અધ્યાત્મ પહેલાં સંસાર

જીવનની સદંતર ઉપેક્ષાને અને સાંસારિક લાગણીઓના પ્રબળ તિરસ્કારને આધ્યાત્મિકતાની આવશ્યક શરત માનવામાં આવે છે. જીવનના સહજ ભાવોનો છેદ ઉડાડીને અથવા તો જીવનની લાગણીઓ પ્રત્યે બેપરવા બનીને અધ્યાત્મમાર્ગે ચાલવું જોઈએ, એમ મનાય છે, પરંતુ આ એક ગંભીર ભૂલ છે. જીવન એ તો આધ્યાત્મિકતા માટેનું પાત્ર છે અથવા તો આધ્યાત્મિકતા પામવા માટેનું સાધન છે. સાધનનો તિરસ્કાર કરીને સિદ્ધિ મેળવવી શક્ય નથી.

કેટલાંય વર્ષોથી એક એવી માન્યતા વ્યાપ્ત છે કે જીવનની સઘળી બાબતોનો ત્યાગ કરીને અધ્યાત્મના માર્ગે ચાલવું જોઈએ. કેટલાક તો એમ માને છે કે જીવનનાં કર્તવ્યો કે કૌટુંબિક સંબંધોનો પણ આધ્યાત્મિક વ્યક્તિને માટે કશો અર્થ નથી અને તેથી આવી વ્યક્તિએ જીવનને ઉતરડી નાખીને આધ્યાત્મિકતા તરફ જવું જોઈએ, પરંતુ એમ કરનાર ન તો સાચું જીવન પામે છે કે ન તો આધ્યાત્મિક પ્રસન્નતા, હકીકતમાં તો જીવનની સીડીનાં પગથિયાં ચડીને જ આધ્યાત્મિકતાની ઊંચાઈએ પહોંચી શકીએ. આધ્યાત્મિક બનવા માટે સંસાર-જીવનના મૈત્રી, કરુણા, અનુકંપા જેવા ભાવો વિશેષ મહત્ત્વના છે. એ ભાવોના વિકાસ દ્વારા જ વ્યક્તિ પ્રગતિની ટોચે પહોંચી શકે છે. જો જીવનનો છેદ ઉડાડીને વ્યક્તિ આધ્યાત્મિકતા તરફ ગતિ કરે તો, કાં તો એની પાસે એકાંગી દર્શન રહેશે અથવા તો સમય જતાં આધ્યાત્મિકતામાં એને શુષ્કતા અને નીરસતાનો અનુભવ થશે. આથી આધ્યાત્મિકતાને સમજવા માટે પહેલાં જીવનને સમજવું જરૂરી છે. જીવનને ઓળખીને જ વ્યક્તિને માટે અધ્યાત્મમાર્ગે ચાલવાનું શક્ય બને.

કુમારપાળ દેસાઈ

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑