પ્રત્યેક વિચારશીલ કે આધ્યાત્મિક વ્યક્તિની ખોજ હોય છે સાચા ધર્મની, પરંતુ એની આસપાસ સંપ્રદાયની દીવાલો રચાયેલી હોય છે. ક્યાંક મતાંધતાનું ઝનૂન હોય છે, તો ક્યાંક મતભેદને જકડીને બેઠા છે. કોઈ પોતાના વાદને સંપૂર્ણ અને શાશ્વત કહે છે, તો કોઈ પોતાના મતાગ્રહને આંખ મીંચીને વળગી રહે છે.
મતાંધતા, મતભેદ અને મતાગ્રહના ત્યાગ પછી વ્યક્તિ સાધનાસોપાનનું પ્રથમ પગથિયું ચડે છે અને તેના ઊર્ધ્વ આરોહણ માટે એણે સૌપ્રથમ પોતાની અતિ સંકુચિત સાંપ્રદાયિકતાનો ત્યાગ કરવો પડે છે. સંપ્રદાયો સતત પોતાના મતને સાચો ઠેરવે છે. પોતાના વાદને સંપૂર્ણ અને શાશ્વત દર્શાવે છે અને પોતાના મતાગ્રહને આંખ મીંચીને વળગી રહે છે.
શ્રીમદ્ રાજચંદ્રે આવી જડ સાંપ્રદાયિક દીવાલો, સમાજમાં જોઈ હતી અને એ દીવાલો દૂર કરવા માટે એમણે ઉપદેશ આપ્યો. સંપ્રદાયવાદીઓ પોતાના અનુયાયીઓને એક નાનકડા કૂંડાળામાં બાંધી રાખવા કોશિશ કરે છે. પોતાના અનુયાયીઓના ચિત્તને વધુ ને વધુ સંકુચિત બનાવે છે અને પછી પોતાનો સંપ્રદાય સૌથી મહાન અને અન્ય સંપ્રદાય તુચ્છ કે હીન એવા ખ્યાલો ફેલાવે છે. આવી સાંપ્રદાયિકતાને કારણે સાધક સત્ સુધી પહોંચી શકતો નથી. એ મતાંધતા કે મતાગ્રહમાં જકડાઈ જાય છે. આ પકડને કારણે સાધક સત્યથી વેગળો ચાલ્યો જાય છે. એ અજ્ઞાનમાં રાચે છે અને રાગ-દ્વેષમાં ડૂબી જાય છે. આવી વ્યક્તિઓ સતત એવો બોધ આપે છે કે એમના માર્ગે ચાલવાથી જ વ્યક્તિનું કલ્યાણ થશે. બીજા માર્ગો અકલ્યાણ સાધશે અથવા તો નરકની યાતના આપશે.
આથી જ શ્રીમદ્ રાજચંદ્રે દર્શાવ્યું કે વ્યક્તિએ સંપ્રદાયની પકડમાંથી મુક્ત થવું જોઈએ અને જો એ સંપ્રદાયની પકડમાંથી મુક્ત થાય તો જ એને સત્ તત્ત્વની પ્રાપ્તિ થઈ શકે. એ સાચું છે કે ધર્મમાં મતમતાંતરો હોય છે અને એ અનાદિ કાળથી આવા મતમતાંતરોમાં માનનારા પોતાના મતને સાચો ઠેરવવા પ્રયાસ કરતા હોય છે. હકીકતમાં આ મતભેદોની પાછળ અનેક કારણો હોય છે. દેશ અને સમયની પરિસ્થિતિ આમાં કારણભૂત હોય છે. આવા દૃષ્ટિભેદોને કારણે જ કેટલાક ધર્મનાં અમુક તત્ત્વને મહત્ત્વ આપે છે અને કેટલાક ધર્મના અન્ય તત્ત્વને મહત્ત્વ આપે છે. કેટલાક વ્યથા દેહે તથા દેવે’ એમ કહે છે, તો કેટલાક દેહની આળપંપાળ કરવાની વાતનો જ અસ્વીકાર કરે છે. કોઈ ક્રિયામાં ધર્મને જુએ છે, તો કોઈ તપમાં; કોઈ જ્ઞાનને જ ધર્મ માને છે, તો કોઈ ભક્તિને જ સર્વસ્વ ગણે છે.
આવી રીતે જુદાં જુદાં દર્શનો વચ્ચે પણ વિચારધારાનો ભેદ જોવા મળે છે. આ દર્શનો એમ કહે છે કે એમનું દર્શન જ તમને મોક્ષ આપશે, વૈશેષિક દર્શનમાં માનનારો હોય કે સાંખ્યમાં શ્રદ્ધા ધરાવનારો હોય, બૌદ્ધ મતવાદી હોય કે જૈન હોય, ઇસ્લામને અનુસરનારો હોય કે ખ્રિસ્તી ધર્મને પાળનારો હોય, એ બધા એમ કહે છે કે અમે કહીએ છીએ તે જ સાચું છે. અમારો મત અને અમારો ધર્મ સાચા છે અને એ જ માર્ગે તમારું કલ્યાણ નિહિત છે. જો આવું હોય તો બીજા બધા મત ખોટા ગણાય. બીજી બાજુ સર્વને સત્ય માનીએ તો તે પણ ખોટું છે. જો એક ધર્મમત સત્ય છે એમ ઠેરવીએ તો બીજા બધાને અસત્ય કહેવા પડે અને એ વાત સાચી ઠેરવવી પડે.
સાધકનો હેતુ તો એ ધર્મમાં રહેલા ‘સત્’તત્ત્વની ખોજનો હોવો જોઈએ, નિજપદની પ્રાપ્તિ કરાવવાનો હોવો જોઈએ. આવા નિજપદની પ્રાપ્તિ કરવા માટે કોઈ સંકુચિતતામાં ડૂબી જવાની જરૂર નથી. આથી જ શ્રીમદે કહ્યું છે, ‘વાડામાં કલ્યાણ નથી, જેમ લોઢું પોતે તરે નહીં અને બીજાને તારે નહીં તેમ.’
અજ્ઞાની વ્યક્તિઓ આવા વાડાઓમાં ખૂંપી જાય છે, જ્યારે જ્ઞાની વ્યક્તિ સત્ તત્ત્વની ખોજ કરે છે, એક અર્થમાં કહીએ તો એ જુદા જુદા ઉપદેશોમાં રહેલા મૂળભૂત તત્ત્વને શોધે છે અને તેથી જ વ્યાસ, વાલ્મીકિ, શંકર, ગૌતમ, પતંજલિ, કપિલ અને યુવરાજ શુદ્ધોદનના ઉપદેશનું રહસ્ય શું છે, તે અંગે તેઓ કહે છે કે આ બધા લોકો આપણને એટલું જ કહે છે, “અહો લોકો ! સંસારરૂપી સમુદ્ર અનંત અને અપાર છે. એનો પાર પામવા પુરુષાર્થનો ઉપયોગ કરો.’
શ્રીમદ્ કયા ગ્રંથોનો પરિચય રાખવો તે દર્શાવતાં કહે છે, સત્પુરુષોનાં ચરિત્રો અને માર્ગાનુસારી (સુંદરદાસ, પ્રીતમ, અખો, કબીર આદિ જીવોનાં વચનો, અને જેનો ઉદ્દેશ આત્માને મુખ્ય કહેવા વિશે છે, એવા વિચારસાગર, સુંદરદાસના ગ્રંથ, આનંદઘનજી, બનારસીદાસ, કબીર, અખા વગેરેનાં પદ) ગ્રંથોનો પરિચય રાખવો, અને એ સૌ સાધનામાં મુખ્ય સાધન એવો શ્રી સત્પુરુષનો સમાગમ ગણવો.’
વેદ, ઉપનિષદ અને શ્રીમદ્ ભગવદ્ગીતાનું વાચન કરનાર શ્રીમદ્ રાજચંદ્ર સ્વામીનારાયણ સંપ્રદાયના ‘શિક્ષાપત્રી’ગ્રંથ વિશે પણ વાત કરે છે અને નોંધે છે કે એમાં કોઈ અંદેશો લાગે તો એ વિશે વિચાર કરવો જોઈએ અથવા તો સમાધાન મેળવવા માટે જરૂર પડે કોઈને પૂછવું જોઈએ. વળી ‘શિક્ષાપત્રી’ ગ્રંથના પ્રયોજન વિશે વિચાર કરીને એમાંથી મુમુક્ષુએ શું પ્રાપ્ત કરવું જોઈએ એ વિશે તેઓ કહે છે, ‘શિક્ષાપત્રી’ ગ્રંથમાં મુખ્ય ભક્તિનું પ્રયોજન છે. ભક્તિના આધારરૂપ એવા વિવેક, ધૈર્ય અને આશ્રય એ ત્રણ ગુણનું તેમાં વિશેષ પોષણ કર્યું છે. તેમાં ધૈર્ય અને આશ્રયનું પ્રતિપાદન વિશેષ સમ્યક્ પ્રકારે છે, જે વિચારી મુમુક્ષુ જીવે સ્વગુણ ક૨વા યોગ્ય છે.’
આ રીતે તેઓ સર્વદર્શનોને સમાદર આપીને એમાંથી સાર કાઢવાનું કહે છે અને આ બધા જ દર્શનકારો એમના ઉદ્દેશથી સમાન હોય તેવું લાગે છે. આમ, શ્રીમદ્ રાજચંદ્રે એક દર્શન કે એક ધર્મ સત્ય, બાકીનાં અસત્ય એમ કહેવાને બદલે એ દર્શનોમાં નિહિત તત્ત્વોનો મહિમા કરે છે. એ તત્ત્વો આપણા જીવનમાં આવે એટલે ધર્મ આવે. દયા, સત્ય આદિનું પાલન થાય, નિજસ્વરૂપની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ જાગે, મતાગ્રહોએ જન્માવેલી ગ્રંથિઓમાંથી મુક્તિ થાય, તો જ વ્યક્તિ ધર્મ પામી શકે.
વળી પોતાની પાસે શાસ્ત્ર હોય તેથી ધર્મ પામ્યો છે તેમ ન કહી શકાય. એ ધર્મ એના જીવનમાં પ્રગટવો જોઈએ. તેઓ દર્શાવે છે કે મિથ્યાભિમાની જીવ ઘણી વાર પોતાની પાસેના જૈન ધર્મના શાસ્ત્રમાં બધું જ છે અને એવાં શાસ્ત્રો મારી પાસે છે એવો ગર્વ ધારણ કરીને બેસી રહે અને એના વાસ્તવિક જીવનમાં ક્રોધ, માન, માયા, લોભ વગેરે પ્રવર્તતા હોય તો તે વ્યક્તિ ધાર્મિક નથી.
તો પછી ધર્મ છે શું ? શ્રીમદ્ રાજચંદ્રની દૃષ્ટિએ ધર્મ એ તો મહાસાગર છે. એ કોઈનો ઇજારો નથી. જે ધર્મપાલન કરે છે એનો ધર્મ છે.
‘શ્રી દશવૈકાલિક સૂત્ર’ના નવમા અધ્યાયમાં કહ્યું છે,
गुणेहिं साहू अगुणेहिं साहू गेण्हाहि साहूगुण मुंच साहू ।
वियाणिया अप्पमप्पणं जो रागदोसेहिं समो स पुज्जो ||
[ગુણોથી સાધુ થવાય છે અને અવગુણોથી અસાધુ થવાય છે, માટે સાધુ-ગુણોને (સાધુતાને) ગ્રહણ કરો અને અસાધુ–ગુણોનો (અસાધુતાનો) ત્યાગ કરો. આત્માને આત્મા વડે જાણીને જે રાગ તથા દ્વેષમાં સમભાવ ધારણ કરે છે તે પૂજનીય બને છે.]
આ બાબત શ્રીમદ્ રાજચંદ્રજીના મુનિશ્રી લલ્લુજી(શ્રી લઘુરાજ સ્વામી) સાથેના પ્રસંગમાં જોવા મળે છે. મુનિશ્રી લલ્લુજી(લઘુરાજ સ્વામી)એ સત્તમાગમ થાય તે માટે મુંબઈમાં ચાતુર્માસ કર્યો હતો. એક વાર એમણે પોતાના ત્યાગને દર્શાવવા શ્રીમદ્ રાજચંદ્રને કહ્યું કે, મેં કુટુંબ, વૈભવ, સાધનસંપત્તિ, વૃદ્ધ માતા, બે પત્ની, એક પુત્ર આદિનો ત્યાગ કરીને દીક્ષા લીધી છે.’
મુનિરાજના ત્યાગનો આવો ગર્વ ઓગાળી નાખવા શ્રીમદ્ તાડૂકીને બોલ્યા, ‘શું ત્યાગ્યું છે ? એક ઘર છોડી કેટલાં ઘર(શ્રાવકોનાં) ગળે નાખ્યાં છે ? બે સ્ત્રીનો ત્યાગ કરી કેટલી સ્ત્રીઓ પ્રત્યે દૃષ્ટિ ફરે છે ? એક પુત્ર ત્યાગી કેટલાં છોકરાં પ્રત્યે પ્રીતિ થાય છે ”
આ સાંભળી મુનિશ્રી લલ્લુજીને સ્વદોષોનું દર્શન થયું. બાહ્ય ત્યાગનો અહમ્ ઓગળી ગયો. અત્યંત લઘુતાપૂર્વક મુનિરાજે કહ્યું, ‘હું ત્યાગી નથી.’
તરત જ શ્રીમદ્ બોલી ઊઠ્યા, ‘મુનિ, હવે તમે ત્યાગી છો.’
આ રીતે શ્રીમદ્ રાજચંદ્રે દર્શાવ્યું કે અમુક ધર્મનું શાસ્ત્ર વાંચવું એનો અર્થ એ નથી કે તમે અમુક ધર્મના અનુયાયીઓ બનો. એનો અર્થ તો એ છે કે એમાંનો ઉપદેશ ગ્રહણ કરો. જ્ઞાની પુરુષની વાણીને એકાંત દષ્ટિએ ગ્રહણ કરીને એનો અહિતકારી અર્થ લેવો નહીં, કારણ કે એ જ્ઞાની પુરુષની વાણી તો સર્વજીવને માટે હિતકારી હોય છે. આમ મૂળ તત્ત્વમાં ક્યાંય ભેદ નથી. માત્ર આપણી દૃષ્ટિમાં ભેદ છે તેમ સમજવું જોઈએ. તેથી જ તેઓ કહે છે :
‘તું ગમે તે ધર્મમાં માનતો હોય, તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય એ કે, જે રાહથી સંસારમળ નાશ થાય, તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે.’
તા. 16-7-2023
પારિજાતનો પરિસંવાદ