જાતને ચાહો

આ કેવી વિચિત્રતા છે ! વ્યક્તિત્વ આપણું પોતાનું અને એને જણાવાતો માપદંડ દુનિયાનો. આપણી જાત વિશે આપણને કેટલી જાણકારી છે ? આપણી જાત વિશેની સઘળી જાણકારી આપણે જગત પાસેથી ઉછીની લીધી છે. કોઈ એમ કહે કે તમે મંદબુદ્ધિ ધરાવો છો, તો તમે સ્વયં પોતાની બુદ્ધિ વિશે સાશંક બની જશો. ખરેખર તમે મંદબુદ્ધિ છો કે નહીં, તેની કોઈ જાતતપાસ કરશો નહીં. એ જ રીતે કોઈ કહે કે તમે ઘણા ઉતાવળા અને અધીરા છો એટલે આપણે માની લઈએ છીએ કે આપણે ઉતાવળા અને અધીરા છીએ અને એથી જ આપણે નિષ્ફળ જઈએ છીએ.

આમ બીજાના અભિપ્રાયની આંખે આપણે આપણા વ્યક્તિત્વને નિહાળતા હોઈએ છીએ અને તેથી દુનિયા આપણે વિશે જે ‘લેબલ’ આપે, એ ‘લેબલ’ લઈને જીવતા હોઈએ છીએ.

હકીકત એ છે કે જો તમારે જીવનમાં ખુશી પામવી હોય, તો ખુદને પ્રેમ કરવો પડે. પોતાની જાત સાથે પ્રેમ કરનાર એની જાતને જુએ છે, એને પોતાની રીતે મૂલવે છે અને પોતાને વિશે પોતીકો અભિપ્રાય બાંધે છે. પોતાના વ્યક્તિત્વમાં કોઈ દોષ કે મર્યાદા લાગે, તો એને એ જાણી શકે છે અને દૂર કરવા માટે પ્રયત્ન પણ કરી શકે છે. બીજાના ‘લેબલ’થી ચાલનાર પોતાની આવડત અને નિર્બળતા બેમાંથી એકેયનું યોગ્ય મૂલ્યાંકન કરી શકતો નથી. સ્વયં સાથે પ્રેમ કરવાથી તમે ભૂતકાળનાં ઉત્તમ સ્મરણોનો આનંદ પુનઃ પ્રાપ્ત કરી શકશો. હૃદયસ્પર્શી સબંધોને ફરી હૃદયમાં સજીવન કરી શકશો અને પોતાના જીવન પ્રત્યે આત્મવિશ્વાસની દૃષ્ટિ મેળવશો.

કુમારપાળ દેસાઈ

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑