શ્રીનગરની વિજયયાત્રામાં ભાગ લેવાનું ઝીણાનું સ્વપ્ન રોળાઈ ગયું !

ફરી એક વાર ધર્મઝનૂની આતંકવાદીઓએ ભારતમાતાનાં હૃદય પર આકરો પ્રહાર કર્યો છે. ધરતીનું સ્વર્ગ ગણાતા કાશ્મીરના પહેલગામમાં નરકનેય નીચું દેખાડે એવા અંધાધૂંધ ગોળીબાર કરીને 28 લોકોની કતલ કરી છે અને કેટલાયને ઘાયલ કર્યાં છે.

ભારતીય તાકાતને આ સૌથી મોટો પડકાર છે. ઇતિહાસ પોકારી પોકારીને વીરત્વને માટે સાદ પાડી રહ્યો છે. આવા સમયે સરદાર વલ્લભભાઈ પટેલની સિંહગર્જનાનું સ્મરણ થાય છે અને આજે એ જ સરદાર પટેલને આરાધ્ય માનતા ભારતના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સિંહગર્જનાની સહુ વાટ જોઈને બેઠા છે.

પહેલગામનાં બૈસરન ઘાટીમાં સૈનિકોના વેશમાં આવેલા આતંકવાદીઓ નિર્દોષ સહેલાણીઓ પર હુમલા કર્યા. જ્યારે ભારતનાં વિભાજન સમયે પાંચ હજાર જેટલા શસ્ત્રસજ્જ ઘૂસણખોરો ભારતની સરહદ પર આતંક મચાવતા હતા. એ સમયે ભારતીય સૈનિકોની હત્યા કરતા હતા. આજે એ સૈનિકોના વેશમાં ભારતમાતાના લાડલાઓની હત્યા કરે છે. એ સમયે અંધાધૂંધી એ માટે હતી કે ભારતની ગુપ્તચર સંસ્થાના એંસી ટકા કર્મચારીઓએ પાકિસ્તાનમાં પનાહ લેવાનું પસંદ કર્યું હતું.

બીજી બાજુ શિયાળાની કડકડતી ઠંડી કાશ્મીરને ધ્રુજાવતી હતી. અત્યંત દ્વિધાગ્રસ્ત કાશ્મીરના મહારાજા ભારત સાથે જોડાવું કે પાકિસ્તાન સાથે જોડાવું તેની અવઢવમાં હતા અને એવા સમયે કાશ્મીરમાં ઘૂસી આવેલા ઘૂસણખોરોએ શસ્ત્રો અને દારૂગોળાના સહારે મુઝફરાબાદ પર સત્તા હાંસલ કરીને ગામ આખાને સળગાવી નાખી ભયાવહ આતંક ફેલાવ્યો હતો. એના લેફ્ટનન્ટ કર્નલ નારાયણસિંહની હત્યા થઈ. શ્રીનગરમાં વીજળીનો પુરવઠો બંધ થઈ ગયો અને પાકિસ્તાનના એક પછી એક દાવ સફળ થતા હતા.

આ સમયે પંડિત જવાહરલાલ નેહરુના નિવાસસ્થાને પ્રધાનમંડળની સંરક્ષણ સમિતિની સભા મળી. બપોરે ત્રણ વાગે મળેલી આ બેઠક પર ઘોર નિરાશા અને ગમગીનીનાં વાદળો છવાયેલાં હતાં. ગૃહખાતાના સચિવ શ્રી વી. પી. મૅનન અને કાશ્મીરના વડાપ્રધાન મહેરચંદ મહાજને કાશ્મીરની છેલ્લામાં છેલ્લી અતિ ગંભીર પરિસ્થિતિથી સહુને વાકેફ કર્યા. કાશ્મીરના વડાપ્રધાન શ્રી મહેરચંદ મહાજને ભારપૂર્વક કહ્યું કે કાશ્મીરને બચાવવું હોય તો બારામુલ્લા અને શ્રીનગર તરફ ધસી રહેલા પાંચ હજાર શસ્ત્રસજ્જ ઘૂસણખોરોને અટકાવવા જોઈએ અને શ્રીનગરને બેફામ લૂંટ, ક્રૂર હત્યા અને ભયાનક વિનાશમાંથી બચાવવું જોઈએ. એમના અવાજમાં પારાવાર વેદના હતી, ત્યારે વડાપ્રધાન નેહરુએ કહ્યું કે જો આ તાયફાવાળાઓ કદાચ શ્રીનગર જીતી લેશે, તોપણ ભારત એમની પાસેથી પાછું આંચકી લેવાની તાકાત ધરાવે છે.

કાશ્મીરના વડાપ્રધાન તરીકે ફરજ બજાવતા ન્યાયમૂર્તિ મહેરચંદ મહાજનને ભારતીય વડાપ્રધાનની આ વાત સહેજે પસંદ પડી નહીં.

એમણે વળતો પ્રશ્ર્ન કર્યો કે, ‘એને પાછું મેળવીશું, તોપણ શ્રીનગરમાં જે ગંભીર તબાહી થઈ ચૂકી હશે, તેનું શું ? જે નુકસાન થઈ ગયું હોય, તે કઈ રીતે વાળી શકાશે ?’

કાશ્મીરમાં તત્કાળ લશ્કરી સહાય મોકલવાની પોતાની આગ્રહભરી વિનંતીનું મહાજને પુનરુચ્ચારણ કર્યું. કમાન્ડર ઇન ચીફ જનરલ બૂચરે કહ્યું કે તેમની પાસે જે સાધનસામગ્રી છે, તે જોતાં તત્કાળ લશ્કરી મદદ પહોંચાડવી  ખૂબ મુશ્કેલ બાબત છે.

પં. જવાહરલાલ નેહરુ એક બાજુથી પારાવાર ચિંતામાં ડૂબેલા હતા, તો બીજી બાજુ તત્કાળ લશ્કરી મદદની અશક્ય પરિસ્થિતિથી કંઈક અંશે નિઃસહાય લાગતા હતા. પં. નહેરુએ મહાજનને કહ્યું કે લશ્કર મોકલવાનો મહત્વપૂર્ણ નિર્ણય આટલો ઝડપી લઈ શકાય નહીં. આને માટે પૂરતી તૈયારી અને ગોઠવણ કરવી જરૂરી બનશે. સંપૂર્ણ ચર્ચા-વિચારણા કર્યા વિના માત્ર તેમની માંગણીને અનુલક્ષીને લશ્કર મોકલી શકાય નહીં.

કાશ્મીરના મુખ્યપ્રધાન શ્રી મહેરચંદ મહાજને જોયું કે ભારતના વડાપ્રધાન પં. નહેરુ આ વિષયમાં તત્કાળ કોઈ પગલું ભરવાનું વિચારતા નથી. મહાજનના અભિપ્રાય મુજબ એવી પરિસ્થિતિ હતી કે હવે લશ્કરી સહાયમાં થોડો પણ વિલંબ થાય, તો કાશ્મીર પર તાયફાવાલાઓ તોફાન જમાવીને પાકિસ્તાનની સત્તાની સ્થાપના માટે રસ્તો સરળ બનાવી દેશે. પાકિસ્તાનના ઝીણા તો શ્રીનગરની વિજયયાત્રામાં ભાગ લેવા માટે તૈયાર થઈને બેઠા હતા. શ્રી મહેરચંદ મહાજને છેલ્લા ઉપાય તરીકે એક પાસો ફેંકતાં કહ્યું, ‘અમને જરૂરી લશ્કરી દળો આપો, તમારે જે લોકપ્રિય પક્ષને સત્તા આપવાની ઇચ્છા હોય તેને કાશ્મીરમાં સત્તા આપો, પરંતુ આજે સાંજે લશ્કર અહીંથી શ્રીનગર રવાના થવું જોઈએ, નહીંતર હું લાહોર જઈને જિન્નાહ સાથે વાટાઘાટ કરીશ.’

મહાજનના આ શબ્દોએ વાતાવરણમાં ઉત્તેજના આણી દીધી. મહાજન કાશ્મીરના વડાપ્રધાન હોવાની સાથે કાશ્મીરના મહારાજાના સલાહકાર પણ હતા. કાશ્મીરના મહારાજાએ આઝાદીના આંદોલન સમયે એક વખત પં. નહેરુને કેદ પણ કર્યા હતા. પં. નહેરુ કાશ્મીરના શેખ અબ્દુલ્લા તરફ વિશેષ ઝુકાવ ધરાવતા હતા અને એથી જ જ્યારે મહાજને એમ કહ્યું કે કાશ્મીરના મહારાજાનો એમને આદેશ છે કે જો ભારત તરત મદદ કરવા ઇન્કાર કરે, તો કાશ્મીરને બચાવવા પાકિસ્તાનનો સાથ મેળવવા પ્રયાસ કરવો. આ સાંભળતાં જ પં. નહેરુએ ગુસ્સે થઈને મહાજનને કહ્યું, ‘તો મહાજન, તમે ચાલ્યા જાવ.’

મહેરચંદ મહાજન ઊભા થયા અને બહાર નીકળવા જતા હતા, ત્યાં સરદાર પટેલે મહાજનને સહેજ અટકાવીને કાનમાં કહ્યું, ‘પણ મહાજન, તમારે પાકિસ્તાન જવાનું નથી.’

આ સમયે શેખ અબ્દુલ્લાએ પણ કાશ્મીરની ગંભીર પરિસ્થિતિ વિશે વાત કરતાં પં. નહેરુ વિચારમાં પડ્યા. શેખ અબ્દુલ્લાએ ભારપૂર્વક કહ્યું કે કાશ્મીરને બચાવવા માટે તાત્કાલિક મદદ આપવી જરૂરી છે.

અત્યાર સુધી આ બધી ચર્ચાઓ સાંભળી રહેલા સરદારે સ્પષ્ટ અને નિર્ણયાત્મક શબ્દોમાં કહ્યું, ‘સેનાપતિઓ, સાંભળો. ગમે તે ભોગે કાશ્મીરને બચાવવાનું છે. તમારી પાસે સાધનસામગ્રી હોય કે ના હોય, તમારે આ કાર્ય પાર પાડવાનું છે. સરકાર તમને તમામ પ્રકારની મદદ કરશે.’

આટલું કહ્યા પછી સરદારે દૃઢ અવાજે ઉમેર્યું, ‘જુઓ, તમારે આ કામ પાર પાડવાનું છે. જરૂર, જરૂર અને જરૂરથી. (સરદાર ‘જરૂર’ શબ્દ ત્રણ વાર બોલ્યા હતા.) ગમે તે થાય, પણ આ કાર્ય સિદ્ધ કરવાનું છે. કાલ સવારથી આ ‘ઑપરેશન ઍરલિફ્ટ’ શરૂ કરી દો. કોઈ પણ ભોગે કાશ્મીરને બચાવવાનું છે.’ આટલું બોલીને સરદાર સભામાંથી બહાર નીકળ્યા. સરદારની નિર્ણયાત્મક ભાષાએ કાશ્મીરમાં તત્કાળ લશ્કર મોકલવાનો દૃઢ સંકલ્પ કર્યો.

એ રાત્રે જ ભારતીય લશ્કરની બે કંપની હવાઈ જહાજ મારફતે શ્રીનગર મોકલવાનો નિર્ણય લેવાયો. દિલ્હીના સંરક્ષણમથકે રાતભર ધમાલ ચાલી. લશ્કરી અધિકારીઓ અને સનદી અમલદારોએ આખી રાત જાગીને પાઇલટો, હથિયારો અને પુરવઠો એકઠો કર્યો. જગતના ઇતિહાસમાં હવાઈ જહાજ મારફતે આટલું મોટું લશ્કર મોકલવાની વિરલ ઘટના સર્જાઈ.

એ સમયે દેશમાં સહુને માટે એક આશ્ચર્ય સર્જાયું. નાગરિકો માટેનાં દેશનાં તમામ વિમાનો દિલ્હી પહોંચી ગયાં. નાગરિક માટેનું વિમાન હોય કે લશ્કરનું વિમાન હોય, પણ તેમાં દિલ્હીથી એકસો વિમાન મારફતે લશ્કર શ્રીનગર પહોંચ્યું.

સરદાર પટેલના નિર્ણયે એક નવી પરિસ્થિતિ ઊભી કરી. સરદાર દૃઢ નિર્ણયના માનવી હતા અને એ જ રીતે એ નિર્ણયના પૂર્ણ અમલીકરણને ચકાસનારા હતા. લશ્કર વિમાન મારફતે ગયું તે પૂર્વે સ્ક્વોડ્રન લિડર ચીમનીએ સરદાર પટેલને કાશ્મીરમાં વિમાન મારફતે જવા તૈયાર થઈ રહેલી સેનાની માહિતી આપી.

હજી લશ્કરનો પહેલો કાફલો પહોંચે, ત્યાં જ સરદાર પટેલે ખુદ કાશ્મીર જવા માટે ભારતીય હવાઈ દળના વિમાનની માગણી કરી. એમને  કાશ્મીરની જાતતપાસ કરવી હતી. લશ્કર મોકલ્યું, પણ એની જરૂરિયાતો પ્રત્યક્ષ રીતે જાણવી હતી. શ્રીનગરના હવાઈ મથક પર અગાઉના દિવસે ત્રણસો જેટલા ઘૂસણખોરોએ હુમલો કર્યો હતો. એના અર્ધા ભાગ પર ઘૂસણખોરોનો બૉમ્બમારો ચાલતો હતો. આવે સમયે કાશ્મીરમાં જવું એ સામે ચાલીને જાનનું જોખમ વહોરવા જેવું હતું. સરદાર કદી આવા જોખમથી ડર્યા નહોતા. મૃત્યુનો એમને કશો ભય નહોતો, આથી તેઓ મણિબહેન અને બીજા સ્ટાફના સભ્યોની સાથે કાશ્મીર જવા નીકળ્યા.

કોઈકે એમ કહ્યું કે આવી જોખમી સફર માટે કમાન્ડર ઇન ચીફ સર રોય બૂચર તમને પરવાનગી નહીં આપે. બોતેર વર્ષના સરદાર પટેલે કહ્યું કે એ અંગે તમારે ચિંતા કરવાની જરૂર નથી. માત્ર મને જવા માટે વિમાન આપો.

સરદાર પટેલ તત્કાળ શ્રીનગર ગયા. જઈને સીધા ભારતીય લશ્કરના બ્રિગેડિયર સેનને કહ્યું કે તમારે કોઈ પણ ભોગે વિજય મેળવવાનો છે. એને માટે તમારી જે જરૂરિયાત હોય, તે તત્કાળ જણાવો. તે મળે તેવો પ્રબંધ કરીશ. સરદાર પટેલે આવશ્યકતાઓની યાદી કરી લીધી. તરત જ દિલ્હી પાછા ફર્યા. સેનાપતિ એમને શ્રીનગરના હવાઈ મથક સુધી વળાવવા આવવા માગતા હતા, ત્યારે સરદારે કહ્યું, ‘તમારે વળાવવા આવવાની જરૂર નથી. તમે તમારું કામ કરો અને હું મારું કામ કરું.’ સરદાર રાત્રે દિલ્હી પહોંચ્યા અને તરત જ મધરાતે ફોન કરીને સઘળી સાધનસામગ્રી તૈયાર કરાવી મોકલી આપી.

સરદાર પટેલે જોયું કે આ લડાઈ લાંબી ચાલવાની છે. આથી જમ્મુ અને પઠાણકોટ વચ્ચે ભારે વજનદાર લશ્કરી વાહનો ચાલી શકે, તેવા મજબૂત રસ્તાની જરૂર છે. આ રસ્તો આઠ મહિનામાં તૈયાર થવો જોઈએ. આ અંગે સરદાર પટેલે જાહેર બાંધકામ ખાતાના મંત્રી ગાડગીલને બોલાવ્યા. એમને નકશો ખોલીને સરદારે જમ્મુથી પઠાણકોટનો 65 માઈલનો લાંબો રસ્તો બતાવ્યો. કહ્યું કે આ રસ્તો યુદ્ધ સમયે ઉપયોગમાં લેવાય તેવો બનાવવો છે. શ્રી ગાડગીલે કહ્યું ‘આ નકશામાં માત્ર રસ્તો બતાવ્યો છે, પણ એમાં વચ્ચે આવતી ટેકરીઓ નથી. નદી પર બાંધેલાં નાળાં નથી. આ બધાનો વિચાર કરવો પડે.’

સરદાર પટેલે કહ્યું, ‘આ બધાનો વિચાર કરજો, પણ આ કામ કોઈ પણ હિસાબે થવું જોઈએ.’

પાંસઠ માઈલનો રસ્તો બાંધવા માટે રાજસ્થાનથી ખાસ ટ્રેનો મારફત મજૂરો બોલાવવામાં આવ્યા. રાત્રે કામ ચાલે, તે માટે ફ્લડલાઇટો મુકાવી. મજૂરો માટે દવાખાનાં અને હરતાં-ફરતાં સિનેમાઓ ઊભાં કર્યાં. ચીજવસ્તુઓ મળી રહે તે માટે બજાર ઊભું કર્યું.

અંતે સરદારની ઇચ્છા મુજબ પાંસઠ માઈલનો રસ્તો સમયસર તૈયાર થઈ ગયો. આવા હતા સરદાર ! ભારત આજે એ ઇતિહાસનું પુનરાવર્તન કરી શકશે ખરું ? પાંચ હજાર શસ્ત્રસજ્જ તાઈફાવાળાઓ ભારતીય સૈન્ય આગળ પરાજિત થયા. આવા હતા સરદાર. ભારત આજે એ ઇતિહાસનું પુનરાવર્તન ચાહે છે.

24-4-2025

ઈંટ અને ઈમારત

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑