ભૂતકાળ પણ કેટલો રોમાંચથી ભરપૂર હોય છે ! ‘આજ’માં જીવતી વ્યક્તિને અતીત કેટલો બધો આશ્ચર્યભર્યો અને રસપ્રદ લાગતો હોય છે ! એ અતીતની ખોજ કરતાં આજથી 120 વર્ષ પૂર્વે 19મી સદીમાં પરીક્ષાનો કેવો માહોલ હતો એ જાણવું રસપ્રદ બને.
આજે માતૃભાષાને બદલે અંગ્રેજી માધ્યમની સ્કૂલો તરફ દોડ ચાલી રહી છે. આ દોડ કંઈ આજની નથી. એ સમયે એકસો વર્ષ પૂર્વે સાતમા ધોરણમાં એટલે કે મૅટ્રિક્યુલેશન પરીક્ષામાં અંગ્રેજીમાં પાસ થવું જરૂરી હતું. જો વિદ્યાર્થી આ સાતમા ધોરણની અંગ્રેજી વિષયની પરીક્ષામાં પાસ ન થાય, તો એના બીજા વિષયનાં પેપરો તપાસવામાં આવતાં નહીં. અંગ્રેજીમાં નપાસ થનાર વિદ્યાર્થીઓનાં બધાં જ પેપર રદ્દી કાગળની ટોપલીને સ્વાધીન કરવામાં આવતાં.
વળી દરેક શિક્ષકની પોતાની આગવી પરીક્ષા લેવાની પદ્ધતિ હતી. એ સમયે અમદાવાદની ગવર્નમેન્ટ હાઈસ્કૂલના હેડમાસ્તર તરીકે એદલજી દોરાબજી તલાટી હતા અને આ તલાટીસાહેબ વર્ગમાં જે શીખવે તેની અઠવાડિક કે પખવાડિક પરીક્ષા લેતા. એમની પરીક્ષાની પદ્ધતિ આગવી હતી. વ્યાકરણ, ઈડિયમ્સ અને ગદ્ય-પદ્યનાં પુસ્તકોમાંથી ચાર-પાંચ સવાલ કાઢીને લખાવે. એ ધીમે ધીમે બોલે અને વિદ્યાર્થીઓ એના જવાબ પોતાના પેપરમાં લખતા જાય. પછી પેપરની ગડી વાળીને દરેક વિદ્યાર્થી પોતાની પાસે રાખે. આ બધામાં લગભગ પંદરેક મિનિટનો સમય જાય. પછી દરેક વિદ્યાર્થી પોતાના પેપરને જમણા કે ડાબા હાથમાં રાખે. એનો અર્થ એ કે જે બાજુ બેઠેલા વિદ્યાર્થીને તે પેપર આપવાનું હોય તે બાજુના હાથમાં સૂચના અનુસાર પકડી રાખવાનું. પછી સૂચના આપેલી દિશામાં છોકરાએ એ વિદ્યાર્થી તરફ હાથ ઊંચો રાખવાનો. એ પછી તલાટીસાહેબ ‘રેડી’(તૈયાર થાવ) અને ‘પાસ’(પસાર કરો) એવો આદેશ આપે. એટલે એક સાથે દરેક વિદ્યાર્થીનું પેપર એના પડોશી વિદ્યાર્થીના હાથમાં જાય. એ પછી ફરી વાર આ વિધિ કરવામાં આવે અને એ પેપર આગળ બેઠેલા વિદ્યાર્થી પાસે જાય. આમ બે-ત્રણ વાર આ ક્રિયાકાંડ કરવામાં આવે.
ત્યારબાદ તલાટીસાહેબ ‘એટેન્શન’ કહીને પોતે પૂછેલા સવાલના જવાબ બોલી જાય. દરેક વિદ્યાર્થી પોતાની પાસે આવેલું પેપર તપાસે, એ ખરું છે કે ખોટું અને એના કેટલા સવાલ સાચા છે અને કેટલા ખોટા છે એની નોંધ પેપર પર લખે. એ પછી વળી એક નવી પ્રક્રિયા શરૂ થાય. એ પેપર લખનાર મૂળ વિદ્યાર્થી પાસે પાછા જવા માટે ‘રેડી’ અને ‘પાસ’નો ઊલટો ક્રમ ચાલે અને પછી દરેક વિદ્યાર્થીને પોતાના તપાસેલા પેપર મળી જાય. આ સમય દરમિયાન તલાટીસાહેબ પાસે છોકરાઓનું જે ‘ખાસ પત્રક’ રાખ્યું હોય તેમાં સવાલના જવાબ ખરા-ખોટા હોવાની તેના નામ સામે નોંધ કરે. જેના બધા જ જવાબો સાચા હોય, એના નામ સામે ‘Rewarded’ એવો શબ્દ લાલ પેન્સિલથી નીચે લીટી દોરીને લખે. જેનો એક સવાલ કે વધુ સવાલ ખોટાં હોય, એના નામ સામે એની નોંધ કરે અને જેના બધા સવાલના જવાબ ખોટા હોય, એના નામની સામે ‘Panished’ લખે. આવી રીતે માત્ર એક જ કલાકમાં દોઢસો વિદ્યાર્થીઓની વર્ગપરીક્ષા થઈ જતી.
આ અઠવાડિક કે પાક્ષિક પરીક્ષાનું મહત્ત્વ એ હતું કે એ પછીની પ્રિલિમિનરી પરીક્ષામાં વિદ્યાર્થીનું પરિણામ સારું ન આવ્યું હોય, પણ વર્ષ દરમિયાન લીધેલી અઠવાડિક કે પાક્ષિક પરીક્ષામાં જો ‘Rewarded’ લખેલું હોય તો તેને મૅટ્રિક્યુલેશનનું ફૉર્મ મળતું હતું. આ તલાટીસાહેબને અમદાવાદની ગરમીના દિવસોમાં પણ સવારની નિશાળ કરવા સામે ભારે અણગમો હતો. તેઓ વિદ્યાર્થીઓને દાખલા-દલીલ સાથે સમજાવતા કે અભ્યાસ તો બપોરની નિશાળમાં જ થાય. વળી વખત મળ્યે વિદ્યાર્થીઓ પાસે ‘ઍડ્વાન્ટેજિસ ઍન્ડ ડિસઍડ્વાન્ટેજિસ ઑફ મૉર્નિંગ સ્કૂલ’ એ વિષય પર નિબંધ લખાવતા. તેઓ એમ માનતા કે જો સવારની નિશાળ હોય તો છોકરાઓને ગરમીમાં બપોરે ઊંઘવાનું મન થાય અને એ રીતે સમયની બરબાદી થાય. બીજું કારણ એ કે સવા૨ની ઠંડકમાં વિદ્યાર્થીને વાંચવાનો જે સમય મળે, તે સમય નિશાળે આવવા-જવામાં વેડફાઈ જાય અને ત્રીજું કારણ એ કે સવારની સ્કૂલમાં વિદ્યાર્થીને ભણવા માટે થોડો ઓછો સમય મળે છે.
આની સામે અમદાવાદની એપ્રિલ મહિનાની ગરમીને કારણે વિરોધ થયો. કેટલાક છોકરાઓ ખૂબ રોષે ભરાયા. એક અર્થમાં કહીએ તો આ સ્થિતિ સામે બંડ થયું અર્થાત્ હડતાલ પડી. આ હડતાલને ‘મૉર્નિંગ સ્કૂલ મ્યુટિની’ને નામે ઓળખાઈ. સ્કૂલમાં સાડા ત્રણસો વિદ્યાર્થીઓ હતા, એમાંથી માંડ વીસ-પચીસ વર્ગમાં જતા અને બાકીના વિદ્યાર્થીઓ સ્કૂલની બહાર ઊભા રહીને ઘોંઘાટ કરતા. ત્રણેક દિવસ આ હડતાલ ચાલી. અખબારોમાં પણ તલાટીસાહેબ વિરુદ્ધ મત પ્રગટ થયા, તો સામે પક્ષે હડતાલ તોડવા માટે સામાન્ય રીતે જે પગલાં ભરાય એ પગલાં ભરવામાં આવ્યાં અને હડતાલ તૂટી ગઈ.
તલાટીસાહેબનો વિજય થયો. સવારની સ્કૂલ સામેનો બળવો શાંત થઈ ગયો. બસ, પછી તો તલાટીસાહેબે અદાલતમાં ન્યાયાધીશ જે રીતે સજા કરે તેવું કામ શરૂ કર્યું. હડતાલમાં ભાગ લેનારાઓના ત્રણ વિભાગ પાડ્યા. એ બધાને કડકાઈભેર પ્રશ્નો પૂછી નિવેદનો લીધાં, ત્યારબાદ એમને કેટલી શિક્ષા કરવી જોઈએ તે અંગે વર્ગીકરણ કર્યું. આમાં હડતાલમાં મુખ્ય આગેવાની લેનાર ચાર વિદ્યાર્થીઓને નિશાળમાંથી હાંકી કાઢવામાં આવ્યા. જેમણે બીજા વિદ્યાર્થીઓને હડતાલ પાડવા માટે ઉશ્કેર્યા હતા, એમને એક ધોરણ નીચે ઉતારવામાં આવ્યા. જેઓ પોતાની મરજીથી જોડાયા હતા, કિંતુ બીજો કોઈ સક્રિય ભાગ લીધો નહોતો તેમને હળવી સજા કરીને છોડી દેવામાં આવ્યા અને પોતાની ઇચ્છા નહોતી તેમ છતાં બીજાના કહેવાથી હડતાલમાં જોડાવું પડ્યું હતું તેવા વિદ્યાર્થીઓને માફી આપવામાં આવી. આવી રીતે લેખિત ફેંસલો તૈયાર કર્યો અને અમદાવાદ ગવર્નમેન્ટ હાઈસ્કૂલના પહેલે માળે મૅટ્રિક્યુલેશન માટેના ક્લાસના મોટા હૉલમાં સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને એકત્ર કરીને તલાટીસાહેબે ફેંસલો જાહેર કર્યો.
એ સમયનાં વર્તમાનપત્રોએ અને ખાસ કરીને મુંબઈના ‘ગુજરાતી’ પત્રમાં તલાટીસાહેબની આવી અદાલતી કાર્યવાહી સામે ઊહાપોહ થયો હતો. કેટલાકે કહ્યું કે એમનું પગલું પ્રણાલિકા વિરુદ્ધનું હોવા છતાં સારા આશયથી લેવાયું છે, તો કેટલાકે બપોરની નિશાળ ચાલુ રાખવામાં એમને વધારે પરિશ્રમ વેઠવાનો હતો તેમ છતાં તલાટીસાહેબે આવો આગ્રહ રાખ્યો, તેની પ્રશંસા કરી, તો કોઈએ વળી શ્રીમદ્ શંકરાચાર્યનો શ્લોક ટાંકીને સુફિયાણી સલાહ આપતાં કહ્યું કે,
‘यद्यपि शुद्धं लोकविरुद्धं, ना करणीयं ना चरणीयम् ।’
એટલે કે ‘શુદ્ધ હોવા છતાં લોકમતની વિરુદ્ધનું હોય તે ન કરવું જોઈએ, ન આચરવું જોઈએ.’
આવી ગંભીર ઘટના પછી બન્યું એવું કે હેડમાસ્તર શ્રી એદલજી દોરાબજી તલાટીએ તરત જ સ્કૂલ સવારની કરી દીધી. વળી એક અઠવાડિયા પછી જે વિદ્યાર્થીઓને શિક્ષા કરી હતી એને ઉદાર હૃદયે ક્ષમા આપી. માત્ર આ હડતાલના ચાર આગેવાનોને પાછા લેવામાં આવ્યા નહીં. એનું એક કારણ એ પણ હોઈ શકે કે એ વિદ્યાર્થીઓએ પાછા આવવાની તૈયારી બતાવી નહોતી. જો કદાચ તૈયારી બતાવી હોત, તો જરૂર એમને પણ તલાટીસાહેબે સ્વીકારી લીધા હોત.
એ સમયે પણ શાળામાં ક્રિકેટની રમત ખેલાતી હતી અને જે વિદ્યાર્થી ક્રિકેટમૅચ જોવા જવા માગતો હોય તેના દર મહિને ક્રિકેટ ખેલવાના અને પીવાના પાણીના દર રૂપે એની વર્ગ ફી સાથે અઢી આના લેવામાં આવતા. એ સમયે સ્કૂલની ચોથા અને પાંચમા ધોરણની ફી બે રૂપિયા હતી અને છઠ્ઠા અને સાતમા(મૅટ્રિક્યુલેશન)ની ફી ત્રણ રૂપિયા હતી. આ વિદ્યાર્થીઓ સાથે સ્વર્ગમાંથી ઊતર્યા હોય એવા આઈ.સી.એસ. સિવિલિયનો વચ્ચેની મૅચ જોતા. જોકે એ સમયે સિવિલિયનો – અંગ્રેજી અધિકારીઓ નાના વિદ્યાર્થીઓ સાથે પણ ભળી જતા. મૅચના દિવસે નિશાળ સવારની થતી અને વિદ્યાર્થીઓ બપોરે તે જોવા માટે કૅમ્પમાં જતા અને આનંદભેર દિવસ પસાર કરતા.
એ જમાનામાં સિનેમા નહોતી, પરંતુ એ સમયે કોઈ યુરોપિયન સ્ત્રી બલૂનમાં બેસીને પૅરાશૂટની મદદથી નીચે ઊતરી રહી હતી, તે જોવા માટે મોટી મેદની એકઠી થઈ હતી. વળી કોઈ વ્યક્તિ ફોનોગ્રામ લઈને આવ્યો, ત્યારે એણે છોકરાઓને જૂજ ફી લઈને સંભળાવ્યું હતું. કાનમાં નળીઓના છેડા ખોસી એ સાંભળવાનું હતું. એક અંગ્રેજે લાલદરવાજા પાસે સી ઑન લૅન્ડ નામનું ૨મત-ગમતનું સાધન લાવ્યો. વર્તુળાકારે વિવિધ પ્રકારની ઝૂલતી લાકડાની હોડીઓ, ખુરશીઓ, ઘોડા વગેરેનો ગોળ ફરતો ઝૂલો હતો. મેળામાં જોવા મળે એના કરતાં ઘણો મોટો અને સુંદર હતો. એ ગોળ ફરે, ત્યારે સંગીત વાગતું હતું અને એની સાથે કાઇનેટોસ્કોપ હતું. વિદ્યાર્થીઓ એની પાછળ ઘેલા બની જતા. આ હતી ઓગણીસમી સદીના વિદ્યાર્થીઓની આનંદ-પ્રવૃત્તિ.
તા. 9-7-2023
પારિજાતનો પરિસંવાદ