આપણા કામને ચાહીએ !

પોતાના કામથી કંટાળી ગયેલો શિક્ષક ટેબલ પર જોરથી વિદ્યાર્થીઓની નોટબુકને પછાડશે, નીરસ રીતે સરકારી કામગીરી કરતો અધિકારી લમણે હાથ મૂકશે, રસ વગર નોકરી કરતા માણસના ચહેરા પર કંટાળો અને બોજ દેખાશે. તેઓ કહે છે, ‘અમને અમારા કામમાં સહેજે મજા પડતી નથી. આ કામ એ તો અમારે માટે અભિશાપ છે. લાચારી કે મજબૂરીને કારણે કરીએ છીએ, પરંતુ જો બીજું કામ મળે તો ચપટીમાં આ કામને છોડી દઈએ’ આવું વિચારતી વ્યક્તિ પોતાના કામમાં સહેજે મન દેશે નહીં અને અડધા મને કરેલું કામ એને અડધું પરિણામ આપશે. વળી, એ કામ કરતી વખતે ઉત્સાહને બદલે નિરુત્સાહી હશે અને કામ પાર ન પડે એટલે હતોત્સાહ કે નિષ્ફળતા અનુભવતો હશે.

જેની પાસે પોતાના કામને ચાહવાની જડીબુટ્ટી છે, એ વ્યક્તિ પોતાના કામને ઉત્સાહભેર કરતો રહેશે. કામ સામાન્ય હોય કે અસાધારણ હોય – પરંતુ પૂરા જોશથી એ કાર્યને ક૨શે અને હસતાં હસતાં કરશે. એની આગળ કંટાળો ફરકી શકશે નહીં. પોતાની ઇચ્છા અને આવશ્યકતા વચ્ચે એ સુંદર તાલમેળ સાધશે. કામ પ્રત્યેની સમર્પણશીલતા એનામાં પ્રસન્નતા સર્જશે અને પછી પોતાનું કામ એ એકાગ્ર બનીને કરી શકશે, એટલું જ નહીં, બલ્કે ખૂબ ઝડપથી પૂર્ણ કરી શકશે.

કુમારપાળ દેસાઈ

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑