’માં શ્રીકૃષ્ણના મુખેથી ઉચ્ચારાયેલા શ્લોકનું સહુને સ્મરણ થયું.
‘ન ત્વહં કામયે રાજ્યું, ના સ્વર્ગ, ના પુનર્ભવમ્
કામયે દુ:ખ તપ્તાનામ્, પ્રાણીનામ્ આર્તિનાશનમ્.’
શ્રી તાઈ માએ કચ્છમાં કરેલું સેવાકાર્ય એ તો સર્વથા વિશિષ્ટ ગણાય. 2001ના ભીષણ ધરતીકંપ સમયે આ સંસ્થાએ રાહતકાર્ય કર્યું, પણ માત્ર ભોજન કે આવાસ આપીને પોતાના કાર્યની ઇતિશ્રી માની નહીં. એણે કચ્છમાં એક વિશાળ શિક્ષણ સંકુલનું સર્જન કર્યું, જે શિક્ષણ સંકુલે માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ સેવાકાર્યો પણ કર્યાં. કચ્છના જખનિયા અને રુદ્રાણી ગામમાં પહેલી વાર શિક્ષણનો પ્રકાશ વેર્યો, તો દૂરનાં ગામડાંઓમાંથી આવતા વિદ્યાર્થીઓને માટે હૉસ્ટેલનું આયોજન કર્યું. જુદાં જુદાં ૩૬ જેટલાં વ્યવસાયી કોર્સ દ્વારા કચ્છના 12,000 જેટલા લોકોને સ્વ-નિર્ભર બનાવ્યા. ધરતીકંપ વેળાએ તો દસ હજારથી વધુ બાળકોને સમાવતી સ્કૂલો ઊભી કરી હતી, પરંતુ ધરતીકંપ પછી એનું કાર્ય વધુ ને વધુ વિસ્તૃત બનતું ગયું અને આજે કચ્છમાં ફાર્મસી, એન્જિનિયરિંગ, કમ્પ્યૂટર ઍપ્લિકેશન વગેરે અભ્યાસક્રમો શીખવતી કૉલેજો પણ સર્જાઈ છે. આ સઘળા કાર્યની વિગત જૈન ધર્મના જ્ઞાતા શ્રી બિપિન દોશીએ આપી, ત્યારે આશ્ચર્ય સાથે અહોભાવનો અનુભવ થયો.
તાજેતરમાં વીરાયતનની સુવર્ણજયંતીએ એના સેવા, શિક્ષણ અને સાધનાનાં આ સુવર્ણકાર્યો તો અંકિત થયાં અને વિશેષ તો એ કે માત્ર રાજગૃહી નગરીના વીરાયતનને સર્વદેશીય આકાશ આપ્યું છે. દેશ અને વિદેશમાં કેટલાય વીરાયતન અર્થાત્ ભગવાન મહાવીરની ભાવના અને ઉપદેશને વ્યાપક સંદર્ભમાં વ્યક્ત કરતાં પવિત્ર સ્થળો ઊભાં કર્યાં. એમાં કોઈ જ્ઞાતિ, ધર્મ કે સંપ્રદાય નથી. એમાં કોઈ બાકાત નથી. મહાવીરના સિદ્ધાંતો સહુ કોઈને માટે, તો પછી આ વીરાયતન સર્વ જનને માટે હોય તે સ્વાભાવિક છે અને એ રીતે વીરાયતન દ્વારા સર્વજનની સર્વાંગી ઉન્નતિની તાઈ માની ભાવના વિશ્વભરમાં કરુણા, સેવા અને અનુકંપા રૂપે વહી રહી છે.
શ્રી તાઈ માનાં સમગ્ર જીવનકાર્યને જોતાં ગુજરાતી સાહિત્યના આદિકવિ શ્રી નરસિંહ મહેતાએ લખેલી એવી મહાત્મા ગાંધીજીને અતિ પ્રિય એવા ભજનની પંક્તિઓ યાદ આવે છે,
‘વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે
પર દુઃખે ઉપકાર કરે, તોય મન અભિમાન ન આણે રે.’ એવાં સાચાં વૈષ્ણવજન તાઈ માના જીવનકાર્યથી સમજાશે કે ‘લાઇફ’માં સેવા મૂકો એટલે ‘ડિવાઇન લાઇફ’ પ્રાપ્ત થાય છે.
બાળપણમાં ચંદ્રમાના પ્રકાશે ચાલનારી શકુંતલામાંથી મળેલા શ્રી તાઈ માના શીતળ ચાંદની સમા વ્યક્તિત્વનો મધુર પરિચય કરીએ ત્યારે એમાંથી વીર(પ્રભુ મહાવીર)ના આયતન(પવિત્ર સ્થળ)માંથી વાત્સલ્યમયી માતા દ્વારા વહેતી વિશ્વવ્યાપી કરુણાનાં દર્શન થાય છે.
તા. 1-2-2024
આકાશની ઓળખ