તમારા જીવનની કિતાબ અત્યારે ખોલો અને તમને ખ્યાલ આવશે કે એ કિતાબનાં મોટા ભાગનાં પૃષ્ઠો ચિંતાના બોજથી દબાયેલાં છે. કોઈને દર્દની ચિંતા હોય છે. ઘેરી વળેલા ડાયાબિટીસને એક ક્ષણ પણ મનમાંથી એ ભૂલી શકતો નથી. કોઈને ભવિષ્યમાં શું થશે, એનો ભય સતાવતો હોય છે, તો કોઈને એક એવો કાલ્પનિક ડર સતાવતો હોય છે કે આ સુખે ચાલતા જીવનમાં એકાએક ક્યાંકથી કોઈ અણધારી આફત તો નહીં આવી પડે ને ! રોગ, ભવિષ્ય અને જીવનની ચિંતાને કારણે આપણે વર્તમાનથી એટલા બધા વિક્ષુબ્ધ રહીએ છીએ કે આપણી નજર સામે રાખેલું આપણા જીવનનું લક્ષ્ય ચૂકી જવાય છે. ચિંતાઓની ભુલભુલામણીમાં જ માણસ ભટકવા લાગે છે અને તેથી નિશ્ચિતપણે લક્ષ્યનો વિચાર કરી શકતો નથી. આને માટે વ્યક્તિએ એની વિચારધારા બદલવી પડે. એના મન પર અમુક વિચારો પલાંઠી લગાવીને બેસી ગયા હોય, તેને મન પરથી ઉઠાડીને વિદાય આપવી પડે. એક વાર આ ચિંતાઓને બાજુએ મૂકો, તો જીવનમાં નવો ઉલ્લાસ જાગશે. જીવનનું જે લક્ષ્ય ભૂલી ગયા હતા, એ લક્ષ્યનું પુનઃ સ્મરણ થશે. દર્દની વેદનાને બદલે દર્દ પ્રત્યે સ્વીકારભાવ જાગશે. ભવિષ્યની ફિકરને બદલે વર્તમાનમાં જે મળ્યું છે, તેનો આનંદ જાગશે અને ભવિષ્યના બોજને બદલે વર્તમાનને માણી લેવાની વૃત્તિ જાગશે. માણસને એના મનમાં એણે જગાડેલો ભય સતત ભયભીત રાખે છે અને એને પરિણામે એની જીવનકિતાબનાં પૃષ્ઠો જ નહીં, પરંતુ એનું જીવન ચિંતાના બોજથી એવું ઘેરાયું હોય છે કે ક્યારેક હતાશ થાય છે, તો ક્યારેક એને જીવન વ્યર્થ લાગે છે.
કુમારપાળ દેસાઈ