ભૂતકાલીન ભૂતકાળમાં ખેલાયેલાં યુદ્ધોનો ઇતિહાસ મળે છે અને વર્તમાનમાં ઇતિહાસમાં આલેખાયેલી એ ઘટનાઓ વિશે થતાં યુદ્ધો જોવા મળે છે ! આધુનિક ઇતિહાસવિદોએ અંતે સ્વીકાર્યું કે ઇતિહાસમાં સતત ખોજ કરતાં મળતાં નવા તથ્યો અને અમુક વિચાર કે વાદનાં ચશ્માં પહેરીને લખાયેલા ઇતિહાસમાં પરિવર્તનની જરૂર છે. આને કારણે આજે ‘હિસ્ટ્રી ઇઝ ડિબેટ’ (ઇતિહાસ એ ચર્ચા છે)એ સૂત્ર સર્વસ્વીકૃત બન્યું છે અને એવી જ એક ડિબેટ ભારતનાં નામકરણ અંગેની છે.
ભગવાન ઋષભદેવના પુત્ર ભરત, દશરથના પુત્ર ભરત, રાજા દુષ્યંતના પુત્ર ભરત કે નાટ્યશાસ્ત્રના રચયિતા ભરત – આ ચારમાંથી કોના નામથી ભારતનું નામકરણ થયું છે, એની જોરશોરથી ચર્ચા ચાલે છે, એનું તારણ ભવિષ્યમાં જરૂર જોઈશું, પરંતુ ભારતને કેવાં કેવાં નામોથી પૂર્વે ઓળખવામાં આવ્યો છે, તેની રસપ્રદ ખોજ કરીએ.
સ્વયંભૂ મનુએ સૃષ્ટિનો પ્રારંભ કર્યો અને એમના પુત્ર પ્રિયવતે રાત્રે પણ પ્રકાશ જાળવવાની ઇચ્છાથી જ્યોતિર્મય રથ દ્વારા સાત વાર વસુધાતલની પરિક્રમા કરી અને એ પછી એની અંદર સાત મહાદ્વીપ થયા. આ સાત મહાદ્વીપમાં એક દ્વીપ તે જંબુદ્વીપ અને એ જંબુદ્વીપનો અધિપતિ આગ્નીધ્રના સો પુત્રોમાંથી એક પુત્ર તે નાભિ. આ નાભિના એક માત્ર પુત્ર તે ઋષભદેવ, જે જૈન ધર્મના આદિ તીર્થંકર મનાય છે અને જેમની ગણના હિંદુ ધર્મના ચોવીસ અવતારોમાંથી એક તરીકે થાય છે. ઋષભદેવનો એક પુત્ર ભરત અત્યંત લોકપ્રિય અને સદૃ્ગુણી હોવાથી ‘અજનાભવર્ષ’ તરીકે ઓળખાતા આ દેશનું નામ ‘ભારતવર્ષ’ પડ્યું.
પુષ્કળ જાંબુનાં વૃક્ષો હોવાથી એ દેશ જંબુદ્વીપ તરીકે ઓળખાતો. આ દ્વીપનું પ્રાચીન ગ્રંથોમાં વિસ્તૃત વર્ણન મળે છે. નોંધપાત્ર બાબત એ છે કે બૌદ્ધ, જૈન અને પુરાણ સાહિત્યમાં જંબુદ્વીપનો ઉલ્લેખ મળે છે. એમાં પણ જૈન પરંપરામાં જંબુદ્વીપની અવધારણા અત્યંત વ્યાપક છે. એનાં પ્રાચીન કથાનકોમાં પ્રારંભ જ એ વાતથી થાય કે જંબુદ્વીપની અમુક નગરીમાં બનેલી આ ઘટના છે. આ જંબુદ્વીપમાં છ પર્વત અને છ જનપથ સંમેલિત છે અને તીર્થંકરો અને ચક્રવર્તી અહીં જન્મ લે છે. ‘શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિસૂત્ર વક્ષસ્કાર-4’, ‘ક્ષેત્રલોકપ્રકાશ સર્ગ-15, સૂત્ર 39-40’ અને ‘જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિસૂત્ર’માં આનું વિવરણ મળે છે.
આ જંબુદ્વીપ પૂર્ણ ચંદ્ર જેવા આકારનો ગોળ છે અને એક લાખ યોજન લાંબો-પહોળો છે. એની વચ્ચે મધ્યમાં મેરુ પર્વત આવેલો છે. જંબુદ્વીપમાં ગંગા, સિંધુ મુખ્ય નેવું નદીઓ પોતાના પરિવાર સાથે મળીને કુલ ચૌદ લાખ છપ્પન હજાર નદીઓ આગળ જતાં લવણસમુદ્રમાં મળે છે. અહીં 269 પર્વતો છે, દ્વીપની આસપાસ ગોળાકાર વિશાળ કોટ છે. જ્યારે હિંદુ ધર્મનાં પુરાણોના કહેવા પ્રમાણે પૃથ્વી સપ્તદ્વીપા છે અને એના કેન્દ્રમાં જંબુદ્વીપ સ્થિત છે અને આ જંબુદ્વીપમાં ઘણાં વર્ષ છે, જેમાંના એક વર્ષનું નામ ‘ભારતવર્ષ’ છે. હિમાલયના ઉત્તરક્ષેત્રથી મધ્યએશિયા સુધીનો જંબુદ્વીપનો વિસ્તાર હોવાનું પ્રતીત થાય છે અને સમ્રાટ અશોકના શિલાલેખમાં જંબુદ્વીપમાં મનુષ્યો સાથે દેવતાઓ મળે છે, એની વાત કહેવાય છે. ‘વાયુપુરાણ’ના 33થી 35મા અધ્યાયમાં જંબુદ્વીપની ભૌગોલિક સ્થિતિનું વિસ્તૃત વર્ણન મળે છે. જંબુદ્વીપના નવ ખંડોમાં, વર્ષોમાં ભારત વર્ષની શ્રેષ્ઠતાનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
સર્વપ્રથમ વેદ ઋગ્વેદમાં અને એ પછીના વૈદિક સાહિત્યમાં એક બીજું નામ ‘સપ્તસિંધુ’ પ્રાપ્ત થાય છે. પારસીઓનાં ધર્મપુસ્તક ‘જેન્દ અવેસ્તા’માં પણ આ દેશને અનુલક્ષીને ‘હપ્તહિંદુ’ નામ મળે છે. અહીં ‘સ’ને બદલે ‘હ’ પ્રયોજાતો હતો, પરંતુ સપ્તસિંધુ એ સંપૂર્ણ ભારત નથી, બલ્કે ભારતનાં ઉત્તર-પશ્ચિમ ભાગનું નામ છે. કેટલાંક ગ્રંથોમાં ભારત વર્ષને આર્યદેશ તરીકે સંબોધવામાં આવ્યો છે અને મનુસ્મૃતિમાં એ આર્યાવર્તની સીમાનો ઉલ્લેખ મળે છે. પૂર્વ સમુદ્રથી માંડીને પશ્ચિમના સમુદ્ર સુધી, હિમાલય અને વિંધ્યાચળનાં મધ્યભાગને વિદ્વાનો આર્યાવર્ત કહે છે. આથી એમ સિદ્ધ થાય છે કે વિંધ્યાચળ પછી છેક કન્યાકુમારી સુધી ફેલાયેલો પ્રદેશ આર્યાવર્ત નહોતો, બલ્કે ભારત હતો.
મજાની વાત એ છે કે ભારતની સીમાનો ઉલ્લેખ છેક ‘માર્કંડેય પુરાણ’માં મળે છે, જેમાં ભારતની પૂર્વ-પશ્ચિમ અને દક્ષિણમાં સમુદ્ર છે અને ઉત્તરમાં હિમાલય છે એટલે જાણે ધનુષ્યની દોરીની આકૃતિ ધારણ કરતો હોય એમ ભારત લાગે છે. એ પછીનાં પુરાણોમાં પણ આ જ ઉલ્લેખ મળે છે. ભારતને માટે ‘ઇન્ડિકા’ શબ્દનો પ્રયોગ પ્રાચીન ગ્રીક ઇતિહાસકાર, ભારતપ્રવાસી, રાજ્યશાસ્ત્રના નિષ્ણાત મેગેસ્થેનિસે કર્યો છે. એણે ‘ઇન્ડિકા’ નામનું એક પુસ્તક લખ્યું હતું ! એ પુસ્તક આજે અલભ્ય છે, પણ એ પછીના લેખકોએ મળેલા સાહિત્યિક ખંડોના આધારે એ પુસ્તકનું આંશિક પુનઃ નિર્માણ કર્યું છે. પશ્ચિમી જગતનો ભારત વિશે લિખિત વર્ણન કરનાર મેગેસ્થેનિસ પહેલી વ્યક્તિ છે. એ ઘણા લાંબા સમય સુધી ભારતના પાટિલપુત્રમાં રહ્યો હતો અને અહીં રહીને તેણે સારું એવું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ભારત આવતાં પહેલાં એ બખ્ત, બાખ્ત્રી (બેક્ટ્રિયા), ગાંધાર, તક્ષશિલામાં રોકાયો હતો અને ત્યાં હિંદ, હિંદવાન અને હિંદુ જેવા શબ્દો પ્રચલિત હતા. એમ પણ મનાય છે કે ગ્રીક સ્વરતંત્રને અનુરૂપ એટલે કે એના ઉચ્ચારોની ઢબને કારણે એણે એને ‘ઇન્ડસ’ કે ‘ઇન્ડિકા’ નામ આપ્યું હશે.
જ્યારે પારસી અને અરબી પરંપરામાં હિંદુ અને હિંદુનો પ્રયોગ ભારતવર્ષને માટે થતા એ ‘હિંદુસ્તાન’ કહેવાયો. ભારતમાં હિંદુ શબ્દનો પ્રયોગ અરબી લેખકોએ કર્યો અને એ સમગ્ર ભારતવાસીઓને માટે કર્યો. કંબોડિયામાં વસતા લોકો પણ ‘હિંદુ’ કહેવામાં આવતા હતા. જ્યારે ‘ઇન્ડિયા’ નામ સૌપ્રથમ ગ્રીક લેખક હિરોડોટ્સમાં મળે છે.
સહેજ વિશેષ આગળ જઈએ તો ચીની પરંપરામાં પણ સિંધુ પ્રદેશવાસીઓ માટે ‘શેન-તુ’ શબ્દ વપરાય છે. ભારતના પ્રવાસે આવેલા ચીનના હ્યુ-એન-સાંગે એનો પ્રયોગ તિયેન-યૂ અથવા ‘યિન-તૂ’ તરીકે કર્યો છે. યિન-તૂનો અર્થ છે ચંદ્ર અને એમ કહેવાય છે કે યિન-તૂ શબ્દ ‘ઇંદુ’ એટલે ચંદ્રનો દ્યોતક બની ગયો છે.
હવે નજર કરીએ વર્તમાન સમયના ભારતના નામકરણ પર. આપણા પ્રાચીન સાહિત્યમાં ભારતનાં નામ વિશે પાંચ અવધારણા મળે છે. જૈન પરંપરા અનુસાર ઋષભદેવના પુત્ર ભરતના નામ પરથી આ દેશ ભારત કહેવાય છે. આ ધારણાની પુષ્ટિ પુરાણોમાંથી પણ પ્રાપ્ત થાય છે. વિષ્ણુપુરાણ અનુસાર પ્રિયવ્રતના પૌત્ર અને જંબુદ્વીપના સમ્રાટ આગ્નીધ્રના પુત્ર નાભિના સમયમાં આ દેશનું નામ હિમવર્ષ અથવા હેમવતવર્ષ હતું. નાભિના પૌત્ર અને ઋષભદેવના પ્રતાપી પુત્ર ભરતનાં નામ પરથી ‘ભારત’ નામકરણ થયું. ભાગવતપુરાણમાં આ દેશનું નામ ‘અજનાભ’ દર્શાવવામાં આવ્યું છે પણ ચક્રવર્તી ભરતના સમયથી એને ‘ભારત’ કહેવામાં આવે છે, એવો ઉલ્લેખ ‘વાયુપુરાણ’ અને ‘માર્કન્ડેય પુરાણ’માં પણ મળે છે.
‘વાયુપુરાણ’માં એક અન્ય પરંપરાનો ઉલ્લેખ મળે છે, જેમાં દુષ્યંતના પુત્ર ભરતને આનું શ્રેય આપવામાં આવે છે. કેટલાક માને છે કે આ વિચાર એ પાછળના સમયમાં આવેલો વિચાર છે. આ ભરતે એક મહાન યજ્ઞ પણ કર્યો હતો અને મહાભારતના આદિ પર્વમાં શકુંતલા અને દુષ્યંતના પ્રસંગમાં પ્રતાપી ચક્રવર્તી સમ્રાટ ભરતનો ઉલ્લેખ મળે છે અને આવા યજ્ઞને કારણે એના નામ પરથી ભારતકુળ પ્રખ્યાત થયું.
એક ત્રીજી ધારણા એવી મળે છે કે મનુએ પ્રજાનું ભરતપોષણ કર્યું એટલે એમને ભરત કહેવામાં આવ્યા અને જે પ્રદેશમાં માનવસંતતિનો ફેલાવો થયો એ ક્ષેત્રને ભરત કહેવામાં આવ્યું. આમ જુઓ તો ભારત નામનો મૂળ સંબંધ વૈદિક ‘ભરતજન’ સાથે પણ જોઈ શકાય. ‘ઋગ્વેદ’માં દેવશ્રવા અને દેવવાત દ્વારા અગ્નિને મંથન કરીને ઉત્પન્ન કરવાનો ઉલ્લેખ મળે છે અને એમાં ક્રમશઃ વધ્રયશ્વ, દિવોદાસ અને સુદાસ જેવા મહાન રાજાઓ થયા. આ ભરત-જન સરસ્વતી નદીની ઘાટીમાં નિવાસ કરતા હતા. એક સમયે વસિષ્ઠ અને વિશ્વામિત્ર જેવા ઋષિઓ એમના પુરોહિત હતા. મેકડોનાલ્ડ અને કિથના કહેવા પ્રમાણે ભરત રાજાઓનાં નામ પર અગ્નિ(યજ્ઞ વિશેષ)ને ભારત કહેવામાં આવ્યું. એમની દેવીનું નામ ભારતી હતું અને આ રીતે ભારત શબ્દનો અર્થ એ ભરતવંશની સંતતિ છે એમ વૈદિક સાહિત્યમાં જોવા મળે છે.
રામાયણમાં દશરથના પુત્ર ભરતનું નામ મળે છે, પરંતુ બંધુપ્રેમી ભરત ક્યારેય રાજગાદી પર બેઠા નહોતા. એમણે આયોધ્યાના સિંહાસન પર રામની પાદુકા રાખી હતી અને રામ પ્રત્યેની અપાર ભક્તિ સાથે કાર્ય કર્યું હતું. આથી એમના નામ પર આ દેશનું નામ પડ્યું હોય એવી શક્યતા નથી. એ જ રીતે કેટલાક લોકો નાટ્યશાસ્ત્રના પ્રણેતા ભરત પરથી આ દેશનું નામ ભારત પડ્યું હોય એમ કહે છે, જોકે નાટ્યશાસ્ત્રના પ્રણેતા ભરતને રાજકાર્ય સાથે કોઈ સંબંધ નહોતો. આથી ભારતમાં વસતા આપણે સહુ ભારતવાસીઓએ ચિંતન કરવું જોઈએ કે ‘ભારત’ દેશનું નામ કોના પ્રભાવક વ્યક્તિત્વ પરથી પડ્યું !
પારિજાતનો પરિસંવાદ
20-4-2025