આધિપત્યની ભાવના સદાય અધૂરપ સર્જે છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિ પર આધિપત્ય ધરાવતી હોય, ત્યારે બીજી વ્યક્તિના વિકાસને બદલે એનું સંકોચન થતું હોય છે. પતિ પત્ની પર આધિપત્ય ધરાવે, તો એનું પરિણામ શું આવે ? પુરુષ એનો પ્રભાવ પાડવા માટે સ્ત્રીને હંમેશાં નગણ્ય કે સામાન્ય ગણે, તો સ્ત્રી પણ ધીરે ધીરે એ વાત કે બંધનને સ્વીકારી લે છે, પણ પરિણામ એ આવે કે એને કારણે સ્ત્રી અવિકસિત રહે છે. એના વ્યક્તિત્વનો પૂર્ણ વિકાસ થતો નથી અને તેથી પ્રસન્નદાંપત્યનો પ્રાદુર્ભાવ થતો નથી.
તમે અન્યને બંધનમાં બાંધો છો, ત્યારે સવિશેષ તો ખુદને બંધક બનાવો છો. અન્યને ગુલામ બનાવો છો, ત્યારે તમે માલિક બનતા નથી, પણ હકીકતમાં એના ગુલામ બની જાઓ છો. કર્મચારી એમ માનતો હોય કે આટલું બધું કામ કરીએ છીએ, છતાં કોઈ સ્વતંત્રતા નથી. અધિકારી એમ માનતો હોય કે આટલી બધી મહેનત કરીએ છીએ, છતાં ઉપરી અધિકારી જેવી મોકળાશ નથી. કોઈ પ્રધાન એમ માનતો હોય કે આપણે આટલો બધો પ્રયત્ન કરીએ છીએ, એમ છતાં મુખ્ય પ્રધાન જેવો દબદબો નથી.
પરંતુ હકીકત એ છે કે જેને તમે બાંધો છો, તેનાથી તમે ખુદ બંધાઈ જાવ છો. આમ બહાર જે દેખાતું કે લાગતું હોય, તેના કરતાં વાસ્તવિકતા સાવ જુદી હોય છે અને તેથી ઘણી વાર તો બીજાને બંધનમાં રાખનાર સ્વયં ગુલામ બની જાય છે.
કુમારપાળ દેસાઈ