મનમાં એક જ વિચારને સતત સેવન, મંથન કે ચર્વણ કરવાથી એ વિચાર વ્યક્તિના સમગ્ર જીવનને ઘેરી વળે છે. એને કોઈ દર્દની પીડા થતી હોય અને એનું ચિત્ત વિક્ષુબ્ધ બની ગયું હોય, તો એ સતત પીડાનો અને વિક્ષુબ્ધતાનો વિચાર કરતો રહે છે. પરંતુ જેમ રસ્તા પર જતા હોઈએ અને વળાંક આવે અને નજર સામેની દુનિયા જ બદલાઈ જાય છે, એ રીતે આપણે આપણા મનમાં સતત ચાલતા વિચારને વળાંક આપીએ તો ? એને કોઈ જુદી જ દિશામાં લઈ જઈએ તો ? જે દુઃખ, ભય, આધિ, વ્યાધિ અને ઉપાધિ ચિત્ત પર બેઠાં હોય, એને એવું ફરમાન છોડીએ કે જરા, આ ભૂલી જા ! કોઈ નવો વિચાર કર. આનંદ અને ઉલ્લાસભર્યા ‘પૉઝિટિવ’ વિચાર ક૨. આને ‘ગાઇડેડ ઇમેજરી’ કહેવામાં આવે છે.
આવી ‘ગાઇડેડ ઇમેજરી’થી ન્યૂયૉર્કના ઇન્ટિગ્રેટિવ મેડિસિન સેન્ટરના અધ્યક્ષ ડૉ. બેરીએ ઘણું મોટું કામ કર્યું છે. એમના કહેવા પ્રમાણે દર્દી પોતાના દર્દને ભૂલીને પોતાની જાતને સંપૂર્ણ સ્વસ્થ અને ચુસ્ત હોવાની કલ્પના કરે, તો એ ખૂબ ઝડપથી એના દર્દમાંથી, એની નિરાશામાંથી કે વ્યર્થતામાંથી બહાર આવી શકે છે. હકીકતમાં એના કહેવા પ્રમાણે તો આવી બીમારીથી એ ખૂબ ઝડપથી છુટકારો પામી શકે છે.
એમણે એક મનોરોગીને કહ્યું કે એક સુંદર અને સ્વચ્છ સ્થાનમાં બેસીને એ કલ્પના કરે કે એનું વ્યક્તિત્વ અત્યંત ચપળ, ઊર્જાભર્યું, જોશીલું અને સ્વસ્થ છે અને પછી એ દર્દીએ એમના કહેવા પ્રમાણે કર્યું. એનું તારણ એ આવ્યું કે એ માનસિક રોગીનું બ્લડપ્રેશર, ટેન્શન વધારતા હાર્મોન અને હૃદયના વધુ પડતા ધબકારા ઓછા થઈ ગયા. આવી રીતે ‘ગાઇડેડ ઇમેજરી’ની પ્રક્રિયા દ્વારા ડૉ. બેરીએ ૮૦ લાખ લોકોને દર્દ અને ચિંતાથી મુક્ત કર્યા છે. માત્ર બીમારી જ નહીં, પણ વ્યક્તિની અનિદ્રા, માઇગ્રેન, પેટની બીમારી, ગંભીર રોગને પરિણામે જાગતી ચિંતાઓ અને ટેન્શન દૂર કરવામાં પણ એ સફળ થયા છે. આવી રીતે ‘ગાઇડેડ ઇમેજરી’નો લાંબા સમય સુધી પ્રયોગ કરીને વ્યક્તિ પોતાના વ્યક્તિત્વમાં ધરમૂળથી પરિવર્તન સાધી શકે.
કુમારપાળ દેસાઈ