આપણા દેહની મધુર વાણી

આપણો દેહ આપણો સદાનો ડહાપણભર્યો સાથી અને જીવનનો સમજદાર મિત્ર છે, પરંતુ જે સૌથી નજીક હોય, એની માનવી સૌથી વધુ ઉપેક્ષા કરતો હોય છે. માણસ એના દેહ દ્વારા જીવતો હોય છે, છતાં એ દેહની યોગ્ય પરવા કરતો નથી.

એ દેહના બાહ્ય આકર્ષણનો પુષ્કળ વિચાર કરે છે. દેહ પરના રૂપ-અરૂપનો ઊંડો ખ્યાલ મેળવે છે. એ અપંગ વ્યક્તિના દેહની વિકલાંગતાને પણ જુએ છે, પરંતુ પોતાના દેહની ભીતર વહેતી આંતરવાણીને સાંભળતો નથી. એ દેહની જરૂરિયાતને કાને ધરતો નથી. દેહની સ્વસ્થતાનો વિશેષ વિચાર કરતો નથી અને દેહની ઇચ્છાની સદંતર અવગણના કરે છે. આથી જ દેહ અકળાય છે, કોપાયમાન થાય છે અને એ રોગ રૂપે પ્રગટ થાય છે. રોગ એ દેહની તમે કરેલી ઉપેક્ષાનો અવાજ છે. અનિદ્રા, અપચો, માથાનો દુઃખાવો, પીઠનો દુઃખાવો એ બધાનું કારણ એ હોય છે કે વ્યક્તિએ એના દેહની મધુર વાણી સાંભળી નહીં અને તેથી દેહે કર્કશ અવાજે ઘાંટો પાડીને વ્યાધિ રૂપે દેખા દીધી છે.

આજના ઘોંઘાટભર્યા યુગમાં માણસના કાન પર સતત કોલાહલ મચ્યો રહેતો હોય, ત્યારે એનું સઘળું ધ્યાન પોતાની બહારની બાજુએ જાય છે. એ પોતાની ભીતરની વાતને સાંભળી શકતો નથી. આપણે આપણા દેહની જરૂર, એની ઇચ્છા કે અપેક્ષાને સાંભળીએ છીએ ખરા ? એ સાંભળવા માટે તો ધ્યાન અને એકાગ્રતાની જરૂર પડે. ભીતરી એકાગ્રતાના અભાવે આપણે દેહનો અવાજ, મનની ભાવના અને જીવનની સ્વસ્થતા પામી શકતા નથી.

કુમારપાળ દેસાઈ

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑