કોઈ વ્યક્તિ બીજાની યોજનાની તફડંચી કરે, કોઈ છેતરપિંડી કરીને સામી વ્યક્તિને ફસાવે, તો કોઈ કૌભાંડો કરીને પસીનો વહાવ્યા વિના પૈસા એકઠા કરવાનો નુસખો અજમાવે, ત્યારે વ્યક્તિનો અંતરાત્મા તો એને ઊંડે ઊંડે ડંખતો હોય છે. આવા ખોટા કામની બે પ્રતિક્રિયા આવે છે. એક તો વ્યક્તિમાં અપરાધબોધ જાગે છે. એનો આત્મવિશ્વાસ ઘટે છે અને મનોચિકિત્સકોએ નોંધ્યું છે કે આવું ખોટું કરનારની કાર્યક્ષમતા ઓછી થવા માંડે છે અને એની ભાવનાત્મક શક્તિ ઝાંખી પડવા માંડે છે.
આનું કારણ એ કે દરેક વ્યક્તિના હૃદયમાં એવો ભાવ સ્થાયી રૂપે પડેલો હોય છે કે આપણે સાચા હોઈએ, સાચું વિચારીએ અને સાચા માર્ગે કામ કરીએ. આમાંથી એક પણ બાબતમાં ચૂક થાય તો એ વ્યક્તિને એક પ્રકારનો નૈતિક અપરાધબોધ થાય છે. કદાચ એ જાડી ચામડી ધરાવતો હોય તો એને અસંતોષ જાગે છે અથવા તો ન સમજાય એવા અજંપાનો શિકાર બને છે.
ખોટું કાર્ય કરવાની બીજી પ્રતિક્રિયા એ છે કે કોઈ પણ કાર્ય છૂપું રહી શકતું નથી. એમ કહેવાય છે કે એક અંધારિયા ખંડમાં કોઈ વ્યક્તિએ દુષ્કૃત્ય કર્યું હોય, તો એની સામે એવી પરિસ્થિતિ સર્જાય છે કે છાપરે ચડીને એનું પાપ પોકારતું હોય છે. એનો અર્થ જ એ કે એનું ખોટું કાર્ય જાહેર થતાં અન્ય વ્યક્તિઓનો એના પરનો વિશ્વાસ ચલિત થવા લાગે છે અને એ રીતે વ્યક્તિને થતો અપરાધબોધ એના જીવનમાં અવરોધરૂપ બની રહે છે. એના જીવનની સરળતા ચાલી જાય છે અને એના મન પર સતત એક પ્રકારનો ભય અને ટેન્શન રહ્યા કરે છે.
કુમારપાળ દેસાઈ