‘સમગ્ર સંસાર માયાથી ભરેલો છે’ અથવા તો ‘સંસાર મિથ્યા કે અતિ દુઃખમય છે’, એવો વિચાર કરીને અધ્યાત્મ તરફ વળવાને બદલે એમ વિચારવું જોઈએ કે અધ્યાત્મ એ એને સંસારને ઓળખવાની ચાવી આપે છે. એને પોતાની આસપાસના જગતને જોવાની આંખ આપે છે. જીવનના સંઘર્ષો વચ્ચે સ્વસ્થતા ધારણ કરવાની શક્તિ આપે છે. આઘાતો વચ્ચે ટટ્ટાર ઊભા રહેવાની તાકાત આપે છે.
જગતમાં ચોતરફ છળ, કપટ, લુચ્ચાઈ અને દગાખોરી વ્યાપેલાં છે અને વ્યક્તિને એનો ડગલે ને પગલે અનુભવ થતો રહે છે. એ પોતાની સામે છળ-કપટ થતાં જુએ અને છળી ન જાય, તે જરૂરી છે. સાથીઓનો દગો-ફટકો જુએ અને પ્રચંડ દુઃખથી ભાંગી પડે નહીં, તે જરૂરી છે. વિના કારણે થતી પોતાની નિંદા સાંભળે અને એ નિંદાને નમી ન પડે એ જરૂરી છે. બહિર્મુખ જગતમાં જીવવાનો પડકાર સ્વીકારવાની સાથોસાથ એની અંતર્મુખતાને આંચ ન આવે એ જોવાની જરૂર છે. જીવનની ઊથલપાથલો વચ્ચે એ આમ-તેમ, ઉપર-નીચે મનથી ફંગોળાય નહીં, તે જોવાની જરૂર છે અને આ સઘળું જોવાની અને સ્વસ્થ રહેવાની સમતાભરી આંખ એને અધ્યાત્મ આપે છે.
જિંદગીના રંગમંચ પર ખેલાઈ રહેલા જગતના નાટકને જોવાની દૃષ્ટિ અધ્યાત્મ આપે છે અને આ અધ્યાત્મની આંખ પ્રાપ્ત થાય, તો વ્યક્તિ જગતમાં હશે અને છતાં જગતથી પર હશે. વ્યવહારમાં જીવતો હશે અને છતાં એનાથી નિર્લેપ હશે. ચોપાસ સ્પૃહાઓને વકરતી જોતો હશે અને છતાં એ નિઃસ્પૃહ રહેશે. પોતાની આસપાસ થતી ઘટનાઓથી દૂર રહીને દર્શક તરીકે એને જોશે, ત્યારે એની અધ્યાત્મની આંખ કેટલી બધી પ્રસન્નતાથી છલકાતી હશે !
કુમારપાળ દેસાઈ