માત્ર સવા ત્રણ ઇંચ વરસાદ અને એકાદ ઝાપટાને કારણે ફક્ત ચાલીસ ઓવરની મૅચ ત્રણ-ત્રણ દિવસ ચાલે તે કેવું કહેવાય ?
આઈપીએલની ફાઇનલમાં પ્રેક્ષકોને ઊંચા જીવે મૅચ જોવા આવવું પડ્યું અને શું થશે એના કુતૂહલ સાથે ઉજાગરા વેઠવા પડ્યા. ક્રિકેટમૅચમાં આવતો આવો અવરોધ પરેશાન કરનારો હોય છે. મૅચના દિવસોનું હવામાન ક્રિકેટ-૨મતને અને એના પરિણામને ભારે પ્રભાવિત કરતું હોય છે. ક્યારેક વરસાદને કારણે, ક્યારેક ઝાંખા પ્રકાશને કારણે, તો ક્યારેક ઝંઝાવાતી પવનને કારણે ક્રિકેટની મેચો થોભાવવી પડી છે, પણ આજે અણધાર્યાં કારણોસર ક્રિકેટમૅચ અટકાવવી પડી હોય એવી રસપ્રદ ઘટના જોઈએ.
1958ના માર્ચ મહિનામાં દક્ષિણ આફ્રિકાના હોવિકમાં ખેલાયેલી એક મૅચ એકાએક અટકાવવી પડી. કારણ એ હતું કે ખેલાડીની પત્નીએ અરજન્ટ ફોન કર્યો અને ખેલાડીને તાત્કાલિક ફોન પર વાત કરવાનું કહ્યું હતું. એ ખેલાડી વિકેટ પર ખેલતો હતો, ત્યારે એને બોલાવવામાં આવ્યો અને એણે એની પત્નીનો ફોન લીધો, ત્યારે એણે પૂછ્યું કે ઘ૨માં તમે ક્યાં સાબુ મૂક્યો છે ? જે મને જડતો નથી’ છે ને વિચિત્ર કારણ !
1956ની 19મી જુલાઈએ ક્રિકેટના કાશી સમાન લૉર્ડ્સના મેદાન ૫૨ મિડલસેક્સ અને હેમ્પશાયર વચ્ચે મૅચ ખેલાતી હતી, ત્યારે એકાએક અમ્પાયરે મૅચ થોભાવી દીધી. બૅટ્સમૅને ફરિયાદ કરી કે, ‘પેવેલિયનમાં જે લાઇટ છે તેની ચમક(ગ્લેર) એની આંખોમાં આવે છે અને એથી એને ખેલવામાં મુશ્કેલી પડે છે.’
અમ્પાયર પેવેલિયન તરફ ગયા અને સંચાલકોને કહ્યું કે, ‘તાત્કાલિક લાઇટ બંધ કરાવો.’ બન્યું એવું કે ઇલેક્ટ્રિશિયન નજીક નહોતો, તેથી જુદા જુદા અખતરા કરવામાં આવ્યા અને અંતે લાઇટ બંધ થયા પછી મૅચ શરૂ થઈ. એક વિલક્ષણ ઘટના 1906માં ફિજી અને યુરોપિયનોની સંયુક્ત ટીમ સમયે બની. આ ટીમમાં યુરોપિયન ટીમ ઑનરેબલ જે. એ. ઉડાલની છત્રછાયા હેઠળ ખેલતી હતી અને તે ફિજીના તેવેઉની ટાપુ પર આ મૅચ ખેલાતી હતી. બન્યું એવું કે મૅચના પહેલા જ દડે ઑનરેબલ જે. એ. ઉડાલ આઉટ થયા અને આનાથી એમને એટલી બધી નારાજગી આવી કે એમણે આખી મૅચ જ રદ કરી દીધી અને આમ આ ક્રિકેટના ઇતિહાસની આ એક એવી મૅચ છે કે જ્યાં માત્ર એક જ દડો નખાયો હોય !
1954ની પહેલી ઑગસ્ટે પાકિસ્તાનની ટીમ ગ્લેમોર્ગનની ટીમ સામે રમતી હતી અને એ સમયે પાકિસ્તાનનો બૅટર વઝીર મોહમ્મદ બૅટિંગ કરતો હતો. એણે એકાએક મૅચ અટકાવવાનું કહ્યું અને અમ્પાયર પાસે ગયો. અમ્પાયરને બતાવ્યું કે એક પ્રેક્ષક મોટા ચપ્પાથી સફરજન કાપી રહ્યો છે અને એ ચપ્પા પરથી સૂર્યપ્રકાશ પરાવર્તિત થઈને એને પરેશાન કરે છે. અમ્પાયરે તરત જ એ પ્રેક્ષકને ચેતવણી આપી અને ત્યારબાદ મૅચ શરૂ થઈ.
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે 1980માં ખેલાયેલી જ્યૂબિલી ટેસ્ટના બીજા દિવસને ‘રેસ્ટ ડે’ જાહેર કરવામાં આવ્યો. સામાન્ય રીતે ટેસ્ટના બીજા દિવસે ‘રેસ્ટ ડે’ જાહેર થાય નહીં, પરંતુ વાત એવી બની કે આ બીજા દિવસે બપોર પછી સૂર્યગ્રહણ હોવાથી ભારતીય ક્રિકેટ બોર્ડે ‘રેસ્ડ ડે’ રાખવાની વિનંતી કરી હતી અને ‘ડેલી ટેલિગ્રાફ’ અખબારના જણાવ્યા મુજબ ભારતીય ક્રિકેટબોર્ડ એ જવાબદારી લેવા રાજી નહોતું કે પચાસ હજાર પ્રેક્ષકોની આંખોને સૂર્યગ્રહણને કારણે કોઈ તકલીફ ઊભી થાય. આથી મૅચનો બીજો દિવસ એ આરામનો દિવસ બન્યો.
આવી જ રીતે ભારતના સુકાની અજિત વાડેકરે 1974માં ઇંગ્લૅન્ડના પ્રવાસમાં શુભ અને ઉચ્ચ યોગોનો લાભ મળે, તે માટે પ્રવાસ બે દિવસ મોડો શરૂ ક૨વાની વિનંતી કરી હતી અને એ રીતે વર્ષો અગાઉ નક્કી થઈ જતી તારીખો બદલવી પડી હતી. સુકાની અજિત વાડેકર જોરદાર નસીબ સાથે ગયા, પરંતુ ૧૯૭૪માં એમની ટીમને ત્રણેય ટેસ્ટમાં ભારે મોટી હાર ભોગવવી પડી.
વરસાદના થોડા છાંટા પડે અને રમત અટકાવવાની ઘટના 1967ની ચોથી મેએ બની. આ સમયે ઇંગ્લૅન્ડની વોરસેસ્ટર કાઉન્ટી સામે ભારતની ટીમ રમી રહી હતી. દસેક મિનિટ થઈ હશે અને વરસાદના થોડા છાંટા પડ્યા. ભારતના ઓપનિંગ બૅટ્સમૅન ફોખ એન્જિનિયરે વિરોધી ટીમના સુકાની ડોન કેયોનને કહ્યું કે, ‘રમત થોભાવવી પડશે.’
થોડું આશ્ચર્ય થયું. માત્ર થોડાક છાંટા જ પડતા હતા, પણ એન્જિનિયરે કહ્યું કે, ‘આ કોઈ સામાન્ય બાબત નથી, કારણ કે એ છાંટા મારી આંખોમાં આવે છે અને તેથી રમત અટકાવવી જોઈએ.’ ઇંગ્લૅન્ડના અખબાર ‘ડેલી મિરરે’ આ ઘટનાનો એક વિચિત્ર ઘટના તરીકે ઉલ્લેખ કર્યો હતો.
માત્ર મેદાની જ આફતો નહીં, પણ ક્યારેક આકાશી આપત્તિઓએ પણ મૅચને અટકાવી છે. 1953ની 10મી જુલાઈએ ઇંગ્લૅન્ડની યોર્કશાયરની ટીમ ખેલતી હતી, ત્યારે એકાએક છ ઇંચનો મોટો બરફનો ટુકડો પીચ પર પડ્યો. મૅચ થંભી ગઈ. તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે ઊંચે ઊડતા ઍરોપ્લેનમાંથી આ બરફનો ટુકડો પડ્યો હશે.
ક્યારેક કોઈ અણધાર્યાં કારણોસર પણ મૅચ અટકી હોય તેવું ઇંગ્લૅન્ડના ક્રિકેટ-ઇતિહાસના પાને નોંધાયું છે. લેન્કેશાયરની ટીમ નેલ્સન શહેરમાં લેસ્ટ૨શાયર સામે ખેલતી હતી, ત્યારે સુકાની એકર્સલેએ અણધારી રીતે મૅચ અટકાવી હતી. એકાએક ઘંટ વાગ્યો હતો અને ઘંટ એ દાવ ડિક્લેર કરે એની નિશાની હતી. સુકાનીએ માન્યું કે દાવ ડિક્લેર કરવાનો કમિટીનો આ નિર્ણય છે, પરંતુ હકીકત એ હતી કે નજીકની સ્ટ્રીપમાં મફીન્સનું વેચાણ કરતા વેપારીએ પોતાની પાસેનો ઘંટ વગાડ્યો હતો.
ભારતમાં કેટલાક લોકોએ પીચ ખોદી નાખીને મૅચ અટકાવી છે, તો ક્યારેક મોટાં તોફાનો થતાં મૅચ થોભાવવામાં આવી છે. 1983ના જુલાઈમાં ઑસ્ટ્રેલિયાની ટીમ ઇંગ્લૅન્ડની સમરસેટ કાઉન્ટી સામે ખેલતી હતી. આ સમયે સખત વરસાદ પડ્યો અને કેટલીક ગેરસમજને કારણે ખેલાડીઓએ માન્યું કે આખા દિવસની રમત રદ કરવામાં આવી છે. આથી એ બધા પિકનિક માટે નીકળી ગયા. બપોરે બે વાગ્યે અમ્પાયરોએ પીચની તપાસ કરી અને નિર્ણય આપ્યો કે મૅચ રમી શકાય તેમ છે. તરત જ પિકનિક પર ગયેલા ખેલાડીઓને તાર અને સંદેશાઓ મોકલવામાં આવ્યા. એ ગુમ થયેલા ખેલાડીઓ માંડ માંડ મળ્યા. તેઓ છેક ચાર વાગ્યે આવ્યા અને પછી મૅચ શરૂ થઈ.
વરસાદથી મૅચ બંધ રહે તે સ્વાભાવિક છે, પણ ક્રિકેટના ઇતિહાસમાં પવનથી પણ મૅચ બંધ રહી છે. 1954ના જૂન મહિનામાં બ્રેડફર્ડમાં ખેલાયેલી મૅચના સ્કોરબુકમાં નોંધવામાં આવ્યું છે કે ‘પવનને કારણે ૨મત મુલતવી રખાઈ.’ એ સમયે એટલા જોરથી પવન ફૂંકાતો હતો કે મૅચ ખેલવી મુશ્કેલ હતી. જોકે એ પછીના ક્રિકેટના પ્રમાણભૂત ગ્રંથો નોંધે છે કે પવનના ઝંઝાવાત પછી મૅચ શરૂ થઈ હતી અને ફરસ્લેની ટીમે ઈસ્ટ બ્રેઅર્લીની ટીમને પરાજય આપ્યો હતો.
ક્યારેક ધુમ્મસે પણ મૅચ અટકાવી છે. આપણે ત્યાં ઘણી વાર કૉલકાતા અને અન્ય સ્થળોએ ધુમ્મસને કારણે મૅચ થોડી મોડી શરૂ થયાની ઘટનાઓ બની છે, પરંતુ 1951ની 28મી મેએ રમાયેલી આખીયે મૅચ ધુમ્મસને કારણે અટકી ગઈ અને 1951ની 28મી મે, આ મૅચ વિશે એક ખેલાડીએ એ સમયે એવું કહ્યાની નોંધ મળે છે કે અમે ૨મતને આ રીતે અટકતાં જોઈ નથી. ઘડો પીચ પડે તે દેખાય, પણ પછી એ ધુમ્મસથી ઢંકાઈ જાય અને આ ધુમ્મસને કારણે પેવેલિયનમાં બેઠેલા પ્રેક્ષકોને પણ સ્કોરબૉક્સની નજીક ઊભેલો માણસ ખેલાતી રમતનો અહેવાલ આપતો હતો.
મેઘગર્જનાથી ડરીને ખેલાડીઓ દોડી ગયા હોય એવો બનાવ 1967ની 1લી મેએ બન્યો. જ્યારે કેમ્બ્રિજ અને ઑક્સફર્ડના ખેલાડીએ મેઘગર્જનાને કારણે પેવેલિયનમાં આશરો લીધો હતો. ક્રિકેટના આ ઇતિહાસને જાણ્યા પછી કેટલાંય જુદાં જુદાં કારણોસર દુનિયાના ભિન્ન ભિન્ન દેશોમાં રમત મુલતવી રાખવી પડી હતી.
તા. 4-6-2023
પારિજાતનો પરિસંવાદ