કવિ કાન્તના સત્યમંથનને આપણે સમજી શક્યા નહીં !

તમને ક્યારેય એવો પ્રશ્ન જાગ્યો છે કે તમારો જન્મ શા માટે ? એનો હેતુ શો ? હું કોણ છું ? ક્યાંથી આવ્યો ? ક્યાં જવાનો ? આ સૃષ્ટિ સાથે મારો શું સંબંધ ? આ સૃષ્ટિનો નિયંતા કોણ ? જીવનમાં સૌંદર્યરસિકતા અને સ્નેહ પામવાની ઝંખનાનું સ્થાન શું ? તપ, ત્યાગ અને સંયમના આદર્શો કેટલા ફળદાયી ? શું ઈશ્વર માનવીને નરકમાંથી ઉગારવા આવ્યા છે ? શું ઈશ્વર પ્રત્યેનો વિશ્વાસ તમને બચાવી શકે છે ?

ક્યારેય વિચાર્યું છે કે તમને જન્મથી મળેલો પરંપરાગત ધર્મ આની પ્રાપ્તિ કરાવી શકશે ? અન્ય ધર્મનું સત્ય તમારા જીવનને માર્ગદર્શક બની શકે ? આવા અનેક પ્રશ્નો અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રથમ હરોળ કવિ કાન્તના ચિત્તમાં મનોમંથન જગાવતા હતા.

કવિ કાન્તની પુણ્યશતાબ્દીનું આ વર્ષ છે, એમણે એવી વીસેક કાવ્યકૃતિઓ આપી કે જેને પરિણામે તેઓ ગુજરાતી સાહિત્યના અગ્રણી હરોળના અગ્રગણ્ય કવિ બની રહ્યા. એમણે રચેલા ‘વસંતવિજય’ અને ‘ચક્રવાક મિથુન’ આજેય ખંડકાવ્યના આદર્શ રહ્યા છે. ઊર્મિકાવ્ય અને કથનાત્મક કાવ્ય વચ્ચેનું આ ખંડકાવ્યનું સ્વરૂપ કવિ કાન્તે શોધેલું અને પ્રચલિત કર્યું હતું. એમની આ પુણ્યશતાબ્દીએ એમના સર્વોત્તમ પ્રદાનરૂપ ગ્રંથ ‘પૂર્વાલાપ’ કાવ્યસંગ્રહની પણ શતાબ્દી છે. 1923ની 16મી માર્ચે આ ‘પૂર્વાલાપ’ પ્રગટ થયો અને એ જ દિવસે તેમના અંતિમ પ્રવાસમાં રાવળપિંડીથી લાહોર આવતાં ગાડીમાં અવસાન થયું.

કવિ કાન્તે પોતાના જીવનમાં સત્ય ધર્મની શોધ આદરી. પ્રાપ્ય ધર્મ નહીં, પણ સત્ય ધર્મને પામવો હતો અને એ સમયનાં વિરલ વ્યક્તિત્વો ધર્મની બાબતમાં આવું પ્રચંડ મનોમંથન અનુભવતાં હતાં. ખુદ મહાત્મા ગાંધીજી પણ જ્યારે જ્યારે ‘આધ્યાત્મિક ભીડ’માં અટવાતા, ત્યારે શ્રીમદ્ રાજચંદ્ર પાસે જતા હતા અને એમણે શ્રીમદ્ રાજચંદ્રને 27 પ્રશ્નો પૂછ્યા હતા. ગાંધીજીનો પ્રશ્ન હતો ખ્રિસ્તી ધર્મ વિશે તથા ઈસુ તે ઈશ્વરનો પુત્ર છે ? અને એમને પણ પ્રશ્ન હતો કે ઈસુ ખ્રિસ્તના ચમત્કારમાં તમે માનો છો કે નહીં ? એ વિશે. એમણે એમ પણ પૂછ્યું હતું કે બાઇબલ ઈશ્વરપ્રેરિત છે કે નહીં ? આ પ્રશ્નોના શ્રીમદ્ રાજચંદ્રજીએ ઉત્તર આપ્યા બાદ ગાંધીજીનું મન હિંદુ ધર્મમાં ‘ઠર્યું’ હતું.

કાન્તમાં આ પ્રકારનું જ મનોમંથન છે. પણ આ આંતરમંથન એવું પ્રબળ હતું કે એ એમને સ્વીડનબોર્ગના વિચારો સુધી લઈ જાય છે. તેઓથી હિંદુ ધર્મની બહાર પગ મૂકીને વિચાર કરનારા આ સત્ય ધર્મની ખોજ કરનારા સાહસિક હતા. ત્રીસ વર્ષ સુધી એમનું આ મંથન ચાલ્યું છે. એને બળવંતરાય ઠાકોર ‘મહાભારત કુસ્તી’ કહે છે. કેટલાય બાહ્ય આઘાતો સહન કર્યા છે. પરિચિતોની ઉપેક્ષા અનુભવી છે. પોતાનાં ફોઈની દીકરી અંબાલક્ષ્મીનાં આંસુએ કાન્તના કવિહૃદય પર અસર કરી અને ગાયત્રી જપ કરાવી જનોઈ પાછી પહેરાવી બ્રાહ્મણ થયા, પરંતુ હૃદયથી એ સ્વીડનબોર્ગના વિચારોમાં માનનારા જ રહ્યા.

એમનું આધ્યાત્મિક મંથન સતત ચાલતું રહ્યું. ધર્મગ્રંથોનું સતત વાંચન કર્યું, વિચાર-વિનિમય કર્યો, પત્ર દ્વારા ચર્ચા કરી, યોગમાર્ગનું પરિશીલન કર્યું. ‘એક જ દે ચિનગારી’ની આ ઝંખના કોઈકને થોડાં વર્ષોમાં સિદ્ધ થાય છે. કાન્ત એને માટે જીવનભર મથામણ કરતા રહ્યા. બળવંતરાય એમને મોટો ‘કર્ણ’ કહે છે અને દર્શાવે છે કે ‘કુદરતે બક્ષેલી શક્તિઓમાં પણ મોટો અને આંતરવ્યથામાં પણ મોટો.’ એમણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો એમ કહીએ છીએ, પરંતુ પોતે માનેલા ધર્મ માટે એમણે કેટલું સહન કર્યું અને કેટલું ઝઝૂમ્યા તે જોતા નથી.

કાન્તના માનસને સમજીએ તો ખ્યાલ આવશે કે સૌંદર્યતત્ત્વનો ઉપાસક શિવતત્ત્વની શોધમાં હતા અને તેથી એમના ધર્મવિચારના ઘડતરમાં કાન્તની પ્રકૃતિ, જીવનમાં બનતી ઘટનાઓ, આસપાસની પરિસ્થિતિ અને એમની પ્રવૃત્તિ એ ચાર બાબત કારણભૂત છે. તેઓ સત્યની શોધ કરતા નથી, પણ ભાવનાથી શોધ કરે છે. ધર્મને કેન્દ્રમાં રાખીને જીવન નહીં, પણ જીવનને કેન્દ્રમાં રાખીને ધર્મતત્ત્વની શોધ કરે છે અને આ એક મહત્ત્વનો ભેદ છે.

કાન્ત સ્વયં કહે છે, ‘હું સિદ્ધાંતો અને તે સાથેના તર્કનું અન્વેષણ નથી કરતો, પણ માન્યતાઓનું અને તે સાથેની ભાવનાઓનું અન્વેષણ કરું છું.’ (કાન્તમાલા, પા, 296. ભાષાંતર) તો બીજી બાજુ તેઓ કહે છે કે એમની આ ખોજનું કારણ સત્ય ધર્મપ્રાપ્તિનું છે અને કાન્તમાલામાં એક સ્થળે નોંધે છે, ‘સાક્ષરી પાતકોમાં સૌથી અધમ સત્યાસત્ય પ્રતિ એકસરખી બેદરકારી જ ગણવું ઘટે છે, એમ મને લાગવા માંડ્યું છે અને આવા સાહસિક કવિ કાન્ત સ્વીકૃત ધર્મના કૂંડાળાની બહાર પગ મૂકવાની હિંમત કરે છે. એમની ભાવનાઓ અને જીવનની ઘટનાઓનો પડઘો સ્વીડનબોર્ગનાં લખાણોમાં મળે છે.’

એ વિચારે છે, સ્વધર્મ એટલે શું ? પોતાને મળેલો ધર્મ કે પોતાની પસંદગીનો ધર્મ ? મોટા ભાગની વ્યક્તિઓ પોતાને મળેલા ધર્મને અનુસરે છે, જ્યારે કાન્તે પોતાની પસંદગીના ધર્મની શોધ કરી. એ શોધ બુદ્ધિશાળી વ્યક્તિની નહીં, પણ સૌંદર્યની શોધમાં નીકળેલા સહૃદયી કવિની શોધ છે. વચ્ચેના ગાળામાં અમુક વર્ષો સુધી કાન્ત ધર્મની સ્વતંત્ર શોધ કર્યા પછી સ્વીડનબોર્ગના નવીન દેવાલયના વિચાર સુધી પહોંચે છે. વેદાંતમાં એમનું મન ઠરતું નથી, કારણ કે એ વેદાંતમાં ઈશ્વરભાવનાનો અભાવ છે અને નીતિવિવેકનો સમૂળગો ઉચ્છેદ લાગે છે.

1897ની 28મી ઑગસ્ટ સ્વીડનબોર્ગનાં પુસ્તકો વાંચે છે, નોકરીથી કંટાળેલા કાન્ત બે મહિનાની હક્કરજા લઈને મુંબઈ આવે છે અને મેટ્રો પાસે આવેલી નેટિવ જન૨લ લાઇબ્રેરીના સભ્ય બને છે અને ત્યાં Ranan Life of Jesus વાંચે છે. કાન્તનાં પત્નીને પણ આ લખાણો ગમે છે અને કાન્તને એમર્સને સ્વીડનબોર્ગ પર લખેલા નિબંધનું સ્મરણ થાય છે. નેટિવ જનરલ લાઇબ્રેરીમાં કાન્તને સ્વીડનબોર્ગના બે ગ્રંથો મળે છે અને તેઓ લખે છે તેમ Which came as a revelation to me અને સ્વીડનબોર્ગનાં મંતવ્યોને દિવ્યજ્ઞાન તરીકે સ્વીકારે છે. સ્વીડનબોર્ગના લગ્નસ્નેહનું સંક્ષિપ્ત ભાષાંતર તૈયાર કરે છે. બાહ્યાચારમાં પણ પરિવર્તન આવ્યું છે. 1898માં લાઠી પાસેના ચાવંડના આ પ્રશ્નોરા નાગરે ઉપનયન દૂર કરી ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર કર્યો.

1900ની 21મી જાન્યુઆરીએ ઘોઘામાં બેપ્તિસમ લીધું. નોકરીમાંથી રાજીનામું આપ્યું. એ જ વર્ષની 25મી માર્ચે પવિત્ર ભોજન (હોલી સ૫૨) લીધું, વિકટ પરિસ્થિતિ સર્જાતાં ફરી પ્રાયશ્ચિત્ત કરવા તૈયાર થયા. ગાયત્રી જપ કરાવી જનોઈ પાછી પહેરાવી બ્રાહ્મણ થયા, પણ આંતરિક પ્રતીતિએ એ ખ્રિસ્તી જ રહ્યા. માત્ર કેટલાંક સમાધાનો એમણે સ્વીકાર્યાં. કુટુંબીઓ અને સંબંધીઓથી વિખૂટો રહી શકીશ નહીં એમ માન્યું. જે કામ વિદ્વાનોની ચર્ચા અને મિત્રોની સમજાવટ ન કરી શક્યાં તે એમનાં એક બહેને કર્યું. એક ફોઈનાં દીકરી બહેન પર તેમને અપાર હેત. તેનાં આંસુઓએ કાન્તના હૃદયને વલોવી નાખ્યું. નિર્ણયને પિગળાવી નાખ્યો, તે સ્વધર્મમાં પાછા આવવા તૈયાર થયા. કાશીના બ્રાહ્મણને પ્રાયશ્ચિત્ત પુછાવ્યું. આખરે 1902માં મુંબઈના સુપ્રસિદ્ધ શાસ્ત્રી જયકૃષ્ણ વ્યાસે તેમને પ્રાયશ્ચિત્ત કરાવીને બ્રાહ્મણના ઉપનયન-સંસ્કાર આપ્યા અને હિંદુ ધર્મમાં દાખલ કર્યા. પછી તે આર્યસમાજી રહ્યા હતા, જોકે ખ્રિસ્તી ધર્મ પરની શ્રદ્ધા છેવટ લગી ઓછી થઈ નહોતી અને સ્વીડનબોર્ગનાં પુસ્તકોનું આકર્ષણ ઓછું થયું નહોતું.

નીતિશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનનો કવિ કાન્તના અભ્યાસ સત્ય અને શીલના આદર્શોની એમને ઉપેક્ષા કરવા દેતો નથી, તો બીજી બાજુ એમની પ્રકૃતિને સ્નેહ કરવાની અને સ્નેહ પામવાની તીવ્ર અભિલાષા છે. આમ એક બાજુ સૌંદર્યરસિકતા અને એની સાથે સ્નેહ પામવાની ઝંખના. કવિ કાન્તને તપ, ત્યાગ અને સંયમના આદર્શોનો વિરોધ કરવા પ્રેરે છે. એ પ્રણયમાં જ સુખ સમજે છે, પ્રેમની પરિકૃતિની શક્યતા ધર્મની અંતિમ ફલશ્રુતિ અને વિધિયોજનાના મહાપ્રશ્નો કાન્તની સમક્ષ ઊભા થાય છે. મનમાં સતત ચાલતું મંથન એ કાન્તના જીવનનું સર્જન છે, તો એને તત્ત્વજ્ઞાનની એરણે ચઢાવીને જોવાની એમની વૃત્તિ એ એમની ખોજનું પરિણામ છે. કાન્ત માત્ર પ્રેરણાથી નહીં, પણ પરિશ્રમથી લખનારા કવિ હતા. જીવનમાં પણ ઘટનાઓથી દોરવાઈ જવાને બદલે એ ઘટનાઓના મૂળનો તાગ મેળવવા મથનારા કવિ હતા, આથી જ એમના વિચારોમાં પલટા આવે છે. આથી કોઈ તાત્ત્વિક જિજ્ઞાસા સંતોષવાનો હેતુ નથી, પરંતુ ચિત્તવૃત્તિને મળતું સમાધાન શોધવાનો હેતુ છે. ઉચ્ચ ભાવનાઓથી ઊભરાતું અને રસિકતાથી ભરેલું જીવન સત્યશોધ માટે નીકળ્યું છે.

કાન્તનું ધર્મપરિવર્તન એ હકીકતમાં આત્મમંથન કે સત્યમંથન છે અને તેથી જ પ્રારંભે નાસ્તિક જીવનદર્શનને સ્વીકારનાર કાન્ત એટલી જ વફાદારીથી સ્વીડનબોર્ગનું જીવનદર્શન સ્વીકારે છે. ધર્માંતર પછી કાન્તના મોટા ભાઈએ સ્વીડનબોર્ગનાં બધાં પુસ્તકો પોતાની પાસે રાખી લીધાં અને કાન્તને ન આપવાં એવો નિર્ણય કર્યો હતો. કાન્ત પુસ્તકો વિના અસહાય જેવા બની ગયા. એવામાં ગૌરીશંકરભાઈનો પત્ર આવ્યો કે બધાં પુસ્તકો રેલવે પાર્સલથી રવાના કરી દીધાં છે. એ ખબર મળતાં કાન્તને ખૂબ હર્ષ થયો. પુસ્તકો આવ્યા પછી એ જ દિવસે ખરીદેલા નવા કબાટમાં એકેએક પુસ્તકને પોતાના જ હાથથી સાફ કરી, તેમાં ગોઠવતાં ગોઠવતાં એમની આંખમાંથી આંસુ વહેતાં હતાં. પોતાનાં વ્હાલાં પ્રાણસમાન પુસ્તકો વર્ષ બે વર્ષ પોતાનાથી છૂટાં હતાં તેને મેળવતાં બાળકોને મળ્યા જેટલો તેમને હર્ષ થયો. એમની કવિતાનાં પ્રેરકબળો પણ બદલાયાં અને તેથી જ એ સમયે કાન્તે ‘કાવ્યકલા’ બે ભાગમાં પ્રગટ કરવાનું વિચાર્યું હતું – ‘પૂર્વાલાપ’ અને ‘ઉત્તરાલાપ’.

આમ કાન્ત એ કવિ, સ્નેહી એવા સત્યશોધક છે, એમનું મંથન અસ્થિર લાગે એનું કારણ એમની સતત ખોજવૃત્તિ છે. આ મનોમંથનને કારણે સાહિત્યસર્જન ઓછું થયું અને પછીના સમયમાં તો એમની ગહન સરસ્વતી એકાએક લુપ્ત થઈ ગઈ લાગે, પરંતુ આપણે માટે તો કાન્ત જેટલા પ્રેમાદર અને પ્રશંસા પામનારા શિક્ષક છે, એટલા જ સમર્થ કવિ અને સત્યશોધક છે.

તા. 30-7-2023

પારિજાતનો પરિસંવાદ

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑