સવાલ એ છે કે માનવજાત શસ્ત્રથી નાશ પામશે કે સ્વયંથી વિનાશ પામશે ? આજના વિશ્વ સમક્ષ ઊભેલી આ સમસ્યાની સ્થિતિ ભસ્માસુર જેવી છે. જેને સ્પર્શે એને ભસ્મીભૂત કરી દે એવું ભગવાન શંકર પાસેથી વરદાન મેળવનાર ભસ્માસુર વિષ્ણુના મોહિની રૂપને જોઈને નૃત્ય કરતા પોતાના માથે હાથ મૂકે છે અને સ્વયં ભસ્મીભૂત થઈ જાય છે. આજની મનુષ્યજાતિ પર્યાવરણની ઘોર ઉપેક્ષા કરીને સ્વયં ભસ્મીભૂત થવાના માર્ગે તો જઈ રહી નથી ને ?
કોઈ ભવિષ્યમાં આવનારા ‘ન્યૂક્લિયર વિન્ટર’નો ભય બતાવે છે, તો કોઈ ‘ગ્લોબલ વૉર્મિંગ’નો. આ ગ્લોબલ વૉર્મિંગને કારણે હિમપર્વતો છૂટા પડીને પાણીમાં ઓગળી રહ્યા છે અને સમય જતાં દરિયાકિનારા પર આવેલા કેટલાય ટાપુઓ પર જલપ્રલય આવશે. ક્યાં તો જગત ભયાનક દુષ્કાળથી ઘેરાઈ જશે અને ક્યાં તો શ્વાસ લેવા યોગ્ય હવા પણ માણસને નસીબ નહીં થાય. 2050 સુધીમાં તો જળસંકટ દુનિયાને એવું ઘેરી વળ્યું હશે કે ભારત, પાકિસ્તાન અને ચીનનાં લોકો પાણી વિના તરફડતા હશે. ધરતીનું તાપમાન વધી રહ્યું છે અને એને કારણે કેટલાય પ્રદેશના લોકો વિસ્થાપિત બની જાય એવી દહેશત છે.
આપણા દેશનાં મહાનગરમાં વસતો માનવી આજે શ્વાસમાં ફેફસાંનો રોગ લઈ રહ્યો છે, તો બીજી બાજુ દુનિયામાં વધતો પ્લાસ્ટિકનો કચરો જોખમી પ્રદૂષણ ઊભું કરે છે અને ધીરે ધીરે દરિયાઈ જીવસૃષ્ટિનો નિર્દયતાથી સંહાર કરે છે. વિશ્વપર્યાવરણ દિવસ ઊજવાય છે, પરંતુ આ વિશ્વમાં કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જે માત્ર એક દિવસની ઉજવણી ક૨વાને બદલે આખુંય વર્ષ અને સમગ્ર આયુષ્ય દરમિયાન એની ઉજવણી કરે છે અને પોતાનું જીવન જગતને વિનાશમાંથી ઉગારનારા પર્યાવરણ કાજે સમર્પિત કરે છે.
રાજસ્થાનનો દસમા ધોરણમાં અભ્યાસ કરતો આદિત્ય બેંગર એના કાકા સાથે ચીનના પ્રવાસે ગયો. એના કાકાનો હેતુ ભારતમાં નવી મૅન્યુફૅક્ચરિંગ ટૅક્નિક આયાત કરવાનો હતો. એમની આ વ્યવસાયી મુસાફરી દરમિયાન આદિત્યએ એક એવી ફૅક્ટરી જોઈ કે જેમાં કચરાને ફેબ્રિકમાં રૂપાંતરિત કરવામાં આવતો હતો. આ ટૅક્નિકનો એક વિશેષ લાભ એ હતો કે સ્થાનિક વિસ્તારના લોકોને પણ આને કારણે રોજગારી મળતી હતી. દસમા ધોરણમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીને આ કાપડના મેળામાંથી નવી ટૅક્નૉલૉજીનો ખ્યાલ આવ્યો અને એ પછી એનો વિશેષ અભ્યાસ કરતાં જણાયું કે ઘણી બધી વૈશ્વિક બ્રાન્ડ્સ પહેલેથી જ એનો ઉપયોગ કરે છે, માત્ર એટલું જ કે ભારતમાં એ ટૅક્નૉલૉજી આવી નહોતી.
દસમા ધોરણમાં ભણતા આદિત્યે આની વાત પોતાના પરિવારને કરી અને એનાં માતા-પિતા તથા કાકા આ છોકરાના સાહસને સહયોગ આપવા સંમત થયાં. કંપનીનું નામ શું રાખવું ? તો એણે રાખ્યું, ‘ટ્રેશ ટુ ટ્રેઝર’ કચરામાંથી કાંચનનું ઉત્પાદન. એક વિદેશી કંપની સાથે સહયોગ મેળવીને રાજસ્થાનના ભીલવાડામાં એણે આનું ઉત્પાદન એકમ સ્થાપ્યું અને ધીરે ધીરે એણે પ્લાસ્ટિકમાંથી ટકાઉ કાપડનું ઉત્પાદન શરૂ કર્યું. એમાંથી એણે પહેરવાલાયક અને અન્ય ઉત્પાદનો પણ બનાવવાનાં શરૂ કર્યાં.
આને માટે સ્થાનિક સ્રોતો અને આસપાસનાં ઘરોમાંથી કચરો એકઠો ક૨વામાં આવે છે અને આ પ્લાસ્ટિકના કચરામાંથી ભેળસેળયુક્ત પદાર્થો દૂર કરવાની સફાઈ પ્રક્રિયા બાદ એને બારીક પ્લાસ્ટિક ફિલામેન્ટમાં કાપવામાં આવે છે અને ઓગાળવામાં આવે છે, જે ફાઇબર બનાવવા માટે કપાસ સાથે મિશ્ર કરવામાં આવે છે. આદિત્યનો દાવો છે કે જાન્યુઆરી ૨૦૨૧થી તેમની કંપનીએ લગભગ દસ હજાર કિલોગ્રામ પ્લાસ્ટિકના કચરાને નાબૂદ કરવામાં મદદ કરી છે. અગાઉ આદિત્ય પ્રતિ કિલોગ્રામ 40 રૂપિયાના ભાવે કચરો ખરીદતો હતો, જે એને ખૂબ મોંઘો પડતો હતો. હવે, કંપનીએ પ્લાસ્ટિક કચરો જમા કરાવવા ઇચ્છતા સામાન્ય લોકો માટે પૉર્ટલ ખોલ્યું છે. આ કંપની કંચન ઇન્ડિયા લિમિટેડ માટે કાપડનું ઉત્પાદન કરે છે, જે તેનાં માતા-પિતા દ્વારા સંચાલિત ટૅક્સટાઇલ બિઝનેસ કંપની છે. આદિત્યનું સાહસ હવે પીઈટી-ગ્રેડ પ્લાસ્ટિકમાંથી ટકાઉ કાપડનું ઉત્પાદન કરે છે અને તેમાંથી પહે૨વાલાયક અને અન્ય ઉત્પાદનો બનાવી શકાય છે. 2019માં અહેવાલોનો અંદાજ છે કે ભારતભરમાં લૅન્ડફિલ્સમાં 3.3 મિલિયન મેટ્રિક ટનથી વધુ પ્લાસ્ટિકનો જથ્થો પડ્યો હતો. જોકે પર્યાવરણ પરનો બોજ ઘટાડવા માટે આદિત્ય બેંગરે ફેબ્રિક બનાવવા માટે પ્લાસ્ટિકની બૉટલ, રેપર અને કવરને રિસાઇકલ કરવાનું શરૂ કર્યું છે. આ પ્રક્રિયામાં એક કે બે દિવસનો સમય લાગે છે, પરંતુ ઉત્પાદિત ફેબ્રિક નિયમિત કપાસ કરતાં વધુ મજબૂત અને વધુ ટકાઉ હોય છે.
આજે દરરોજ દસ ટન પ્લાસ્ટિક રિસાઇકલ કરવાનો દાવો કરે છે. જોકે તે પ્લાસ્ટિકની ખરીદી મારી આસપાસના રહેવાસીઓને સીધી જ વિનંતી કરે છે. કચરો ઘટાડવાની સાથે તે ઉત્તમ ગુણવત્તાયુક્ત સામગ્રીનું ઉત્પાદન કરે છે અને રોજગારીનું સર્જન કરે છે.
આદિત્યની સાથે હવે એનો મોટો ભાઈ પણ આ સાહસમાં એની સાથે જોડાયો છે. જેથી આદિત્યનો અભ્યાસ ચાલુ રહે. નોંધપાત્ર વાત એ છે કે આજે પોતાના વ્યવસાય માટે અને સમાજને પ્રદૂષણમુક્ત કરવા માટે આદિત્યનો હેતુ શક્ય તેટલા વધુ લોકસમુદાય પાસેથી પ્લાસ્ટિક એકત્રિત કરવાનો છે. આજે સત્તર વર્ષનો આદિત્ય બેંગર ‘ટ્રેશ ટુ ટ્રેઝર’ કંપની દ્વારા દરરોજ પંદર ટન ફાઇબર બનાવવા માટે 10 ટન પ્લાસ્ટિક કચરો અને ૪થી ૫ ટન ઔદ્યોગિક કચરાનું રિસાઇકલ કરે છે.
આદિત્યએ આરંભમાં જમીન અને મશીનરી માટે અઢાર કરોડનું રોકાણ કર્યું હતું. જમીન સંપાદિત કરી અને મશીનરી ચીનથી મેળવી. અત્યારે એ બે પાળીમાં કામ કરે છે અને દરેક શિફ્ટમાં પાંસઠ કર્મચારીઓ હોય છે. ધીરે ધીરે એની કંપની જુદાં જુદાં શહેરોમાં પણ વિકાસ કરવા માગે છે, પરંતુ એ પહેલાં એ લોકોને સમજાવવા માગે છે કે તમે જેને કચરા રૂપે ફેંકી દો છો એવી પ્લાસ્ટિકની સામગ્રી અથવા તો બૉટલને રિસાઇકલ કરીને ‘નવજીવન’ આપી શકાય છે. એ કચરાને પૉલિએસ્ટર કાપડમાં પરિવર્તિત કરી શકાય છે. વળી આના ઉત્પાદનમાં વિશુદ્ધ પૉલિએસ્ટર કરતાં 60 ટકા ઓછી ઊર્જાની જરૂર પડે છે, જ્યારે ફૅક્ટરીમાં થતા પૉલિએસ્ટરની સરખામણીએ આ પૉલિએસ્ટર 40 ટકા જેટલું કાર્બન ઉત્સર્જન ઘટાડે છે. આ રીતે આર્થિક અને પર્યાવરણીય લાભો આના દ્વારા મેળવી રહ્યા છે અને ધીરે ધીરે લોકોને સમજાવે છે કે તમે જેને કચરાની બાસ્કેટમાં ફેંકી દો છો એમાંથી રિસાઇકલ કરીને ઘણું આપી શકો છો. જો આમ નહીં થશે તો આ બધા પ્લાસ્ટિકનો કચરો ધરતીના ઘણા ભાગો પર છવાઈ જશે અને એ સમુદ્રમાં જશે, ત્યારે જળસૃષ્ટિનો વિનાશ વેરશે.
આજે દુનિયામાં ચોતરફ એવો આક્ષેપ થાય છે કે આજની માનવજાત ‘પ્લાસ્ટિકના ઉકરડા’ સર્જી રહી છે, ત્યારે આદિત્ય બેંગરે એક નવો જ માર્ગ બતાવ્યો છે. એણે સમય અને પૈસા બંનેનો બચાવ થાય અને એની સાથોસાથ માનવજાતને ખતરારૂપ કચરાનો નિકાલ થાય એવાં બંને કાર્યો કર્યાં છે. આને પરિણામે આપણું પર્યાવરણ અને અર્થતંત્રને ફાયદો થશે અને કુદરતી ઇકોસિસ્ટમ જળવાશે.
આપણે એ જાણવું જોઈએ કે પ્લાસ્ટિકમાં શોષાતા ટૉક્સિક રસાયણોને લીધે આપણી તંદુરસ્તી માટે પણ જોખમ ઊભું થયું છે. આ રસાયણો અને પ્રદૂષકો આહારની શૃંખલામાં ભળવાના લીધે માનવીની વપરાશમાં ઉચ્ચ પ્રમાણમાં પ્રદૂષકોની માત્રા જોવા મળે છે. વિશ્વભરના પ્લાસ્ટિકના કચરાની સમસ્યા પ્રત્યે ધ્યાન આપવું એટલે માનવજાત સામેના આજના સૌથી મોટા પર્યાવરણીય પડકારોનો સામનો કરવો. આદિત્યએ પડકાર ઝીલી લઈને દુનિયાને બતાવી આપ્યું છે કે સમયની જરૂરિયાત પ્રમાણે માનવી ધારે તો માનવજાતને ઉપયોગી થાય તેવું શ્રેષ્ઠકાર્ય કરી શકે છે. આજે પ્રતિવર્ષ 80થી 100 મિલિયન ટન જેટલો પ્લાસ્ટિકનો કચરો આ ધરતી પર ખડકાય છે, ત્યારે સૌથી વધુ જરૂર ‘ટ્રેશ ટુ ટ્રેઝર’ એટલે કે કચરાને કંચન(સોનું)માં પરિવર્તિત કરી દેવાની છે.
તા. 11-6-2023
પારિજાતનો પરિસંવાદ