‘જિંદગી એટલે નસીબનો ખેલ’ એમ માનનારાઓ એક મહત્ત્વની બાબત ભૂલી જાય છે કે નસીબ માનવી સામે દાવ ખેલતું હોય છે, પરંતુ એ દાવનું પરિણામ જાહેર કરવાનું માનવીના હાથમાં છે. નસીબ એની સામે દડો વીંઝે છે, પરંતુ એ ખેલાડી આઉટ થયો, રન-આઉટ થયો કે નોટ આઉટ રહ્યો, એ જાહર કરનારો અમ્પાયર તો માનવી જ છે.
માનવીને ઘટનાની શરણે જવું પડે છે, જે કોઈ આઘાત આવે તેને મોંમાં તરણું રાખીને સ્વીકારવા પડે છે, પરંતુ એ આઘાતનું અર્થઘટન એની પાસે છે. એક અકસ્માત થાય તો કોઈ પોક મૂકીને કહેશે કે ઓહ ! કેટલું બધું વાગ્યું છે તો બીજી વ્યક્તિ વિચારશે કે આ તો મારી ઘાત ગઈ. આમ ઘટના તો બનવાની હોય તે જ બનતી હોય છે, પરંતુ એનું અર્થઘટન તારવવાની તમારી પાસે મહાન શક્તિ છે.
અયોધ્યામાં આવતીકાલે સવારે સૂર્યવંશી રામનો રાજ્યાભિષેક થવાનો હતો પણ એને બદલે ચૌદ વર્ષનો વનવાસ મળ્યો, તો એને પણ રામે એ જ સાહજિકતાથી સ્વીકાર્યું. એક બાજુ રાજનો કાંટાળો તાજ હતો, તો બીજી બાજુ વનનો કાંટાળો માર્ગ હતો, પણ રામ તો બંને અંગે સમાનવૃત્તિ ધરાવતા હતા. ન રાજ્યાભિષેકના નિમંત્રણે એમનું હૈયું હરખાયું કે ન ચૌદ વર્ષના વનવાસે એમનું હૈયું કરમાયું. આનું નામ છે જીવનમાં બનતા આવાતોનું અર્થઘટન. આ અર્થઘટન એ જ માનવીને માટે સુખનો વિસામો કે દુઃખનો ડુંગર બની રહે છે.
કુમારપાળ દેસાઈ