શ્રીકૃષ્ણની અકળ લીલાનો પાર પામવાનો માનવીય પ્રયાસ સદૈવ અપૂર્ણ જ રહેવાનો. એમના ઐશ્વર્યને પામવા માટેના આપણા સઘળા પ્રયત્નો અપૂરતા જ રહેવાના. એ વિરાટ રૂપનાં દર્શન કઈ રીતે થઈ શકે ? જ્યાં ક્ષણે ક્ષણે નાવીન્ય હોય અને ક્ષણે ક્ષણે વિભૂતિમત્તા હોય, આથી તો કવિ હરીન્દ્ર દવેએ ‘કૃષ્ણ અને માનવસંબંધો’ ગ્રંથના અંતે ‘અનુકથન’માં સ્વીકાર કર્યો કે કૃષ્ણની કથા ક્યારેય પૂરી થતી નથી. આપણી એને વર્ણવવાની શક્તિ જ સીમિત છે. આપણી સીમા આવે, ત્યારે આપણે એ કથા અધૂરી મૂકી દઈએ છીએ. કૃષ્ણની લીલા અકળ છે, એ ચૂપચાપ ક્યારે આપણા જીવનમાં પ્રવેશી જાય છે, એનો ખ્યાલ આવવા દેતા નથી. વાસ્તવમાં કૃષ્ણ જ પ્રાણસ્વરૂપ છે અને એ આપણને ત્યજી દે, ત્યારે આપણો આ દેહ અર્જુનના રથની માફક ભડકે બળે છે. કૃષ્ણ ક્યારે આપણને આલિંગન આપી તૃપ્ત કરે છે કે ક્યારે ક્યાંય શોધી ન શકીએ એમ બોલાઈ જાય છે તેનો આપણને લગારે ખ્યાલ આવતો નથી. કૃષ્ણ મારા માટે સર્જનનો વિષય નથી, સર્જનહાર સ્વયં છે. એટલે હું કૃષ્ણકવિતા લખું એમ કહું ત્યારે પૂરેપૂરી નમ્રતા ધારણ કરું તોયે અહંકાર આવી જાય છે. ખરેખર તો કૃષ્ણે ક્યારે મારી કવિતામાં પ્રવેશવાનું પસંદ કર્યું તેના સગડ એમણે મારી સ્મૃતિમાં રહેવા દીધા નથી.”
આ કૃષ્ણનું સાચું રૂપ કયું ? ‘યુદ્ધ કરવું એ તારો સ્વ-ધર્મ છે અને તારો સ્વ-ધર્મ બજાવ, યુદ્ધ કર.’ ‘યુદ્ધસ્વ’ એમ કહેનાર શ્રીકૃષ્ણને અર્જુન વિનંતી કરે છે, ‘હે જગન્નાથ ! આપ મને આપનું સાચું સ્વરૂપ બતાવો. હું આપના વિરાટ રૂપનાં દર્શન કરવા ઉત્સુક છું. મારાથી આપનું તે સ્વરૂપ જોઈ શકાય તેમ હોય તો મારા પર અનુગ્રહ કરો. આપ મને તેનાં દર્શન આપો.’
અને ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું, “ધનંજય ! તું તારા આ ચર્મચક્ષુથી મારા વિરાટ સ્વરૂપને, વિશ્વરૂપને જોઈ શકીશ નહીં. હું તને દિવ્ય ચક્ષુ આપું છું. ‘दिव्य ददामि ते चक्षुः ।’ તેના વડે તું મારા આ સાચા વિરાટ રૂપને જોઈ શકીશ.”
અને પછી શ્રીકૃષ્ણે પોતાનું ઐશ્વર્યયુક્ત દિવ્યરૂપ દેખાડ્યું અને એ દિવ્ય ચક્ષુ દ્વારા આ વિરાટ રૂપના વિશ્વરૂપનાં સાક્ષાત્ દર્શન કર્યાં, પણ કોણ પામી શક્યું છે શ્રીકૃષ્ણના વિશ્વરૂપને ?
દેશના અત્યંત બુદ્ધિમાન અને ઉત્તમ પુરુષોએ કૃષ્ણની ખોજ કરી છે.
પોતાને જે કૃષ્ણ મળ્યા એની વાત કરી છે, પરંતુ એનું પૂર્ણ રૂપે કથન કોઈ આપી શક્યું નથી. આદિ શંકરાચાર્ય, સંત જ્ઞાનેશ્વર, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, લોકમાન્ય ટિળક, યોગી અરવિંદ, મહાત્મા ગાંધીજી, વિનોબા ભાવે, રાજગોપાલાચારી અને ડૉ. રાધાકૃષ્ણન જેવી કેટલીય વ્યક્તિઓએ ગીતાના માધ્યમથી કૃષ્ણને પામવા પ્રયાસ કર્યો. વિવેકાનંદની વાણીમાં પણ શ્રીકૃષ્ણને પામવાની મથામણ જોઈ શકાય છે. અરે ! કોઈ પ્રાચીન ગ્રંથ પણ કૃષ્ણના પૂર્ણ ચરિત્રને આલેખી શક્યો નથી.
પુરાણોમાં શ્રીકૃષ્ણના યુવાકાળ સુધીની એટલે કે મથુરા આવ્યા ત્યાં સુધીની જ જીવનકથા છે. એ પછીની એમની જીવનકથા મહાભારતમાં પ્રાપ્ત થાય છે. વળી મહાભારતમાં એમનાં શૈશવ અને કિશોરાવસ્થાની કોઈ ચર્ચા મળતી નથી. આ રીતે સમગ્ર કૃષ્ણચરિત્ર એ પુરાણ અને મહાભારત બંનેને સાથે રાખીએ તો જ પ્રાપ્ત થાય ! જૈન ગ્રંથોમાં પણ બાળકૃષ્ણના ગોપાલક જીવનની કોઈ ચર્ચા નથી. એમાં વર્ણવાયેલી ઘટનાઓ તે દ્વારિકા અને રૈવતક પર્વત સંબંધી છે. એમાં મથુરાની કોઈ ઘટનાનો ઉલ્લેખ નથી.
શ્રીકૃષ્ણચરિત્રની એક બીજી વિશેષતા એ છે કે એમના વિશિષ્ટ ગુણોને લીધે પોતાના સાત્વો અને વૃષ્ણિયોના સમાજમાં તરત જ વીરના રૂપે પૂજાવા લાગ્યા. આરંભમાં વાસુદેવના નામથી એમની પૂજા થતી હતી અને એમની ઉપાસના કરનાર એ સમયે વાસુદેવક તરીકે ઓળખાતા હતા.
ઈ. સ. પૂર્વે છઠ્ઠી સદીની મધ્યમાં મહાન વ્યાકરણશાસ્ત્રી પાણિનિની ‘અષ્ટાધ્યાયી’માં વાસુદેવની પૂજાનો ઉલ્લેખ છે અને આ શ્રીકૃષ્ણ વિશેનો ઉપલબ્ધ સૌથી પ્રાચીન ઉલ્લેખ છે. ઈ. સ. પૂર્વે ચોથી સદી સુધી માત્ર મથુરા અને એની આસપાસના પ્રદેશમાં વાસુદેવની ઉપાસના થતી હતી એવું ગ્રીસનો રાજદૂત મેગેસ્થની એના ભારતનિવાસ સમયના વૃત્તાંતમાં નોંધે છે. આરંભમાં વાસુદેવના ભાઈ બલરામની ઉપાસના સ્વતંત્ર રૂપે થતી હતી. એ બંને તરફ સમાજમાં પૂજ્યભાવ હતો, પરંતુ ઈ. સ. પૂર્વે બીજી સદીમાં બંને ભાઈઓની દેવ રૂપે ઉપાસના થવા લાગી અને એમની ઉપાસનાના ક્ષેત્રનો પણ વિસ્તાર થયો.
વાસુદેવ ચક્રધારી અને બલરામ હલધર હોવાની વાતની સાક્ષી પ્રાચીન સમયના સિક્કાઓ આપે છે. મજાની વાત એ છે કે બલરામ અને વાસુદેવની ઉપાસનાની સાથોસાથ એક દેવીની પણ ઉપાસના થતી હતી. એ દેવીનું નામ એકાનંશા હતું અને એ વાસુદેવ(કૃષ્ણ)ને રાખનારી માતા યશોદાની એ પુત્રી હતી. જેને વસુદેવ કૃષ્ણના બદલે લઈ ગયા હતા. એની ઉપાસના ઘણે સ્થળે કૃષ્ણની રક્ષિકા હોવાને કારણે થતી હતી. જોકે આ ઉપાસનામાં પરિવર્તન આવતાં આજે બલરામ અને કૃષ્ણ સાથે સુભદ્રાનું સ્થાન છે. પ્રાચીન સમયની એકાનંશાએ આજે સુભદ્રાનું રૂપ લીધું છે.
‘સંભવામિ યુગે યુગે’ એમ કહેનારી ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ એ મહાન અવતારના પ્રયોજનની પ્રમાણભૂત સમજણ આપે છે. હિંદ ધર્મના બીજા કોઈ શાસ્ત્ર ગ્રંથે શ્રીમદ્ ભગવદ્ગીતા જેટલું અવતારનું પ્રયોજન સ્પષ્ટ કર્યું નથી. અધર્મનું પ્રભુત્વ વધશે અને ધર્મનું પતન થશે ત્યારે ભગવાન સ્વયં અવતાર ધારણ કરશે એમ કહેવાયું છે. ભારતીય ઇતિહાસના ગુપ્તયુગમાં આ અવતારની વિચારધારાનો પ્રવેશ થયો. એક સંભવ એવો પણ છે કે બૌદ્ધ ધર્મના બોધિસત્ત્વના સિદ્ધાંતને પ્રભાવે પણ આમ બન્યું હોય ! આ અવતારવાદમાં એ પૂર્વે જે દેવો પૂજિત હતા એ બધાનો સમાવેશ કરી લેવામાં આવ્યો અને એમની અવતારી પુરુષો તરીકે ગણના થવા લાગી.
આજે દશાવતારની વાત પ્રસિદ્ધ છે, પરંતુ આ અવતારોની સૌથી પ્રાચીન સૂચિ મહાભારતમાં છે અને તેમાં તો વાહ, વામન, નૃસિંહ અને વાસુદેવ કૃષ્ણ એમ ચાર અવતારોની વાત છે. ચોવીસ અવતારોની વાત તો ઘણા લાંબા સમય પછી પ્રચલિત બની, જેમાં શ્રીકૃષ્ણ આઠમા સ્થાને છે અને એમને પૂર્ણ અવતાર તરીકે વર્ણવવામાં આવ્યા છે.
શ્રીકૃષ્ણએ 16000 કુમારિકાઓ સાથે વિવાહ કર્યો હતો એમ કહેવાય છે. જોકે શ્રીકૃષ્ણએ રુક્મિણી સિવાય અન્ય સ્ત્રીઓને કોઈ ને કોઈ કપરા સંજોગોમાંથી બચાવવા માટે, નિરાધાર બનેલી સ્ત્રીઓને રક્ષણ આપવા માટે અથવા તો એમને આધાર આપવા માટે લગ્નો કર્યા હતાં. નરકાસુરે અનેક સ્ત્રીઓનું અપહરણ કર્યું. 16000 સ્ત્રીઓને નરકાસુરની નરકની યાતનામાંથી મુક્ત કરીને એમની સાથે વિવાહ કરી શ્રીકૃષ્ણે યુગપ્રવર્તક પ્રસ્થાન કર્યું. આ મહાન ઘટના એ માટે ગણાય કે છેક હમણાં સુધી રૂઢિચુસ્ત હિંદુ સમાજ અપહૃતાઓને સ્વીકારતો નહોતો. હિંદસ્તાનનું વિભાજન થયું ત્યારે પણ અપતા હિંદી નારીઓની ભારે દુર્દશા થઈ હતી. આ સંદર્ભમાં પ્રાચીન યુગમાં શ્રીકૃષ્ણએ 16000 નારીઓને સાદર વસાવીને સન્માન આપ્યું હતું. શ્રીકૃષ્ણના એક મહાન કાર્ય પ્રતિ ભાગ્યે જ કોઈનું લક્ષ ગયું છે. શ્રીકૃષ્ણએ 15થી 31 વર્ષ દરમિયાન અત્યંત વિલક્ષણ એવા ‘શિષ્ટસંપ્રતિપત્તિસત્રો’ કર્યાં. આની પાછળ એમનો મહત્ત્વનો ઉદ્દેશ એ હતો કે જુદા જુદા ધર્મમત ધરાવતા આચાર્યો એકત્રિત થાય અને ભલે સંપ્રદાયો અનેક હોય, પણ ધર્મતત્ત્વ એક છે તે વિશે વિચાર કરે. હિમાલયમાં કૈલાસની પાસે આવેલા બિંદુ સરોવરમાં એક-એક હજાર દિવસ સુધી ચાલનારાં આવાં દીર્ઘસત્રો શ્રીકૃષ્ણે યોજ્યાં હતાં. તેઓ એ સત્ય સ્થાપવા ચાહતા હતા કે ધર્મ એટલે કોઈ મતસંપ્રદાય નહીં, પણ સમાજને ઉચ્ચતમ કક્ષાએ પહોંચાડતું અનુભવસિદ્ધ જ્ઞાન-વિજ્ઞાન. વળી આ પ્રત્યેક સત્રને અંતે લાખોની સંખ્યામાં ઉપસ્થિત એવા વૈદિક અને શ્રમણ પરંપરાના આચાર્યોને તેઓ સુવર્ણમાળા અર્પણ કરતા હતા. આજના સમયમાં જે કાર્ય કરવું દુષ્કર લાગે છે એવા ધર્મપ્રતિપત્તિસત્રો છેક પ્રાગઐતિહાસિક કાળમાં શ્રીકૃષ્ણએ કર્યાં હતાં. આમ કૃષ્ણ એ સમયના માનવસમાજનું ચૈતન્ય હતા. આવાં વિરાટ સત્રોની સાથોસાથ જુલ્મી રાજાઓને પરાજય આપતા હતા, બૃહદ ભારતમાં વિજયો મેળવતા હતા અને પ્રજાકલ્યાણ કરતા હતા.
તા. 6-8-2023
પારિજાતનો પરિસંવાદ