45 મિનિટનો દિવસ અને 45 મિનિટની રાત !

પૃથ્વી પર તો ખૂબ લડ્યા, હવે અંતરિક્ષમાં યુદ્ધ ખેલીએ !

માનવી જેવી સત્તા, લોલુપતા અને પ્રભુત્વની વણછીપી ભૂખ અન્ય કોઈ પ્રાણીને હશે ખરી ? આજે માનવી એની સત્તાની ભૂખને કારણે ઠેર ઠેર ભયાવહ માનવસંહાર કરી રહ્યો છે અને એની પ્રભુત્વની અદમ્ય લાલસાને કારણે આ દુનિયામાં રોજેરોજ ઉથલપાથલ કરી રહ્યો છે.

આમેય આજે આપણી પૃથ્વી અત્યંત પીડિત છે. ક્યાંક દુષ્કાળ તો ક્યાંક ભૂખમરો, ક્યાંક ધરતીકંપ તો ક્યાંક રહેઠાણની સમસ્યા, તો વળી ક્યાંક ધર્મને નામે તો ક્યાંક જાતિને નામે નિર્દૃય યુદ્ધો ચાલી રહ્યાં છે.

સત્તાધીશોને ભય પમાડવામાં રસ છે અને આતંકવાદીઓને બીજાનો વિનાશ કરવાની ભારે દિલચસ્પી છે. બીજી બાજુ શુદ્ધ પાણી મળતું નથી. હવા તો એટલી પ્રદૂષિત છે કે શ્ર્વાસની સાથે બિમારીને નિમંત્રણ આપે છે. આ જગતમાં માત્ર ગણ્યા-ગાંઠ્યા દેશો જ ચેનની નીંદ લે છે. બાકીનાં બધા તો ગરીબી, આતંક, ભ્રષ્ટાચાર અને સત્તાધીશોનાં જુલમ વગેરેથી રાત-દિવસ પીડાય છે.

આજે માનવી વિચારે છે કે જ્યારે ‘અપના દેશ પરાયા’ બન્યો છે, ત્યારે હવે કોઈ બીજા દેશની શોધ કરવી જોઈએ, એમ ના માનશો કે બીજા દેશમાં વધુ સુખ અને શાંતિ હશે. સુનિતા વિલિયમ્સ અને એના સાથી બુચ વિલ્મોર અંતરિક્ષમાં લાંબો સમય વસવાટ કરીને આવ્યા, તેથી હવે એવો વિચાર જાગ્યો છે કે, ‘આ અંતરીક્ષમાં માનવવસવાટ શક્ય છે ખરો ?’

પણ જુઓ આ વિચાર અમલમાં આવે તે પહેલા તો પરિસ્થિતિ એવી થઈ છે કે અંતરિક્ષમાં જે દેશ પહોંચશે, તેની સત્તા એના પર છવાયેલી રહેશે. પૃથ્વીને સત્તાના મદમાં ઘમરોળતા લોકો અંતરિક્ષનેય છોડવા માગતા નથી.

1957માં માનવઇતિહાસની એક મોટી ઘટના બની. સોવિયેટ સંઘે પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ સ્પૂટનિક-1 અવકાશમાં તરતો મૂક્યો અને એની સાથોસાથ અવકાશી જમીનના અધિકારો માટેનો રાજકીય સંઘર્ષ શરૂ થયો. અમેરિકા અને રશિયા બંને પક્ષો આંતરરાષ્ટ્રીય સમુદાયમાં જોડાયા અને અવકાશનું સંચાલન કરતી આંતરરાષ્ટ્રીય સંઘને બહાલી આપી. એના દ્વારા આજે પણ અવકાશના નીતિનિયમોનું સંચાલન થાય છે.

પચાસ વર્ષ સુધી ચાલતી આ સંધિ સાથે સમસ્યા ખડી થઈ છે. આઉટર સ્પેસ ટ્રીટીનો એલોન મસ્કે અસ્વીકાર કર્યો છે. જેણે અમેરિકામાં અને વિશ્વમાં કેટલાય સંઘર્ષો જગાવ્યા છે, એ હવે અવકાશના સંદર્ભમાં નવા ભૂ-રાજકીય સંઘર્ષના એંધાણ આપે છે. પૂર્વે મહાભારતમાં જમીન માટે કુરુક્ષેત્રમાં યુદ્ધ લડાયું હતું. ભવિષ્યમાં પોતાના વિસ્તાર માટે અંતરિક્ષમાં યુદ્ધ ખેલાશે ?

પૃથ્વીની બહાર પ્રવાસ કરવાનો ભય માનવજાતિના માથે કેટલાય યુગોથી સતાવી રહ્યો હતો. 1961ની 12મી એપ્રિલે યુરી ગાગરીન અવકાશમાં જનારાં પ્રથમ માનવ બન્યાં. સોવિયેત સંઘની આ સિદ્ધિથી જગતમાં ભારે હલચલ મચી ગઈ. સોવિયેત સંઘ અને અમેરિકા વચ્ચેના સંઘર્ષમાં સોવિયેત સંઘનો વિજય થયેલો સહુએ જોયો અને એક મહિનાથી પણ ઓછા સમયમાં અમેરિકાએ એલન શેફર્ડને અંતરિક્ષમાં મોકલ્યો. અમેરિકાએ ઝડપથી અંતરિક્ષક્ષેત્રે પ્રગતિ કરવાનો પ્રયાસ કર્યો.

સત્તાપ્રેમી યુદ્ધખોર દેશોના સત્તાધીશોએ અંતરિક્ષયાત્રાની સાથોસાથ એને પોતાનું સમરાંગણ પણ બનાવ્યું. ‘દુર્યોધનને તો યુદ્ધ જ ખપે અને યુદ્ધ જ દેખાય’ એ રીતે વિશ્વના આ દેશોએ અંતરિક્ષમાં કેટલાક જોખમી પ્રયોગો કર્યા. 1962ની 9મી જુલાઈએ અમેરિકાએ ‘સ્ટારફિશ પ્રાઇમ’ નામના પ્રોજેક્ટના ભાગ રૂપે 400 કિમી. ઊંચા 1.4 મેગાટન હાઇડ્રોજન બૉમ્બવિસ્ફોટથી આખાય આકાશને ધ્રુજાવી દીધું. એનાથી આખુંય આકાશ પ્રકાશિત થઈ ગયું, રેડિયો ટ્રાન્સમિશન અને ફોનકૉલ્સ ખોરવાઈ ગયા, અમેરિકાના હવાઈ ટાપુમાં હજારો માઈલ દૂર સ્ટ્રીટ લાઇટ ઝબકારા લેવા લાગી. વિમાનોમાં વિદ્યુત ઉછાળો આવ્યો અને છ ઉપગ્રહોને નુકસાન થયું.

સોવિયેત રશિયા ક્યાંથી પાછું પડે ? એણે પણ આ અખતરો કર્યો અને એને પરિણામે કઝાકિસ્તાનના વિદ્યુત ગ્રીડના કેટલાક વિભાગો ખોરવાઈ ગયા. આમ બે શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેની સ્પર્ધાની સાથોસાથ અંતરિક્ષમાં નવાં નવાં શસ્ત્રોની સ્પર્ધા થવા લાગી. વળી અંતરિક્ષમાં આવા કોઈ વિસ્ફોટ કરવા અંગે કાયદો નહોતો, તેથી બે શક્તિશાળી દેશોને મનસ્વી રીતે વર્તવાની પૂરી મોકળાશ મળી.

છેક 1963ની આંશિક પરમાણુ પરીક્ષણ સંધિમાં ખૂબ ઊંચાઈમાં પરમાણુ પરીક્ષણ કરવા પર પ્રતિબંધ મુકાયો અને એ જ વર્ષે સંયુક્ત રાષ્ટ્રએ અંતરિક્ષ માટે સિદ્ધાંતો જાહેર કર્યા. આ સિદ્ધાંતો સમય જતાં સંયુક્ત રાષ્ટ્રની સંધિ રૂપે આવ્યા. આવી ત્રણેક સંધિઓ થઈ. અંતરિક્ષમાં સામૂહિક વિનાશનાં શસ્ત્રો અજમાવવાથી અંતરિક્ષના પદાર્થોને નુકસાન થાય છે અને આવું નુકસાન ન થાય તે માટે રાષ્ટ્રોને જવાબદારી આપવામાં આવી છે. અત્યારે અંતરિક્ષમાં આંતરરાષ્ટ્રીય અંતરિક્ષમથક એવું છે કે જ્યાં માનવી હંગામી ધોરણે થોડા સમય માટે વસવાટ કરી શકે.

વળી અંતરિક્ષમાં 45 મિનિટનો દિવસ અને 45 મિનિટની રાત હોવાથી પૃથ્વી પરના માનવને એના રાત-દિવસને અનુકૂળ થવું પડે. આવી અંતરિક્ષની કેટલીક વિગત ઇસરોના અમદાવાદ ખાતેના અંતરિક્ષ ઉપયોગ કેન્દ્રમાં 37 વર્ષ કરતાં પણ વધુ સમય સુધી કાર્ય કરનાર અને આ વિષયનો ઊંડો અભ્યાસ ધરાવનાર શ્રી ચિંતન ભટ્ટના ‘પૃથ્વીથી અંતરિક્ષ ભણી’ પુસ્તકમાંથી મળે છે.

આ સંદર્ભમાં તેઓ કહે છે કે, ‘45 મિનિટનો દિવસ અને 45 મિનિટની રાત ધરાવતા આ અંતરિક્ષમથક પર વસવાટ કરવા ઇચ્છનારે પહેલાં પોતાની જાતને સ્વસ્થ રાખવા માટે દરરોજ બે કલાક કસરત કરવી પડે. એમને વસવાટ માટે ખૂબ ઓછી જગા મળી હોય, આથી તસુએ તસુ જગાનો ખૂબ વિચાર કરીને કાર્યક્ષમ ઉપયોગ કરવો પડે.’

આજે આવા અંતરિક્ષમથક પર ફ્રીઝર, ફ્રીઝ, સ્ટવ કે માઇક્રોવેવ ઓવન નથી હોતું માટે તેમનો મોટા ભાગનો ખોરાક રાંધેલો જ હોય છે. અલબત્ત, ખોરાકને ગરમ કરવા પૂરતી નાનકડી વ્યવસ્થા ત્યાં હોય છે. ખોરાક ઉપરાંત અન્ય જરૂરી વસ્તુઓ તેમને સમયાન્તરે પૃથ્વી પરથી પહોંચાડવામાં આવે છે. ત્યાં મોકલવાના ખોરાકમાંથી પાણી દૂર કરીને શૂન્યાવકાશમાં બંધ કરવામાં આવે છે એટલે કે તેમાંથી હવા પણ કાઢી લેવામાં આવી હોય છે. ખોરાક બગડી ન જાય તે રીતે તેને ચુસ્ત બંધ કરવામાં આવે છે. જરૂર પડે ત્યારે તેમાં જરૂર પૂરતું પાણી નાખીને ગરમ કરવાથી ભોજન તૈયાર થઈ જાય છે.

આ ખોરાકને મળતો આવતો ખોરાક પૃથ્વી પર અને પૃથ્વી પરના લોકો માટે પણ મળે છે — જેમ કે સૂપ, નૂડલ્સ અને અન્ય વાનગીઓના ‘રેડી ટુ ઇટ’ પડીકાંઓ. અંતરિક્ષખોરાક ખાતી વખતે કરચ વેરાય નહીં તેવો હોવો જોઈએ. અંતરિક્ષમાં શૂન્ય-જી સ્થિતિમાં કરચ તરવા લાગે અને ઉપકરણોમાં ભરાઈને તેને ખરાબ કરી શકે છે. આ રીતે આપણો શીરો કે ઉપમા અંતરિક્ષયોગ્ય ખોરાક લાગે છે ને ?

અંતરિક્ષમથકનું શૌચાલયનું પણ થોડું જુદા પ્રકારનું હોય છે. ખાસ તો અંતરિક્ષમાં દરેક વસ્તુ તરવા લાગે છે, માટે શૌચાલય પર બેઠા પછી પટ્ટા વડે પોતાને બેઠક સાથે જકડી રાખવામાં આવે છે. મળના નિકાલ માટે પાણીથી ફ્લશ કરવામાં નથી આવતું, પણ શોષી લેવામાં આવે છે – ખેંચી લેવામાં આવે છે. આ અને બીજા ઘન કચરાને પૃથ્વી પર પાછો લાવવામાં આવતો નથી. અંતરિક્ષમથક પર  પુરવઠો પૂરું પાડતું યાન જ્યારે પાછું ફરે ત્યારે ઘન કચરો સાથે લેતું જાય છે અને રસ્તામાં તેને બહાર છોડી દે છે.

પૃથ્વીના ગુરુત્વાકર્ષણને લીધે કચરો પણ તીવ્ર ગતિથી પૃથ્વી તરફ ધસી જાય છે. વાતાવરણમાં તેના પ્રવેશની સાથે જ ઘર્ષણથી તે સળગી ઊઠે છે. માનવ દ્વારા ઉત્સર્જિત પ્રવાહી કચરામાં (પરસેવો અને મૂત્ર) 98 ટકા જેટલું તો પાણી જ હોય છે માટે તેને શુદ્ધ કરી ફરી ફરી વાપરવામાં આવે છે.

આ તો થઈ નાનકડા અને બંધિયાર વાતાવરણમાંના માનવવસવાટની વાત. અહીં હવા, પાણી અને ખોરાકનો પુરવઠો જરૂર મુજબ પૃથ્વી પરથી પૂરો પાડવામાં આવે છે. વિજ્ઞાનીઓએ હવે ચંદ્ર અને ત્યારબાદ અન્ય ગ્રહોની સપાટી પર વસવાટ કરવાનું સપનું જોયું છે. તેને સાકાર કરવા માટેની યોજના પણ બનાવી છે. આજની આ કાગળ ઉપરની યોજના આવતીકાલે હકીકત પણ બની શકે છે.

અંતરિક્ષયાત્રા અને અંતરિક્ષવસવાટ માનવીનું સદીઓ જૂનું સપનું છે. તેના વિશે અનેક વિજ્ઞાનકથાઓ આવી. અંતરિક્ષ ખેડાણની સાથે સાથે અંતરિક્ષવસવાટ વસાહતનાં સપનાંએ માનવીને જગાડી દીધો. વિજ્ઞાનીઓએ તે અંગેની યોજના બનાવી — વસાહતના નકશા પણ તૈયાર કરી દીધા. તેના વિશે વાત કરતાં પહેલાં અંતરિક્ષવસાહતના કેટલાક લાભાલાભ જોઈ લઈએ. પૃથ્વી પર માનવજાતિને અનુકૂળ વાતાવરણનો માનવી જ નાશ કરી રહ્યો છે. આ પરથી લાગે છે એક સમય એવો આવશે જ્યારે પૃથ્વી પરથી ગરીબી અને બીમારી નેસ્તનાબૂદ થઈ ગઈ હશે, પણ ત્યારે કોઈ માનવી બચ્યો જ નહીં હોય. દરેક પ્રાણી પોતાનું અને પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સતત મહેનત કરતું હોય છે — પ્રયાસ કરતું હોય છે. માનવીની નૈતિક ફરજ પણ છે અને હક્ક પણ છે કે માનવજાતનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે બનતો બધો જ પ્રયત્ન કરે. પૃથ્વી પર માનવજાતના અસ્તિત્વનો ભય છે, ત્યારે અન્ય ગ્રહો પર વસવાટના વિચારમાં એક આશાનું કિરણ દેખાય છે.

3-4-2025

ઈંટ અને ઈમારત

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑