તમારા ઇરાદાઓનો પ્રભાવક હોય છે. તમે કરેલી ઇચ્છા કે રાખેલો ઇરાદો તમારા મન, વિચાર અને વર્તન પર પ્રબળ પ્રભાવ પાડે છે. તમારી જિંદગી સાથે તમારા ઇરાદા પ્રગાઢપણે જોડાયેલા હોય છે અને તેથી જિંદગીમાં વ્યક્તિ જ્યારે ઇરાદાઓ કે ઇચ્છાઓ નક્કી કરે, ત્યારે એણે માત્ર મોટાં ધ્યેયો, ઊંચા આદર્શો કે ભવ્ય ઇરાદાઓ કરવાને બદલે નાની નાની ઇચ્છાઓ અને ઇરાદાઓ કરવા જોઈએ. કારણ કે આવા નાના નાના ઇરાદાઓ હાંસલ કરવાથી તમારામાં એક આત્મવિશ્વાસ જાગશે અને એ આત્મવિશ્વાસને આધારે મોટા ઇરાદાઓ તરફ ગતિ થશે અને એને સિદ્ધ કરી શકાશે.
દરેક વ્યક્તિએ પ્રાતઃકાળે દિનચર્યાનો નકશો બનાવવો જોઈએ અને એ નકશો હોય છે. આખા દિવસમાં કરવાનાં કામનો. પરંતુ માત્ર મોટાં મોટાં કામો પર નજર રાખવાને બદલે આ નકશાની યાત્રાનો આરંભ નાનાં કામોથી કરવો જોઈએ. જેમ કે કામની યાદીમાં કોઈ એક મિત્રને મેઇલ કરવાનું લખે, આજે કેટલો સમય વાંચવું છે તે નક્કી નોંધે, કોને મળવા જવું છે તે નિર્ધારિત કરે. આ બધા આપણા નાના નાના ઇરાદાઓ હોય છે, પરંતુ નાના ઇરાદાઓનું એક આકર્ષણ હોય છે. એ આકર્ષણની સાથે એનું એક બળ હોય છે અને તેથી નાના નાના ઇરાદાઓ સિદ્ધ કરીને મોટાં ધ્યેયો સિદ્ધ કરવાની શક્તિ માનવી મેળવી શકે છે.
કુમારપાળ દેસાઈ